હાર્દિક પટેલ પાટીદાર આંદોલનમાં થયેલા એક કેસમાં નિર્દોષ જાહેર

PC: twitter.com/HardikPatel

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે 2017માં થયેલા એક કેસને લઈને કોર્ટ દ્વારા મહત્ત્વનો અને મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગરના એક કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2017ના કેસમાં નિર્દોષ છોડી મૂકવા માટે જામનગર કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચૂકાદાના કારણે હાર્દિક પટેલને ચોક્કસપણે રાહત મળી છે તેમ કહી શકાય.

4 નવેમ્બર 2017નો રોજ જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસિયામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા માટે શૈક્ષણિક હેતુથી મંજૂરી લેવામાં આવી હતી, પણ તેમાં રાજકીય ભાષણ થતા આ મામલે ફરિયાદ નોંધાઇ હતી અને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વિનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જામનગર ચોથા એડી. ચીફ. જૂડી મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચૂકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રાશિદભાઈ ખીરાની દલીલો માન્ય રાખી કોર્ટે ચૂકાદો આપ્યો છે. 25 ઓગસ્ટ 2015 ના રોજથી આક્રમક મોડમાં કરવામાં આવેલા આંદોલનને કારણે પહેલાં 9 અને ત્યારબાદ કુલ 14લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાથે જ પાટીદાર અનામતની માગ સાથે આંદોલનની શરૂઆત કરનારા હાર્દિક પટેલ હવે એક સામાન્ય યુવકમાંથી નેતાના પદ પર પહોંચી ગયા છે.

થોડા દિવસ અગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને પાટીદાર આંદોલન સમયેના નિકોલ કેસમાં કોર્ટે સમન્સ પાઠવ્યું હતું અને ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ ઇશ્યુ કર્યુ હતું. તેમજ 8 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું છતા હાર્દિક પટેલ હાજર રહ્યા નહોતા.  કોર્ટમાં ગેરહાજર રહેવા પાછળનું કારણે મેડિકલ બતાવ્યું હતું. તો આ અંગે પાટીદાર આગેવાન અને આ કેસના આરોપી ગીતા પટેલે જણાવ્યું હતું કે, સરકાર ચૂંટણી વખતે જાહેરાત કરે છે અમે બધા કેસ પરત લઈ લઈશું, પરંતુ અમે હજુ પણ કોર્ટમાં આવીએ છીએ અને ટૂંકી મુદ્દત 5-8 દિવસની મુદ્દતે અમે આવી છીએ અને હેરાન થઈ રહ્યા છીએ તેમજ આજે બીજા બધા હાજર હતા ફક્ત હાર્દિક પટેલ ગેરહાજર હતા.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ થઇ હતી, 100થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરાઇ હતી. કેસમાં 10થી વધુ સાક્ષીઓની જુબાની પણ લેવાઇ હતી. હાર્દિક પટેલની નીકોલમાં આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા અટકાયત કરવામાં આવી હતી. હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો પણ નોંધાયો હતો. 25 ઓગસ્ટ 2018 પોલીસ સાથે ગેરવર્તનની ફરિયાદ નોંધાઇ હતી. ગીતા પટેલ, કિરણ પટેલ સહિતના લોકો સામે ગુનો નોંધાયેલો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp