પત્રિકાકાંડના ધુપ્પલથી લેવાતા નેતાઓના દાવ, ગુજરાત ભાજપ બની રહ્યું છે લાક્ષાગૃહ

PC: khabarchhe.com

ગુજરાત ભાજપમાં અત્યાર સુધી ન જોવાયેલા હોય તેવા સીન-શોટ જોવા મળી રહ્યા છે. એક પછી એક પત્રિકા કાંડથી ભાજપની છબિ ઘૂમિલ થઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલાં પત્રિકાકાંડના ધુપ્પલથી નેતાઓનાં લેવાઈ રહેલા રાજકીય દાવમાં ગુજરાત ભાજપ જાણો લાક્ષાગૃહ બની રહ્યું હોવાની પ્રતિતિ થઈ રહી છે.  

પ્રદિપસિંહ વાઘેલાએ ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદિપસિંહ વાઘેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પછી બીજા શક્તિશાળી નેતા છે. ભૂતકાળમાં રાજ્યમાં પ્રદેશ પ્રમુખ બદલવાની અટકળો ચાલી રહી હતી, જેમાં નવા પ્રદેશ પ્રમુખની રેસમાં પ્રદિપસિંહ વાઘેલા મુખ્ય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા. જોકે, હવે તેમના જવાથી અનેક સવાલો ઉભા થયા છે. રાજીનામા અંગે પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું છે કે થોડા દિવસોમાં બધું બરાબર થઈ જશે. વાઘેલાની 10 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પૂર્વેની ઘટનાઓ પર નજર કરીએ તો સુરતમાં પણ પત્રિકાકાંડની અપાર ચર્ચા છે. સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સાંસદ પ્રભુ વસાવા અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પત્રિકાકાંડને લઈ ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. આ પત્રિકાકાંડની પાછળના માસ્ટર માઈન્ડ તરીકે ભાજપનાં દિગ્ગજ નેતાની સામે શંકાની સોય તાકવામાં આવી છે. ખાસ કરીને માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપત વસાવાનું ખાસ્સું એવું ચર્ચામાં આવ્યું છે. ગણપત વસાવાના આ પ્રકરણમાં કોઈ પણ સંડોવણી હોવાના ઈન્કાર વચ્ચે પોલીસ તપાસ ચાલી રહી છે.

એક પછી એક પત્રિકાઓના મારા વચ્ચે ભાજપની નેતાગીરી માટે ચિંતનનો મોટો પ્રશ્ન એ છે કે ક્યાંકને ક્યાંક પાર્ટીની ભીતરમાં જ્વાળામુખી ભભૂકી રહ્યો છે. ભાજપના કેટલાક નેતાઓ જાણ્યે-અજાણ્યે વર્તમાન સ્થિતિમાં રિસાયેલા, નારાજ અથવા તો મોટાપાયા પર અસંતુષ્ટ છે. પત્રિકા કોણે બહાર પાડી તેના કરતાં મહત્વનો પ્રશ્ન એ છે કે પત્રિકા બહાર પાડવા સુધીની નોબત કેમ આવી? શું પક્ષમાં પ્રમાણિક અવાજને દબાવવામાં આવી રહ્યો છે? શું કાર્યકરો અને ગ્રાસરૂટ લેવલ પર કામ કરતાં નેતાઓ અને કાર્યકરોને દબડાવવામાં આવી રહ્યા છે? આવા તો અનેક પ્રશ્નો ઉભા થઈ શકે છે.

ફરી એક વાર આદિવાસીપટ્ટી પરથી જ રાજકીય વેરના વાવેતર થયા છે. આ એ જ ભૂમિ છે જ્યાં કોંગ્રેસના પતનના કોફિનમાં પહેલો ખીલો જડાયો હતો. અહેમદ પટેલ-માધવસિંહ સોલંકી વર્સીસ અમરસિંહ ચૌધરી, ઝીણાભાઈ દરજી અને સહદેવ ચૌધરીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે બાંયો ચઢાવી હતી અને એકબીજાને રાજકીય રીતે મહાત કરવાનો ખેલ કર્યો હતો.

ભાજપમાં આ જ આદિવાસી વિસ્તાર પત્રિકાકાંડથી વેરના વળામણા માટેનુ એપિ સેન્ટર બન્યું છે. ગણપત વસાવા સમર્થકોના નામ ઉછળી રહ્યા છે, વાત પ્રદિપસિંહ વાઘેલા સુધી પહોંચી છે. કોંગ્રેસમાં પણ કંઈક ડિટ્ટો ટુ ડિટ્ટો 35 વર્ષ આ જ ઘટનાક્રમે કોંગ્રેસની ઘોર ખોદવાનો પ્રારંભ કર્યો હતો.

બીજી મહત્વની વાત એ છે કે પત્રિકાકાંડ થયું તો શું પોલીસ ફરિયાદ કરવા સુધી પાર્ટીએ જવાની જરૂર હતી ખરી? શું આ બાબતો કે આક્ષેપોની તપાસ પાર્ટીના ફોરમમાં રહીને નહીં કરી શકાઈ હોત? ભાજપની છાપ કેડરબેઝ અને શિસ્તબદ્વ પાર્ટીની છે, અને આ ભાજપની ગૂડવિલ પણ છે. છતાં પણ ભાજપનાં જ નેતાઓ ભાજપનાં અન્ય નેતાઓ સામે સીધી જ રીતે પોલીસ ફરિયાદ કરવા સુધીના પગલા પર પહોંચી જાય છે.

પ્રદિપસિંહ વાઘેલા, ગણપત વસાવા અને વસાવાના સમર્થકોની વાત તો પાશેરમાં પહેલી પૂણી જેવી છે. ભાજપમાં અનેક નેતાઓ એવાં છે કે જેમની સામે જાહેરમાં અને ઈવનધોફ મીડિયામાં ભ્રષ્ટાચારનાં પુરાવા સાથેના આક્ષેપો થયા છે પણ આવા નેતાઓ આજે પણ સરકાર કે સંગઠનમાં ઉચ્ચ સ્થાને બિરાજેલા છે.

શું ભાજપ કોંગ્રેસના રસ્તે જઈ રહ્યું છે? આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કે 1986-87ની વચ્ચે જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા અને અહેમદ પટેલ રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા ત્યારે અમરસિંહ ચૌધરીએ પણ રાજકીય શત્રુવટના વળામણા કર્યા હતા. બન્યું એવું હતું કે માધવસિંહ સોલંકીના અનુગામી બનેલા અમરસિંહ ચૌધરીના અત્યંત વફાદાર અને હાલના વેવાઈ સહદેવ ચૌધરીને અહેમદ પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો હતો. સહદેવ ચૌધરીની સામે પાર્ટીની શિસ્તભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.

અમરસિંહ ચૌધરીએ આનો જવાબ મોરબીના રફાડેશ્વરમાં દરોડો પાડીને આપ્યો હતો. દુષ્કાળની સ્થિતિ અને પાણીની અછતને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા ઢોરવાડ ચલાવવામાં આવતો હતો. ઢોરો માટે ઘાસચારાનું ફંડ એકત્ર કરવામાં આવતું અને સરકારની સબસીડી પણ મેળવવામાં આવતી હતી.

અમરસિંહ ચૌધરીએ રાજકોટના તે વખતના કલેક્ટર આર.ટક્રુને રફાડેશ્વર ઢોરવાડમાં દરોડા પાડવાનો ઓર્ડર કર્યો. કલેક્ટર ટક્રુએ મોટાપાયા પર નાણાકીય ગેરરીતિનો કેસ કર્યો.પીસીસી દ્વારા ગઠીત થયેલા ટ્રસ્ટ દ્વારા ઢોરવાડનું સંચાલન કરવામાં આવતું હતું. આ ઘટના બાદ કોંગ્રેસમાં જૂથબંધી અને રાજકીય વેરની વસુલાતનો લાંબો ઈતિહાસ છે પણ કોંગ્રેસ સાફ થતી ગઈ અને આજે સ્થિતિ ગુજરાતના લોકો સામે છે કે ગુજરાતમાં કોંગ્રેસ સંપૂર્ણપણ મૃત્યુશૈયા પર પહોંચી ગઈ છે.

 ભાજપ માટે પત્રિકાકાંડના ધુપ્પલે ચિંતન કરતાં પણ સમુદ્રમંથન કરવાનો સમય છે કે શું આવી રીતે જ રાજકીય દાવ લેવાતા રહેશે તો ભાજપની દશા કોંગ્રેસ કરતાંય ખરાબ થવામાં જરાય વાર લાગશે નહીં. આ એક લાલબત્તી સમાન ઘટના છે. ભાજપની નેતાગીરી સમુદ્રમંથન કરશે તો માલમ પડશે કે લાંબા સમય સુધી સત્તામાં રહો તો સત્તાલક્ષી દુષણોની કાંટાળી વાડ પણ ઉગી નીકળે છે એને હળવે હલેસે ઓળવી નાંખવાની હોય છે નહીં કે ઝાડને જ કાપી નાંખવાનો હોય.

(સૈયદ શકીલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp