હનીટ્રેપ કેસમાં જે ઘોડેસવાર છોકરીનું નામ ઉછળ્યુ, જુઓ તેણે ઇન્ટરવ્યૂમાં શું કહ્યુ

PC: twitter.com

હનીટ્રેપ કેસમાં જે યુવતીનું નામ ઉછ્યું છે તેણે જણાવ્યું કે, હું રાજપૂત પરિવારની ગુજરાતી દીકરી છું. 1 હજાર પોલીસ અધિકારીઓને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરું છું. પણ અત્યાર સુધી હું કોઇ IPS અધિકારી કે પોલીસ અધિકારીને રૂબરૂ મળી નથી. હું આ બધા અધિકારીઓને માત્ર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી જ ઓળખું છું. ન તો હું ક્યારેય પોલીસ કે IPS અધિકારીને લાઇવ મળી છું કે ન તો મેં તેમની સાથે ટેલિફોનિક વાત કરી કે બીજું કશું નથી.

હનીટ્રેપમાં મારું નામ કેમ આવ્યું ખબર નથી. પણ હવે હું તંગ આવી ગઇ છું અને તમે મારો આ વીડિયો ઓન એર બતાવો, લોકો જુએ કે હું કોણ છું અને કેટલી તકલીફમાં છું. મારે તો બસ હવે ન્યાય જ જોઇએ ને તેના માટે હું લડીશ. બસ લડીશ. આખા ગુજરાતના પોલીસ વિભાગમાં છેલ્લા બે અઠવાડિયાથી એક શબ્દ ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે. 'હનીટ્રેપ કાંડ!' ક્યાંકથી એવી વાત ઊડી કે ગાંધીનગરની કરાઇ અકાદમીમાં ઘોડેસવારી શીખવા આવતી એક યુવતીએ હનીટ્રેપ કર્યું.

પછી તો અફવાને ક્યાં પાંખો હોય છે તેમાં પહેલાં 4 અને પછી 6 IPS અધિકારીને ફસાવાની વાત ઊછળી. વાત ત્યાં સુધી વધી ગઇ કે ઉચ્ચ સ્તરીય તપાસના પણ રિપોર્ટ આવવા લાગ્યા, પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં એક યુવતીની તસવીરો અને વીડિયો 'હનીટ્રેપ ગર્લ'ના નામે વાયરલ થવા લાગ્યા. જે યુવતીનું આ સમગ્ર મામલામાં નામ અને ચહેરો ઉછાળાયો હતો તેણે એક અખબાર સાથે વાતચીતમાં પોતોની આપવીતી જણાવી છે. આ અંગે તેણે પોતાના માટે ન્યાયની પણ માગણી કરી છે. ચાલો તો અખબારના ઇન્ટરવ્યૂ પર એક નજર નાખીએ.

શું તમે માનો છો કે તમારો આ વીડિયો ઓન એર થવો જોઇએ? આ સવાલનો જવાબ આપતા યુવતી કહે છે કે, હા, હા, ચોક્કસ. ઓન એર થાય મારો વીડિયો. લોકો જુએ અને મારી ગુજરાતની પબ્લિક અને ગુજરાતનું પોલીસ ડિપાર્ટમેન્ટ બધા મને ન્યાય અપાવે. હું ઇચ્છું જ છું. ગુજરાતના કયા પોલીસ અધિકારીએ તમને બોલાવીને તમારી પૂછપરછ કરી હતી અને ક્યાં? આ સવાલનો જવાબ આપતા યુવતીએ કહ્યું કે, મને કરાઇ અકાદમીમાં બોલાવીને મારી પૂછપરછ સુજાતા મેડમે કરી હતી. તમારો પરિચય શું છે અને ગુજરાતના 'હનીટ્રેપ કાંડ'માં તમે કઇ રીતે ઇન્વોલ્વ છો?

આ સવાલનો જવાબ આપતા યુવતી કહે છે કે, હું ગુજરાતની જ રહેવાસી છું અને મારું નામ ખ્વાહિશ રાણા છે. હું નડિયાદ સિટી, જિલ્લો ખેડામાં રહું છું. હનીટ્રેપમાં મારું નામ કેમ આવ્યું ખબર નથી. કોઇ અસામાજિક તત્ત્વોએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર પરથી મારો ફોટો સ્ક્રીનશોટ દ્વારા લઇને વાયરલ કર્યો છે. IPS સાથે હનીટ્રેપ મામલે મારે કોઇ લેવા-દેવા જ નથી. તેનું કારણ એ છે કે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં IPSને ફોલો કરવું કે મોટિવેશનવાળો વીડિયો મૂકવો એ ગુનો તો નથી. મને ગમે છે અને મને બાળપણથી જ ઘોડેસવારીનો શોખ છે અને હું કરું છું.

પોલીસ અધિકારીઓને તમે નજીકથી કેટલાને ઓળખો? આ સવાલનો જવાબ આપતા યુવતી કહે છે કે, હું ફેસબુક-ઇન્સ્ટાગ્રામમાં થઇને 1,000 પોલીસ અધિકારીઓને ફોલો કરું છું. તેમના વીડિયો પણ અપલોડ કરું છું. બર્થ-ડે પણ વિશ કરું છું અને તેમના મોટિવેશનવાળા વીડિયો હોય તો સ્ટેટસમાં મૂકું છું. ઘોડેસવારી પ્રકરણનું શું છે? તમારી ઇન્ક્વાયરી શું થઇ? આ સવાલનો જવાબ આપતા યુવતીએ કહ્યું કે, ઘોડેસવારીનો તો મને બાળપણથી જ શોખ છે. અમે ઘોડે સવારીમાં એક વખત ગાંધીનગર ગયા હતા.

સોશિયલ મીડિયાથી પોલીસ ડિપાર્ટમેન્ટથી કનેક્ટેડ એક કર્મચારી હતા, તેમની મંજૂરી લઇને અમે ફોટા ક્લિક કર્યા હતા. કરાઇમાં ઘોડા પાસે ફોટો ક્લિક કર્યો હતો કારણ કે, મને શોખ છે. એટલા માટે ક્લિક કરીને અમે ત્યાંથી નીકળી આવ્યા હતા. તમારા કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો તમારી સાથે કેમ આવું થઇ રહ્યું છે? આ સવાલનો જવાબ આપતા યુવતીએ કહ્યું કે, મારી સાથે કેમ થયું તે વાત કરું તો બધાએ ઇન્સ્ટામાંથી ફોટા લઇને આ કર્યું છે. પણ આખી વાત અફવા છે. મારે કોઇ IPS અધિકારી સાથે લેવું-દેવું જ નથી. મને અસામાજિક તત્ત્વોએ આ રીતે કાવતરું કરીને ઇન્વોલ્વ કરી છે. IPS અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરવાનું આ ષડ્યંત્ર છે.

અત્યારે તમને લોકો કઇ રીતે પરેશાન કરે છે? આ સવાલનો જવાબ આપતા યુવતી કહે છે કે, અમે રાજપૂત સમાજમાંથી આવીએ છીએ. અમારા પરિવારમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર, એમાં લોકો ઇન્સ્ટાગ્રામ પરથી ફોટા લઇ IPS અધિકારીઓનું નામ લઇને મને મ્હોરો બનાવે છે. મને તેમાં ન્યાય મળવો જોઇએ. હું ગુજરાતની દીકરી છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધાને બહેન કહે છે તો બહેનને ન્યાય મળવો જોઇએ. તમે અત્યારે નાના ટાઉનમાં રહો છો તો તમારી સાથે લોકો કેવું વર્તન કરે છે?

આ સવાલનો જવાબ આપતા યુવતી કહ્યું કે, હું શાકભાજી લેવા જાઉં કે દૂધ લેવા જઉં તો બધા વ્યક્તિઓ મારી પાછળ દોડે છે. અને વાતો કરે છે કે જુઓ આ હનીટ્રેપવાળી છોકરી જાય છે. હવે મારે કેસ સાથે કોઇ લેવા-દેવા જ નથી, એવા કેસમાં મને સંડોવે છે. મારું એવું કહેવું છે કે જેમણે પણ મારું ખોટું છાપ્યું છે અને અસામાજિક તત્ત્વો છે તેમની વિરુદ્વ પગલાં લેવાવા જોઇએ. ટ્વીટરમાં અને એ બધામાં તે બધાની સામે કેસ થવો જ જોઇએ. મેં એક અરજી નડિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં આપી જ છે. જરૂર પડશે તો હું ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP ઓફિસ, મહિલા સંગઠનો સહિત બધે અરજી આપીશ અને બધી જગ્યાએ લડીશ.

 IPS અધિકારીો સાથે તમારું નામ આવ્યું છે અને IPS અધિકારીઓ પણ બદનામ થયા છે, તો તમારું શું કહેવું છે? આ સવાલનો જવાબ આપતા યુવતી કહે છે કે, બદનામી તો કહેવાય જ ને, કેમ કે બદનામી તો થવી જ ન જોઇએ. IPS તો UPSCની પરીક્ષા ક્રેક કરીને પછી બનાય છે. આવા લોકોને જો તમે આટલા બદનામ કરો તો ખોટી વાત છે. મારે એ કેસ સાથે કોઇ લેવા-દેવા જ નથી. હું ખોટી બદનામ થઇ રહી છું અને આ એક લાંછન કહેવાય પોલીસ ડિપાર્ટમેન્ટ પર.

તમારા પરિવારનું, આસપાસના લોકોનું અત્યારે તમારી સાથે કેવું વર્તન છે? આ સવાલનો જવાબ આપતા યુવતી કહ્યું કે, હાં, બધાનું વર્તન બદલાઇ ગયું છે. અમારા ફળિયાની વાત કરું તો અહીં પણ બધા લોકો અમને ઘૃણાની નજરથી જુએ છે. આ તો પેલી છોકરી છે જેનું પેલા IPS અધિકારીઓ સાથે નામ ઉછળ્યું છે કે, 6 IPS અધિકારીોનું મેં હનીટ્રેપ કર્યું છે. જ્યારે ખરેખર તો એવું કશું જ નથી. કોઇ પણ IPS અધિકારી કે પોલીસ અધિકારીને હું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી જ ઓળખું છું. ક્યારેય કોઇ પોલીસ કે IPS અધિકારીને હું ન તો લાઇવ મળી છું, કે ન તો ટેલિફોનિક વાત કરી કે બીજું કશું જ નથી. આ એક અફવા છે.

તમે આ કેસમાં હવે કઇ રીતે ન્યાય મેળવવા માગો છો? આ સવાલનો જવાબ આપતા યુવતી કહે છે કે, હું તો હવે કોર્ટમાં કેસ લડવાની છું. બધી જગ્યાએ મારી અરજી આપીશ. મને ન્યાય મળવો જ જોઇએ. હવે વાત તમારા ચરિત્રની આવી છે તો તમારો પરિવાર શું ભોગવે છે? આ સવાલનો જવાબ આપતા યુવતીએ કહ્યું કે, મને ઘણી વખત વિચાર આવે છે કે જે વ્યક્તિએ કશું કર્યું જ ન હોય અને તેની સામે તમે આવા મોટા આક્ષેપો કરતા હોવ તો મારી ઇજ્જતનું શું? હું તો માનહાનિનો દાવો કરીશ.

છેલ્લા 15 દિવસથી હનીટ્રેપની વાત છે તો એમાં તમે શું કરશો હવે? આ સવાલનો જવાબ આપતા યુવતીએ કહ્યું કે, હું કોર્ટ સુધી જઇશ અને જરૂર પડશે તો હર્ષ સંઘવી સુધી જઇશ. કેમ કે મારે તેની સાથે કોઇ કનેક્શન જ નથી અને ખોટી રીતે મને બદનામ કરાઇ રહી છે. ખોટી રીતે મારું નામ તેમાં ઊછળી રહ્યું છે સોશિયલ મીડિયામાં. અને એક પોસ્ટના લીધે હું બદનામ થઇ ગઇ છું સોશિયલ મીડિયામાં. તો મને ન્યાય મળવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp