જોરદાર જીત બાદ 2024ની તૈયારીમાં BJP, બનાવી રણનીતિ, આવતા વર્ષથી કરશે આ કામ

PC: livehindustan.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત સાતમી વખત જીત સાથે, BJPએ કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ચૂંટણી પરિણામો પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) હવે રાજ્યની જનતાને આપેલા વચનોને પૂર્ણ કરવા માટે એક એક્શન પ્લાન પર કામ કરી રહી છે.

આગામી વર્ષમાં BJP 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. સૂત્રો સાથે રૂબરૂ મુલાકાતમાં વાત કરતા, ગુજરાત BJPના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, '2023માં પાર્ટી માટે આગળની તૈયારીરૂપે ચોક્કસપણે ચૂંટણી દરમિયાન લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે કામ કરવાનો રહેશે. આ વર્ષે અમારી પાર્ટી અને સરકાર, ગુજરાત રાજ્યને એક ટ્રિલિયન અર્થતંત્ર બનાવવા માટે કામ કરશે.'

BJP નેતાએ એમ પણ કહ્યું, 'પાર્ટી રાજ્યમાં તેના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરશે. 156 બેઠકો જીતવી એ એક વિશાળ જનાદેશ છે, જે શાસક પક્ષ તરીકેની મોટી જવાબદારી પણ કહી શકાય. જો કે, અમારો પ્રયાસ રહેશે કે, પક્ષના કાર્યકરો અહંકાર વગર જમીન પર રહે. એક શિસ્તબદ્ધ કેડર હોવાના કારણે BJPના કાર્યકરો માટે આ કોઈ મોટું કામ નથી.'

બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસ તેના સૌથી મુશ્કેલ પડકારનો સામનો કરી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. 2017માં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી, જેની સંખ્યા 2022માં ઘટીને માત્ર 17 થઈ ગઈ હતી. પાર્ટીના એક નેતાએ કહ્યું, 'જીત અને હાર રાજનીતિનો ભાગ છે. જોકે, આ વિધાનસભા ચૂંટણીનું પરિણામ અમારા માટે ચોંકાવનારું છે. અમને પાર્ટીના સંગઠનાત્મક માળખામાં અને ગુજરાતના લોકો સુધી પહોંચવાની રીતમાં મોટા ફેરફારોની જરૂર છે.'

પાંચ વિધાનસભા બેઠકો જીતીને ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવનાર આમ આદમી પાર્ટી (AAP) હવે રાજ્યમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે 2024ની લોકસભા ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. AAP નેતાએ કહ્યું, 'અમે પહેલાથી જ 2024ની લોકસભા ચૂંટણી અને પછી 2027ની વિધાનસભા ચૂંટણી માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અમે ભલે માત્ર પાંચ ધારાસભ્યો હોઈએ, પરંતુ આવનારા દિવસોમાં તમે તેમને તેમના મતવિસ્તાર ઉપરાંત રાજ્યભરમાં મુદ્દા ઉઠાવતા જોશો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp