ઇસ્કોન બ્રીજ અકસ્માત: પોલીસની 1 વર્ષની દીકરીનો આજીવન ખર્ચ આ બિલ્ડર ઉપાડશે

PC: gstv.in

અકસ્માતમાં મોતને ભેટેલા સુરેન્દ્રનગરના એક પોલીસ કર્મચારીના પરિવારની મદદે એક બિલ્ડર આવ્યા છે અને તેમણે  પોલીસની દીકરી માટે મહત્ત્વની જાહેરાત કરી છે.

અમદાવાદમાં બુધવારે રાત્રે જેગુઆર કારમાં બેફામ ડ્રાઇવીંગ કરીને ઇસ્કોન બ્રીજ પર 9 જિંદગીઓને વેરણ છેરણ કરી નાંખનાર 19 વર્ષનો તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અત્યારે જેલની હવા ખાઇ રહ્યા છે, પરંતુ આ 9 જિંદગીઓમાં એવા લોકો પણ હતા જેમણે પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્યો છે અને તે પરિવારનો મુખ્ય આવકનો સ્ત્રોત હતો. પરંતુ એવું કહેવાય છે કે હજુ પણ દુનિયામાં સારા માણસો છે અને તેને કારણે મદદ મળતી રહે છે.

ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોમાંથી 3 લોકો સુરેન્દ્રનગરના હતા અને તેમાંથી એક અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પણ હતા. મુળ સુરેન્દ્રનગરના ચુડા ગામના વતની અને અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ નારસંગભાઇ પરમારનું અકસ્માતમાં મોત થયું હતું.

ધર્મેન્દ્રસિંહ તેમના પરિવારમાં એકના એક દીકરા હતા. તેઓ તેમના માતા પિતા, 1 વર્ષની દીકરી કાવ્યા અને પત્ની સાથે રહેતા હતા.ધર્મેન્દ્ર તેમના પરિવારમાં આવક મેળવતા એક માત્ર વ્યકિત હતા.અકસ્માતમાં તેમનું મોત થવાને કારણે 1 વર્ષની દીકરીએ તો પિતાની છત્રછાયા ગુમાવી, પણ પરિવાર માટે પણ આર્થિક મુશ્કેલીની ચિંતા ઉભી થઇ હતી.

ધર્મેન્દ્રસિંહ પરમારના પરિવારની સોશિયલ મીડિયમાં ચર્ચા ચાલતી હતી એવામાં ધંધૂકાના બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા પોલીસ પરિવારની  મદદે આવ્યા છે અને તેમણે જાહેરાત કરી છે કે તેઓ ધર્મેન્દ્રસિંહ પરમારની 1 વર્ષની દીકરી કન્યાનો આજીવન ખર્ચ ઉપાડી લેશે. ચાવડાએ કાવ્યાને દત્તક લેવાની જાહેરાત કરી છે અને તેનો ભણવાથી માંડીને આજીવન જે કઇ પણ ખર્ચ આવે તે પોતે આપશે તેવી જાહેરાત કરી છે.

કાવ્યા, તેની માતા અને દાદા-દાદી સાથે જ રહેશે, ઉપેન્દ્રસિંહ ચાવડા માત્ર દીકરીનો ખર્ચ ઉપાડશે. પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમારના પરિવાર માટે આ રાહતની વાત છે.

જાણવા મળેલી માહિતી મુજબ ધંધૂકાના બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચૌહાણ સામાજિક સેવા માટે જાણીતું નામ છે અને તેઓ આસ્થા ફાઉન્ડેશન નમની સંસ્થા ચલાવે છે. તેમને લોકો ભાલના દાનવીર સાવજ તરીકે ઓળખે છે. ઉપેન્દ્રસિંહ ચૌહાણ સમયાંતરે સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે છે અને સમૂહલગ્નનું પણ આયોજન કરતા રહે છે. તેઓ દર વર્ષે કોઇ જ્ઞાતીની 111 દીકરીઓના સમૂહલગ્ન કરાવે છે. આ વર્ષે 24 નવેમ્બર 2023માં તેમણે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp