અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે પણ કરી કમૌસમી વરસાદની આગાહી
ગુજરાતમાં ઠંડીની જગ્યાએ કમૌસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે. કમૌસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડીનો પારો ઘટવાની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના ડિયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ 5 દિવસમાં વરસાદ થવાની સંભાવના નથી, પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
તેમણે આગળ જણાવ્યુ કે, ગુજરાતમાં ગમે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. છઠ્ઠા દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જ્યારે સાતમા દિવસે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ સિવાય હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં માવઠાને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે, આ વખત નવેમ્બબરમાં જોઇએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી.
જેથી દેશના ઉત્તર-પર્વતીય ભાગોમાં જોઇએ તેવી હિમ વર્ષા થઇ નથી. જેના કારણે આ વખત હજુ ઉત્તરી- પર્વતીય વિસ્તારોમાં અને ગુજરાતમાં જેટલી ઠંડક થવી જોઇએ એટલી થઇ નથી. તેમણે આગળ જણાવ્યુ છે કે, પવન, ગ્રહોની સ્થિતિ અને અન્ય કારણો જોતા 24મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી દેશના દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. નોંધનીય છે કે, હજુ બંગાળનો ઉપસાગર ભારે સક્રિય થશે અને વધુ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ફૂંકાઇ શકે છે. ત્યારબાદ ધીરે-ધીરે હલચલ જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 24 તારીખથી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાત સહિત દક્ષિણ ભારત, મુંબઇના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતનામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને તેમાં પણ મહારાષ્ટ્રની બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તાર જેમકે વલસાડ, વાપીની આસપાસના વિસ્તારો અથવા તો ઉદવાણા, ધરમપુર, સેલવાસમાં વાતાવરણમાં પલટો આવશે અને કોઇક કોઇક જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયું માવઠું થઇ શકે છે.
20 અને 21મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવીને એકાદ બે જગ્યા પર સામાન્ય વરસાદ થઇ શકે છે. એ સિવાય 21-26 તારીખ અને તેમા પણ 24 અને 25 તારીખે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે અને છૂટાછવાયા વરસાદના ઝાપટાં થશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, 21-26 નવેમ્બર વચ્ચે માવઠાની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 24-26 તારીખમાં માવઠું થઇ શકે છે. જો કે, તે પણ એકદમ સામાન્ય માવઠું હશે અને સામાન્ય અને સાર્વત્રિક વરસાદ નહીં પડે, પરંતુ છૂટાછવાયો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp