26th January selfie contest

ગુજરાત સરકારની તૈયારીઃ કોઈપણ હોસ્પિટલ જશો તો તમારી મેડિકલ હિસ્ટ્રી મળી જશે

PC: divyabhaskar.co.in

સરકાર દ્વારા ગુજરાતની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને અનેક સમસ્યાઓ જેવી કે, દર્દીઓની લાંબી લાઈનો, ફાઈલોની કડાકૂટ વગેરેમાંથી છુટકારો આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય સેવાઓને ડિજિટલ કરવાનું પ્લાનિંગ હવે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમામ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોને પેપરલેસ બનાવવા માટે સરકારે આયોજન હાથ ધર્યું છે. રાજ્ય સરકાર અન્ય સરકારી સેવાઓની જેમ આરોગ્ય સુવિધાઓ પણ ડિજિટલ કરવા આગળ વધી રહી છે.

દમણ કે જે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે ત્યાં તમામ સરકારી હોસ્પિટલને ડિજિટલ સેવા હેઠળ આવરી લેવામાં આવી છે. ડિજિટલ સેવાના આધારે દમણમાં સફળતાથી હોસ્પિટલનો વહીવટ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર પણ દમણ મોડલ અપનાવવા આરોગ્યની ડિજિટલ સેવાઓ માટે વિચારણા કરી રહી છે. આરોગ્ય વિભાગના ટેક્નિકલ, વહીવટી અને ડોક્ટરની ટીમ દમણ મોડલના અભ્યાસ અર્થે ટૂંક સમયમાં દમણ જશે, એમ રાજ્યના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

રિપોર્ટ મુજબ આ અંગે યુનિયન ટેરિટરીના (પૂર્વ હેલ્થ ડાયરેક્ટર) કન્સલ્ટન્ટ (હેલ્થ અને ફેમિલી વેલ્ફેર) ડો. V.K.દાસે જણાવ્યું હતું કે, લોકોને પહેલા ઓફલાઈન પદ્ધતિમાં ઊભા રહેવું પડતું હતું. જો કે, આ પદ્ધતિ અમલી થતાં પહેલા રજિસ્ટ્રેશન શરૂ કરાવ્યું. બાદમાં સુધારો કરી એમાં કિયોસ્ક મૂક્યું. આથી બીજી વખત આવનાર દર્દી ડાયરેક્ટ કિયોસ્ક મશીનથી જ એપોઈન્ટમેન્ટ લઈ શકે. અમે આ પછી વેબપેજ શરૂ કર્યું જેથી કરીને ઘરેથી જ દર્દી એપોઈન્ટમેન્ટ લઈ શકે. હવે ત્રણ રીતે એપોઈન્ટમેન્ટ લઈ શકે છે દર્દીઓ. આ સાથે તે તેનો રેકોર્ડ પણ વેબપેજ દ્વારા રજિસ્ટ્રેશન નંબરથી કાઢી શકે છે. દર્દીની તમામ સારવાર અંગે બારકોડમાં વિગતો આવી જાય તે માટેથી આ પદ્ધતિમાં અમે લેબનાં તમામ સાધનો જોડી દીધા. ડોક્ટર બારકોડ મારફત સેમ્પલ મશીનમાં એન્ટ્રી થાય એટલે જોઈ શકે છે. જેમાં એક્સ-રે અંગેની વિગતો પણ આવી જાય છે. આમ, ઓનલાઈન ઈમેજિંગ, લેબ, તપાસ વગેરે રેકોર્ડ મળી જાય છે. અને આ સુવિધાના કારણે દર્દીના 10 વર્ષ જૂના રેકોર્ડ પણ જોઈ શકાય છે.

રિપોર્ટ મુજબ સ્ટોર મોડ્યુઅલ અંગે જણાવતા ડો. V.K.દાસે જણાવ્યું હતું કે, કોમ્પ્યુટરમાં દવાની જે ખરીદી થાય એની એન્ટ્રી થાય. ઓનલાઇન તમામ ઓર્ડર ઈસ્યુ થાય, ઓફલાઈન નહીં થાય એટલે કે વિભાગ સ્ટોરની સાથે બધા જોડાઈ જાય. OPDમાં હોય તો ફાર્મસીમાં આવે, જે પણ ઓનલાઈન છે. પેપરમાં કંઈ જ લખવાનું નહીં, આ બધી વિગતો ઓનલાઈન હોય. ડોક્ટર પણ કોમ્પ્યુટરમાં જ જોઈ અને એમાં જ બધી એન્ટ્રી કરે અને સેવ કરે. ડોક્ટરે લખેલી દવા ફાર્મસીવાળા પણ જોઈ શકે. યુનિક ID બને, જે IDમાં આ બધું સ્ટોર થાય.

આ સેવાથી કોઈપણ દવા કેટલી વપરાય છે, દવાનો સ્ટોક છે કે નથી વગેરે જેવી વિગતો સીધી જ દેખાઈ આવે છે. એ ડેટાનું દર મહિને વેરિફિકેશન થાય છે અને જો ડેટામાં ડિફરન્સ આવે તો ઈન્ક્વાયરી થાય છે. દવા, ઇન્જેક્શન વગેરે જેવી આઈટમ કેવી રીતે ખરીદવી, સ્ટોર કરવી વગેરે પ્લાનિંગ સ્ટોરમાં થઈ શકે છે. દવાના રિઓર્ડર કરવા માટે પણ વિકલ્પ આવે છે તેમજ રિમાઈન્ડ પણ કરાવે છે. ક્યારેક સ્ટોક ઘટે તો તેની વિગતો અંગે પણ માહિતગાર થઈ શકાય અને ખ્યાલ આવી શકે છે. સ્ટોક પૂરો થાય એ સમયે દોડવાનું નહીં થાય. દવા વપરાઈ નહીં હોય અને તેની એક્સપાયરી ડેટ નજીક આવે તો પણ માહિતી બતાવે છે. વેસ્ટેજ નહીં થાય અને કોસ્ટ બેનિફિટ થશે. કઈ દવા છે, કેટલી દવા છે વગેરે વિશે માહિતી એક જગ્યાએ બેસીને જાણી શકાય છે.

ઈન્ટરનેટ નેટવર્ક કે સર્વર ડાઉનનો પ્રોબ્લેમ થાય તો કોઈ એક હોસ્પિટલ લેન પર ચાલી શકે. પરંતુ ઈન્ટરનેટ હોસ્પિટલને જોડવા બહુ જ અગત્યનું છે. ડેટા સ્ટોરેજ, ડેટા રિકવરી, ક્લાઉડ પર પણ સર્વરમાં સ્ટોરેજ કરાઇ છે.

દર્દીની ડિજિટલ ફાઇલ બને એ માટે રાજ્ય સરકાર હવે ખાસ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહી છે. દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજમાં કેસ પેપરની ફાઇલ તૈયાર કરવી પડે છે. સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકાર પ્રથમ તબક્કે ડિજિટલ સેવા શરૂ કરશે. ડિજિટલ કરવામાં આવશે દર્દીની સારવારની મેડિકલ હિસ્ટ્રી અને કેસ પેપર. દર્દીની સારવારને લગતી એમાં તમામ વિગતો હશે. દર્દીને ફાઈલ નંબર ડિજિટલ ફાઇલના આધારે આપવામાં આવશે. દર્દી કોઈપણ હોસ્પિટલમાં આ નંબરના આધારે સારવાર મેળવી શકશે. દર્દીને હોસ્પિટલમાં માત્ર નંબર આપવાનો રહેશે. દર્દીઓની સારવારની વિગત નંબરના આધારે ડોક્ટર ઓનલાઈન જાણી શકશે.

કાગળ પાછળ હાલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાનો વાર્ષિક ખર્ચ થાય છે. કરોડો રૂપિયા કાગળ પાછળ રાજ્ય સરકારના ખર્ચાઈ છે, ડિજિટલ સેવાને લીધે જેની બચત થશે. ડિજિટલ રેકોર્ડના આધારે હોસ્પિટલમાં ફાઈલોની સલામતી પણ વધશે. આગ જેવી ઘટનાઓને લીધે કેટલીક વાર મહત્ત્વની ફાઈલ કે કેસ પેપરનો નાશ થતો હોય છે, એટલે કે સલામતી જળવાતી નથી. ડિજિટલ રેકોર્ડ્સથી એવા સંજોગોમાં ફાઇલ કે મહત્ત્વના ડોક્યુમેન્ટની સલામતી જળવાઈ રહેશે.

રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારની સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજને પ્રથમ તબક્કે પેપરલેસ બનાવવામાં આવશે. જિલ્લા કક્ષાએ આવેલી સિવિલ હોસ્પિટલની સેવાને ત્યાર બાદ ડિજિટલ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાકક્ષાની આરોગ્ય સેવાઓ ડિજિટલ થયા બાદ તાલુકા કક્ષાએ આવેલી સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ PHC અને CHCની સેવા ડિજિટલ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp