દારૂનો નાશ કરવાને બદલે આ કામ કરો: લલિત વસોયાની સરકારને સલાહ

PC: facebook.com/dev.savaliya.9

ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સલાહ આપી છે કે ગુજરાતમાં જે દારૂ પકડવામાં આવે છે તેનો નાશ કરવાને બદલે આ કામ કરો તો ઘણાને ફાયદો થશે. જો કે, વસોયાએ સરકારને જે સલાહ આપી છે તેનો રાજકીય રીતે વિચારવાને બદલે જો ખરેખર અમલ કરવામાં આવે તો મોટો ફાયદો થઇ શકે છે.

ગુજરાતમાં દારૂબંધીનો અમલ છે છતા હજારો લીટર અને કરોડો રૂપિયાનો દારૂ પકડાઇ છે. આ પકડાયેલા દારૂને પોલીસ બુલડોઝર ફેરવીને નાશ કરી દે છે. તાજેતરમા જ રાજકોટ પોલીસે વર્ષ 2022-23 દરમિયાન 4.94 કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો.

રાજકોટ જિલ્લાના ધોરાજીના પુર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિનંતી કરી છે કે, લગભગ 200 કરોડનો દારૂ પોલીસ નાશ કરી નાંખે છે તેના બદલે બીજા રાજ્યોમાં આ દારૂની હરાજી કરીને વેચી દેવો જોઇએ અને તેમાંથી જે રકમ ઉભી થાય તે પોલીસ વેલફેર ફંડ કે સેનાના જવાનોના હિતમાં જમા કરાવી દેવા જોઇએ.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. કાયદાના પાલન માટે ગુજરાતમાં દરેક પાર્ટીની સરકાર કાયદાનું કડક પાલન થાય તેવા પ્રયાસ કરે છે. આમ છતા કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરની બોટલ પોલીસ પકડે છે. ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલા આંકડા મુજબ વર્ષ 2020-21માં કુલ 215.62 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અને 16.20 કરોડ રૂપિયાનો બિયર જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ આ પકડાયેલા દારૂના જથ્થાને જપ્ત કરે છે અને તેનો બુલડોઝર ફેરવીને નાશ કરે છે. વસોયાએ પત્રમાં લખ્યું કે, આવા દારૂના જથ્થાને બીજા રાજ્યોમાં જાહેર હરાજીથી વેચાણ કરી જે રકમ મળે તે રકમ પોલીસ પરીવારના વેલ્ફેર ફંડમાં અથવા તો દેશની રક્ષા માટે શહીદ થતા જવાનોના પરીવારને મદદરૂપ થવા માટે વાપરવી જોઈએ. સરકાર જો આવો હિંમત ભર્યો નિર્ણય કરશે તો ગુજરાતની જનતા તેને વધાવશે.

લલિત વસોયા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા હતા અને તે પછી કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં લલિત વસોયા ચૂંટણી હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp