રાજ્યની તમામ શાળામાં ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે, વિધાનસભામાં બિલ પાસ

PC: facebook.com/ibhupendrapatel

ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ઇનિંગમાં ગુજરાતીના ચહેરો પર ખુશી આવી જાય તેવા એક મહત્ત્વના બિલને વિધાનસભામાં મંજૂરી આપવામાં આવી છે.હવેથી ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવો પડશે, અંગ્રેજી માધ્યમની શાળાઓએ પણ. જે શાળાઓ નિયમોનું પાલન નહીં કરશે તેમની સામે આકરા પગલાંની જાહેરાત પણ કરવામાં આવી છે. ગુજરાતી ભાષાને બચાવવાનું સરકારનું આ એક પ્રસંશનીય પગલું છે. રાજ્યમાં 31 હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ છે.

આજે મંગળવારે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરીએ ગુજરાતી ભાષા ફરજિયાત કરવા માટેનું એક બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું, જેને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. ગુજરાતમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવો પડશે.

વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું તેની પર સત્તા પક્ષ અને વિપક્ષના 18 ધારાસભ્યો તેમના વિચારો વ્યકત કર્યા હતા. ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળામાં જ બાળકોને મુકવા એવો વાલીઓનો ક્રેઝ દિવસે દિવસે વધતો જતો, જેને કારણે આપણી માતૃભાષા ગુજરાતી ધીમે ધીમે લૂપ્ત થવા માંડી હતી. એ રીતે જોઇએ તો ગુજરાત સરકારે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પ્રસંશનીય પ્રયાસ કર્યો છે.

ગુજરાતના શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં જે બિલ રજૂ કર્યું છે તેમાં કડક પગલાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની કોઇ પણ શાળા જો પહેલીવાર નિયમોનું ભંગ કરતા પકડાશે તો 50,000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. બીજી વખત પકડાશે તો 1 લાખ રૂપિયાનો દંડ, ત્રીજી વખત 2 લાખ રૂપિયાનો દંડ થશે અને શાળાની માન્યતા પણ રદ કરી દેવામાં આવશે. અંગ્રેજી માધ્યમની શાળાઓએ પણ ફરજિયાત ગુજરાતી વિષય શીખવવો પડશે.

ગુજરાતી તમામ શાળાઓ અને શિક્ષણ બોર્ડને આ નિયમ લાગૂ પડશે. દંડ ઉપરાંત સજાની જોગવાઇ પણ રાખવામાં આવી છે. સરકારે બિલમાં જે જોગવાઇ કરી છે તે મુજબ ગુજરાતી ભાષા દરેક શાળા  ભણાવે તેનો અમલ કરાવવા માટે સરકાર નાયબ નિયામકની નિમણૂંક કરશે. જે શાળાઓ નિયમનું પાલન ન કરે તેને સજાની જોગવાઇ કરતા પહેલાં સાંભળવી પડશે અને બિન ગુજરાતી વિદ્યાર્થીઓના માતા પિતા કારણો સાથે વિનંતી કરશે તો તેમને ગુજરાતી અભ્યાસથી મૂક્તિ આપવામાં આવશે.

Khabarchhe.Com ગુજરાતના અગ્રણી ન્યૂઝ પોર્ટલમાંનુ એક છે અને અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ, કારણકે માતૃભાષાને બચાવવી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp