અમદાવાદમાં છાકટા ડ્રાઇવરની કાર પલટી મારી, દારૂ પણ મળ્યો, 3 હતા સવાર, જુઓ વીડિયો

PC: kc

બે દિવસ અગાઉ ઇસ્કોન બ્રિજ પાસે એક્સિડન્ટ થતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. હવે ફરી એક વખત એક્સિડન્ટ થતા અમીર પિતાના દીકરાઓ હજુ કેટલા લોકોનો જીવ લેશે તેની સામે પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. અમદાવાદમાં ફરી એક વખત મણિનગર વિસ્તારમાં એક્સિડન્ટની ઘટના બની છે. આ વખત એક્સિડન્ટ કરનારા લોકો દારૂ પીને છાકટા થયેલા હતા. તેમની કાર અચાનક દીવાલ સાથે અથડાઇ અને પલટી મારી ગઈ હતી. કારની અંદર લોકો દારૂ પીધેલી હાલતમાં હતા. જેમની સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ બધા લોકો ઇસનપુરના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસને મણિનગરમાં થયેલા એક્સિડન્ટમાં કારની અંદરથી બીયરની બોટલો પણ મળી આવી છે. આ આખી ઘટના મામલે હાલમાં પોલીસે ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મણિનગરમાં જવાહર ચોક પાસે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા કારચાલકે ફરી એક વખત એક્સિડન્ટ કર્યો હતો. કારચાલક કોણ હતો તેની જાણકારી મળી નથી, પરંતુ કારમાં 2 લોકો સવાર હોવાનું આવી રહ્યું છે, એ સિવાય કારમાંથી બીયરની બોટલ પણ મળી આવી છે.

એક્સિડન્ટની માહિતી મળતા જ મણિનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાડી દીવાલમાં ઘૂસી જતા ગાડી પલટી મારી ગઈ હતી. અત્યાર સુધી તો કોઈને ઇજા થવા કે મોતની જાણકારી મળી નથી, પરંતુ કારની અંદરથી લોહીના ડાઘ મળી આવ્યા છે. તો એક્સિડન્ટના સમયે બાકડા પર લોકો બેઠા હતા, પરંતુ કારને દૂરથી આવતી જોઈને એ લોકો ભાગી ગયા હતા, જેના કારણે તેમના જીવ બચી ગયા.

આ ઘટના અંગે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉનડકટે એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એક્સિડન્ટ કરનાર લોકો દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમની કારમાંથી બીયરની બોટલો મળી આવી છે. જે મામલે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. એક્સિડન્ટ કરનાર ઇસનપુરના હતા અને કાંકરિયા તરફથી આવી રહ્યા હતા. હાલ આ સમગ્ર મામલે ગંભીર વિગતો સામે આવતા તેમની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કારમાં 3 લોકો હોવાની જાણકારી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp