ગુજરાત: હિંદુ વિસ્તારમાં મુસ્લિમે દુકાન ખરીદી, વિરોધ કરનારને કોર્ટે દંડ કર્યો
વડોદરાના હિંદુ બહુમતી ધરાવતા એક વિસ્તારમાં એક મુસ્લિમે દુકાન ખરીદી હતી, જેનો વિરોધ થયો હતો. હવે ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપીને વિરોધ કરનારાઓ પર દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યુ કે આવી વાતને કારણે બહુમતી હિંદુ અને લઘુમતી મુસ્લિમના સંતુલનને અસર પહોંચાડી શકે છે. દુકાન માલિકે ફરિયાદ કરી હતી કે અન્ય દુકાનદારોએ અને આજુબાજુમાં રહેતા લોકોએ તેની દુકાનમાં રિપેરીંગ કરવા દીધું નહોતું , જેને કારણે તે દુકાન ખોલી શક્યો નથી.
ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં, એ રિવ્યૂ પીટિશનને ફગાવી દીધી હતી, જેમાં હિંદુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં મુસ્લિમ માણસને દુકાન વેચવાની મંજૂરી આપતા આદેશને પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, કોર્ટે લગભગ દસ અરજદારો અને વેચાણના સાક્ષીઓ પર 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે તેમની એ આપત્તિઓને પણ ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે,વેચાણના કરાર પર સહી કરવાની તેમને ફરજ પાડવામાં આવી હતી.
જસ્ટિસ બીરેન વૈષ્ણવે પોતાના 42 પાનાના આદેશમાં આને પરેશાન કરનારા પરિબળ તરીકે લેખાવ્યું હતું. જજ વૈષ્ણવે 9 ફેબ્રુઆરીના આદેશમાં કહ્યું હતું કે, સંપત્તિ ખરીદનારને પરેશાન કરવામાં આવી રહ્યો છે. કારણકે તેણે સફળતાપૂર્વક સંપત્તિ ખરીદી અને તેના માલિકી હક્કને લઇને પરેશાન અને નિષ્ફળ કરવામાં આવી રહ્યો છે.
કોર્ટે તાજેતરમાં પોતાનો નિર્ણય કોર્ટની વેબસાઈટ પર અપલોડ કર્યો હતો. જેમાં અરજદારોએ 9 માર્ચ 2020ના રોજ આપેલા હાઈકોર્ટના નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી હતી. જિલ્લા કલેક્ટરના આદેશને પડકારતી દુકાન માલિક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આ નિર્ણય આવ્યો છે. આમાં, વેચાણની પરવાનગી એ આધાર પર નકારી કાઢવામાં આવી હતી કે આ પ્રકારનું વેચાણ બહુમતી હિન્દુ અને લઘુમતી મુસ્લિમ સંતુલનને અસર કરી શકે છે અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરી શકે છે.
પરંતુ માર્ચ 2020માં હાઈકોર્ટે કલેક્ટરના આ તમામ વાંધાઓ ફગાવી દીધા હતા. કોર્ટે કહ્યું કે એ જોવાનું રહેશે કે વેચાણ યોગ્ય અને મુક્ત સંમતિથી થયું છે કે કેમ. હવે સબ રજિસ્ટ્રાર દ્વારા વેચાણની નોંધણી સાથે આ મુદ્દો ફરી એક વખત સામે આવ્યો છે. અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે તેઓને વેચાણ દસ્તાવેજો પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે આ વાંધાઓ ફગાવી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp