26th January selfie contest

રાજકોટ હનુમાન ચાલીસા કથામાં છકડોચાલક રોજ ભક્તોને પીવડાવે છે 250 લીટર દૂધની ચા

PC: divyabhaskar.co.in

રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલી હનુમાન ચાલીસા યુવા કથામાં વ્યાસપીઠ પરથી રોજ હજારો લોકોને સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે કથાના પાંચમા દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથા સાંભળવા માટે ઉમટી પડ્યા હતા. જે દરમિયાન આ પાંચ દિવસોમાં આશરે 80 હજારથી વધુ લોકોએ આ કથા સાંભળી છે. જો કે, કેટલાક લોકો નિઃસ્વાર્થ ભાવે આ કથામાં સેવા પણ આપી રહ્યા છે. જેમાના એક છે પાચાભાઈ ભરવાડ કે જેઓ છકડો રિક્ષાના ચાલક છે. જેઓ દરરોજ 200થી 250 લિટર દૂધની ચા નિઃસ્વાર્થ ભાવે કથામાં આવતા હજારો લોકોને પીવડાવે છે અને તેમની સેવાને વ્યાસપીઠ પરથી ખુદ હરિપ્રકાશદાસ સ્વામીએ બિરદાવી હતી. સ્વામીને પાચાભાઈએ કહ્યું હતું કે, પત્નીના દાગીના, છકડો રિક્ષા વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ.

પાચાભાઈની સેવાની પ્રસંશા કરતાં વ્યાસપીઠ પરથી સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, 'અહીં એક ભરવાડ બાપા આવ્યા છે, તેઓ દરરોજ બધાને ચા પીવડાવે છે.' આ સાથે જ તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, તેમની પાસે કંઈ નથી, તેઓ છકડો રિક્ષા ચલાવે છે. આ સાથે જ સ્વામીએ કહ્યું કે, પાચાભાઈએ એવું કહ્યું હતું કે મારા ઘરવાળાના દાગીના અને છકડો વેચી દઈશ, બાકી ચા તો હું જ પીવડાવીશ. જો કે, કથા શરૂ થઈ એ પહેલાં તેમને અન્ય લોકોએ એવું કહ્યું હતું કે, અમે દૂધ અને ચા-ખાંડ આપીશું જે બાબતે પચાભાઈએ તો તરત જ કહ્યું કે તો નથી પીવડાવી, ચા તો જ પીવડાવીશ જો બધું જ મારું હોય. ખાલી મને જગ્યા આપો. ગેસ, ચા-ખાંડ, તપેલાં અને માણસો પણ મારા અને પીવડાવીશ પણ હું.

પાચાભાઈએ જણાવ્યું કે, હું હનુમાન દાદા પર શ્રદ્ધા ધરાવું છું. દાદાએ મને અહીં મોકલ્યો છે. તું સેવા કરવા જા એવું દાદાએ મને કહ્યું, તારી સેવા થઈ જશે. આથી સેવા આપવા માટે હું અહીં આવ્યો છું. 200થી 250 લિટર દૂધ અહીં રોજ આવે છે, જેમાં સાથે ચા-ખાંડ પણ અમે લાવીએ છે. આપણા પર ભગવાનની કૃપા થઈ ગઈ છે અને સ્વામીજી પણ રાજી થઈ ગયા. જેથી અમે પણ આજે રાજી થઈ ગયા. મારું ગુજરાન હું રિક્ષા ચલાવીને ચલાવું છું. દાદાનું નામ લઈને હું સેવા કરી રહ્યો છું. એમાં મને દાદા પણ સાથ આપી રહ્યા છે.

ભાવિક હીરાભાઈ જોગરાણિયાએ જણાવ્યું હતું કે, એ અમારા માટે ગૌરવની વાત છે કે આ કથા સ્થળ પર અમને જે જગ્યા આપવામાં આવી છે ત્યાં અમને સેવાનો લાભ મળ્યો છે. મારે કંઈક અહીં કરવું છે તેવું અમારા પાચાભાઈને થયું અને અહીં સેવા આપવા માટે તેમણે સ્વામીજીને રજૂઆત કરી અને એ લોકોએ સ્વીકારી લીધું. આમા અમારા પાચાભાઈની સાચી મહેનત છે. માણસ નાનો છે, પણ તેનું દિલ મોટું છે. વ્યાસપીઠ પરથી સ્વામીજીએ કાલે જ તેમનું સન્માન કર્યું છે. એટલે આ ગૌરવની વાત છે અમારા પરિવાર અને સમાજ માટે. હનુમાન દાદા અને દ્વારકાધીશ ભગવાન અમને આવી જ સેવા કરવાની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરી છે.

સ્‍વામીજીનું હૃદય પાચાભાઇની સેવાભાવના જોઈને ગદગદિત થઈ ગયું હતું. આ સાથે જ સ્વામીજીએ કહ્યું કે, માત્ર પૈસા જ મહત્ત્વના નથી સેવા કરવા માટે, વ્‍યક્‍તિનો ભાવ પણ ઉત્તમ હોવો જોઈએ અને આપણી સામે એનું જીવતું ઉદાહરણ રાજકોટના સામાન્ય પરિવારના આ વૃદ્ધ રિક્ષાચાલક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો ચોથા દિવસે ભવ્‍ય અન્‍નકૂટ દર્શન યોજાયો હતો, જેમાં પોતાના ઘરે બનાવેલી વાનગીઓ ધરાવીને હરિભક્તો તેમજ શ્રાવકોએ આ ભવ્‍ય અન્નકૂટ ભગવાનને ધરાવ્યો હતો. જ્યારે શનિવારના રોજ કથાના પાંચમા દિવસે સાંજે ભવ્‍ય હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી.

શું-શું ધરાવાયું અન્નકૂટમાં

2000થી વધુ બનાવેલી વાનગીનો ભોગ ધરાવાયો

પ્રસાદીમાં 100થી વધુ ફ્રૂટ્સ ધરાવાયા

1500થી વધુ મીઠાઇનો ભોગ ધરાવાયો

અન્નકૂટ મહોત્સવમાં 2500થી વધુ વાનગી ધરાવાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp