વરરાજાની કારના ચાલકે એક્સીલેટર દબાવી દેતા જાનૈયાઓ ફુટબોલની જેમ ફંગોળાયા, 1 મોત

PC: divyabhaskar.co.in

ગુજરાતીમાં એક કહેવત છે ‘ન જાણ્યું જનકી નાથે કાલે સવારે શું થવાનું છે.’ વડોદરામાં એક હૈયુ હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે.વાઘોડીયમાં એક લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ ડી જે તાલ પર નાચી રહ્યા હતા ત્યારે તેમને સપનેય પણ ખ્યાલ નહોતો કે ગણતરીની પળોમાં તેમની પર મોતનું તાંડવ થવાનું છે. વાત એમ બની હતી કે જાનૈયાઓ નાચી રહ્યા હતા ત્યારે વરરાજાને લઇને જતી કારના ચાલકે ભુલથી બ્રેકને બદલે એક્સીલેટર પર પગ મુકી દેતા કાર રોકેટની જેમ જાનૈયા પર જઇ પડી હતી અને દિલથી નાચી રહેલા જાનૈયાઓ ફુટબોલની જેમ ફંગોળાઇ ગયા હતા. જેમાં વરરજાના માસીનું માથું કાર નીચે કચડાઇ ગયું હતું  અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

વડોદરાના વાઘોડીયામાં ખુશીનો પ્રસંગ પળવારમાં માતમમાં ફેરવાઇ ગયો હતો. વડોદરના ધનિયાવીમાં રહેતા નિલેશ પરમાર નામના યુવાનના લગ્ન વાઘોડીયમાં રહેતી યુવતી સાથે થયા હતા. વર અને કન્યા બંને પક્ષોમાં ખુશીનો માહોલ હતો. કન્યા પક્ષે લગ્નોના ગીત ગવાઇ રહ્યા હતા, તો નિલેશ પરવારનો વરઘોડો વાઘોડીયો પહોંચી  રહ્યો હતો.વરઘોડોમાં જાનૈયાઓ બોલિવુડ ગીતો પર નાચી રહ્યા હતા અને નિલેશ પાછળ કારમાં બેઠો હતો. વરરાજા નિલેશની કારનો ચાલક ધીમે ધીમે કાર હંકારી રહ્યો હતો, તેમાં અચાનક ભૂલથી તેનાથી બ્રેકને બદલે એક્સીલેટર પર પગ મુકાઇ ગયો અને કાર બેકાબુ બની ગઇ હતી.

જાનૈયાઓ તો પોતાની મોજમાં નાચી રહ્યા હતો, પરંતુ કાર બેકાબુ થતા 17 જાનૈયાઓ અડફટે આવી ગયા હતા અને તેમાં વરરાજા નિલેશના માસી ચંપાબેન મકવાનું માથું કાર નીચે આવી જતા તેમનું મોત થયું હતું.જયાં બધાના ચહેરા પર ક્ષણ પહેલા ખુશી હતી ત્યાં અચાનક ગમગીનીનો મોહાલ છવાઇ ગયો હતો. જાનૈયાઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આખી ઘટના  CCTVમાં કેદ થઇ ગઇ છે. કાર અચાનક ફરી વળવાને કારણે ચીસાચીસ મચી ગઇ હતી અને રડારોડ થવા માંડી હતી. પરિવારના લોકો તેમના બાળકોને મરણિયાં થઇને શોધી રહ્યા હતા.

ઘટનાની જાણ થતા  વાઘોડીયા પોલીસ પહોંચી ગઇ છે અને જાનૈયાઓનો નિવેદન લેવામાં આવી રહી છે. પોલીસ CCTV પણ તપાસી રહી છે. કાર ચાલક નશામા હતો કે ભૂલથી એક્સીલેટર પર પગ મુકાયો હતો તે વિશે પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp