'હરામી નાલા' પર ભારત બનાવી રહ્યું છે 8 માળનું બંકર, ઊડી પાકિસ્તાનની ઊંઘ

PC: thehindu.com

ભારત પહેલી વાર ગુજરાતમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સર ક્રીક અને 'હરામી નાલા' વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના (BSF) જવાનો માટે 'કાયમી બંકર'નું નિર્માણ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ, સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 'આ વિસ્તારમાં પાકિસ્તાની માછીમારો અને માછીમારી કરનારી બોટની ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને ભુજ સેક્ટરની સાથે આ વિસ્તારમાં આઠ બહુમાળી બંકર કમ ઓબ્ઝર્વેશન પોસ્ટના નિર્માણ માટે 50 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

સત્તાવાર માહિતી મુજબ, બોર્ડર સિક્યોરિટી ફોર્સે 2022માં ગુજરાતના આ વિસ્તારમાંથી 22 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી અને માછલી પકડવામાં કામ આવતી 79 બોટની સાથે 250 કરોડ રૂપિયાના હેરોઈન અને 2.49 કરોડ રૂપિયાનું ચરસ જપ્ત કર્યું. રિપોર્ટ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે 4,050 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બોગી હેડ ક્રીક વિસ્તારમાં ત્રણ ટાવરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ (CPWD) 900 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 'હરામી નાલા' વિસ્તારમાં પાંચ આવા બાંધકામોનું નિર્માણ કરશે.

તેમણે કહ્યું કે, 42 ફુટ ઊંચા વર્ટિકલ બંકરોમાંથી દરેકના ટોચના માળે નજર રાખવા માટે સાધનો અને રડાર માટે જગ્યા હશે, જેથી કરીને વિસ્તાર પર નજર રાખી શકાય. અધિકારીઓએ જણાવ્યું કે, બાકીના બે માળમાં સામાન મૂકવાની ક્ષમતાની સાથે 15 સશસ્ત્ર BSF જવાનો માટે જગ્યા હશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બંકર ક્રીક વિસ્તારના પૂર્વ ભાગમાં ભારતીય ભૂપ્રદેશ પર બનાવવામાં આવી રહ્યા છે.

BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સર ક્રીક વિસ્તારમાં ત્રણ બંકરોના નિર્માણને માર્ચ સુધીમાં પૂર્ણ કરવા માટે કામ કરી રહેલા કામદારોને સુરક્ષાની એક ટીમ સુરક્ષા પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું કે, એપ્રિલથી દરિયો ખૂબ જ અશાંત થઈ જાય છે અને તેના કારણે કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

ગયા વર્ષે એપ્રિલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતમાં સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન બંકર બનાવવાનો નિર્ણય લીધો હતો. તત્કાલીન BSFના મહાનિર્દેશક (DG) પંકજ કુમાર સિંહ અને વરિષ્ઠ અધિકારીઓએ રજૂઆત કરી હતી કે, ક્રિક વિસ્તાર અને ભારત તેમજ પાકિસ્તાનની વચ્ચે ભેજવાળા જળાશયો દ્વારા ઘૂસણખોરીની શક્યતા રહે છે અને BSFનું સુરક્ષા તંત્ર ત્યાંથી ઘણું પાછળ સ્થિત છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, BSFએ જણાવ્યું કે તેની સામે નજર રાખવા માટે એક કાયમી આધારની જરૂર છે. ક્રીક વિસ્તાર મુશ્કેલ વિસ્તાર છે અને ત્યાંનું હવામાન પણ ખૂબ જ પ્રતિકૂળ છે. ત્યાં ઝેરી સાપ અને વીંછી હોય છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, BSF જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ખુલ્લા પગે ચાલવું પડે છે કારણ કે ભીના વિસ્તારોમાં બુટ પહેરીને નથી ચાલી શકાતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp