CP સામે યુવક બોલ્યો-ઝોન 5ની ઓફિસથી 500 મીટર દૂર જ દારૂ-ગાંજાનું થાય છે વેચાણ

PC: divyabhaskar.co.in

સુરતમાં જહાંગીરપુરા સ્થિત પાલિકા કોમ્યુનિટી હોલમાં ઝોન-5 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનનો લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. આ લોક સંવાદ કાર્યક્રમમાં એક યુવકે પોલીસ કમિશનરની હાજરીમાં જ દારૂ અને ગાંજાના વેચાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. જાહેર સંવાદ કાર્યક્રમમાં યુવકે કહ્યું હતું કે, ઝોન-5ની ઓફિસથી 500 મીટર દૂર જ હરિચંપામાં ગાંજાનું અને દારૂનું વેચાણ થાય છે. પોલીસને વીડિયો પુરાવા આપ્યા છે, છતા પોલીસ તેમને પકડતી નથી અને 10 રૂપિયાની પોટલી પીને જતા વ્યક્તિને દારૂના કેસ બતાવવા પકડી જેલમાં પુરે દે છે. જાહેરમાં વાત સાંભળતા જ પોલીસ કમિશનરે તાત્કાલિક યુવકના આક્ષેપના પગલે તપાસના આદેશ આપ્યા હતા.

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરને જાહેરમાં રજૂઆત કરનાર જયેશ ગુર્જરે જણાવ્યું હતું કે, ઝોન-5ની અંદર જે 4 પોલીસ સ્ટેશન આવે છે તે પોલીસ સ્ટેશન તેમજ ઝોન-5ની ઓફિસના 500 મીટરના દાયરામાં હરિચંપાની અંદર ખુલ્લેઆમ દારૂ અને ગાંજાનું વેચાણ થઇ રહ્યું છે. ગાંજો વેચનાર ઇસમ રોજના 3-4 કિલો જેટલા ગાંજો વેચે છે. એ સિવાયત એટલી હદે દુષણ છે કે, નાના છોકરાઓને તેણે કામ પર લગાડ્યા છે. જેને રોજના 1 હજાર રૂપિયા આપીને 200 ગ્રામની પડીકા તેમના ખિસ્સામાં આપી દે છે અને ખુલ્લેઆમ ગાંજો વહેચાવડાવે છે. જેની સંપૂર્ણ માહિતી અડાજણના PI અને ઝોન-5ના DCP હર્ષદ મેહતાને વીડિયોના માધ્યમથી વોટ્સએપ પર મોકલી આપી હતી, એ છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

યુવકે આગળ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે, તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ 151ની ખોટી કલમ લગાડીને જે લોકોએ દારૂ પીધો હોય તેને આખી રાત જેલમાં પૂરી દેવામાં આવે છે. જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી. યુવકે જાહેર સંવાદમાં પોલીસ કમિશનરને અહીં સુધી કહ્યું હતું કે, તમામ વીડિયો પુરાવા સાથે પોલીસને રજૂઆત કરી છે, છતા કોઈ કાર્યવાહી થતી નથી. એટલે મેં આ રજૂઆત પોલીસ કમિશનરને જાહેર સંવાદ કાર્યક્રમમાં કરી.

લોક સંવાદ કાર્યક્રમમાં જાહેરમાં યુવકે ઉઠાવેલા અવાજને લઇને પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસ કરવામાં આવશે તે પ્રકારે વાત કરી હતી. યુવકની આ પ્રકારની રજૂઆત બાદ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, કોઈ એમ કહેતા હોય કે સુરતમાં ખૂણે-ખાચરે ડ્રગ્સ વેંચાય છે એ વાત એકદમ ખોટી છે. યુવકે જે આરોપ લગાવ્યા છે તેને અત્યારે જ નોંધ લઈને તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવે છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આખા શહેરમાં છેલ્લા બે વર્ષથી ‘નો ડ્રગ્સ ઈન સુરત’નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત શહેરમાં દારૂ, ગાંજો અને ડ્રગ્સના વેચાણ કરનાર પર લાલ આંખ કરવામાં આવી રહી છે. શહેરમાં ગાંજો, ડ્રગ્સ ઘુસાડોનાર પર સુરત પોલીસ સખ્તાઈથી કાર્યવાહી કરતી હોવાની વાતો કરી રહી છે, ત્યારે પોલીસ કમિશનરના અભિયાનનું જહાંગીરપુરા ખાતે યોજાયેલા જાહેર સંવાદ કાર્યક્રમમાં એક યુવકે પોલ ખોલી દીધી હતી. પોલીસ કમિશનરના ‘નો ડ્રગ્સ ઇન સુરત’ અભિયાન પર યુવકે કરેલા સવાલથી અનેક સવાલો ઊભા કરી દીધા છે.

સુરત પોલીસ દ્વારા લોકોની સમસ્યા જાણીને હલ કરવા માટે અલગ-અલગ પોલીસ સ્ટેશનની હદમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સુરતના જહાંગીરપુરા સ્થિત પાલિકા કોમ્યુનિટી હોલમાં ઝોન-5 વિસ્તારમાં આવતા પાલ, અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, અમરોલી, ઉતરાણ પોલીસ મથકનો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ લોક સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક સંવાદ કાર્યક્રમમાં લોકોએ સુરત પોલીસ કમિશનરને વિવિધ મુદાઓની રજૂઆત કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp