ઓફિસમાં બેસીને જ 2500ની લાંચ લેતા ઇન્કમટેક્સનો કર્મચારી પકડાયો, 5000 માગેલા

PC: khabarchhe.com

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા આયકર ભવનની ઓફીસમાં 4થા માળે 2500 રૂપિયાની લાંચ લેતા ઇન્કમ ટેક્સ ઓફીસનો કર્મચારી એન્ટિકરપ્શન બ્યૂરો (ACB)ની ટ્રેપમાં આબાદ સપડાઇ ગયો હતો. આ કર્મચારીએ લાંચ 5,000 રૂપિયાની માંગેલી, પરંતુ 1લી મેના દિવસે ઓફીસમાંજ 2500 રૂપિયાની લાંચ લીધી હતી.

ACB પાસેથી મળેલી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં આવેલા આયકર ભવનમાં સ્ટેનો તરીકે નોકરી કરતો વર્ગ-3નો કર્મચારીએ ફરિયાદીને ઇન્કમ ટેક્સ કચેરીના ચોથા માળે, રૂમ નંબર 402માં બોલાવ્યા હતા અને 2500 રૂપિયાની લાંચ લેતા પકડાઇ ગયો છે. કર્મચારીનું નામ તેજવીર ગેંદા સીગ છે.

બ્લૂ શર્ટમાં ACB અધિકારી

વાત એમ હતી કે એક કરદાતાએ કાયદેસરની જે TDSની રકમ ભરવાની હતી તેના કરતા 17,750 રૂપિયાની રકમ ભુલથી વધારે ભરી દીધી હતી. હવે જ્યારે કરદાતાને ખબર પડી તો તેમણે આવકવેરા વિભાગમાં વધારાના TDSની રકમ પાછી મેળવવા માટે 5 એપ્રિલ, 2023ના દિવસે ઓનલાઇન અરજી કરી હતી.

અડાજણ ખાતે આવેલા આયકર ભવનમાં સ્ટેનો તરીકે કામ કરતા તેજવીર ગેંદા સિંગે કરદાતાને કહ્યું હતું કે ઝડપી TDS રિફંડ જોઇતું હોય તો, 5,000 રૂપિયા આપવા પડશે. હવે કરદાતા લાંચની રકમ આપવા માંગતા નહોતા એટલે તેમણે ACBને ફરિયાદ કરી હતી. ACBએ  આરોપીને પકડવા છટકું ગોઠવ્યું હતું. સુરત ACBના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના સુપરવિઝનમાં છટકાની કામગીરી ગોઠવાઇ હતી. પોલીસ ઇન્સ્પેકટર આર. કે. સોલંકી ટ્રેપિંગ અધિકારી તરીકેની જવાબદારી સંભાળી હતી. સાથે સુરત ACB ગ્રામ્ય પોલીસ તથા સુરત ACBનો સ્ટાફ પણ જોડાયો હતો.

નક્કી થયા મુજબ ફરિયાદી 2500 રૂપિયા લઇને ગયા હતા અને ચોથા માળે રૂમ નં. 402માં તેજવીર ગેંદા સિંગને આપી દીધા હતા. આ લાંચના છટકામાં આરોપીએ લાંચ સંબંધિત વાત પણ કરી હતી. જેવી તેજવીરે લાંચની રકમ સ્વીકારી કે અધિકારીઓએ તેને રંગે હાથે પકડી લીધો હતો.

સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ લાંચ લેતા પકડાતા હોય તેવા અનેક કિસ્સા રોજબરોજ આવતા જ રહે છે, પરંતુ લાંચિયા લોકો સુધરતા નથી અથવા તેમને કોઇનો ડર નથી. સરકારી ઓફીસમાં કામ કરતો કોઇ પણ કર્મચારીનો એટલો તો પગાર હોય જ છે કે તે તેના પરિવારનું ગુજરાન કરી શકે, માત્ર 5,000 રૂપિયા મેળવવાના ચક્કરમાં આઇટીના કર્મચારીએ પોતાની કારકીર્દી દાવ પર  લગાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp