ગુજરાતમાં 5 દિવસ સુધી કડકડતી ઠંડી રહેશે, અમદાવાદમાં તાપમાન આટલી ડિગ્રીએ જશે

PC: india.com

ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી હતી. આજે પણ વાસી ઉત્તરાયણના દિવસે ઠંડી રહેવાની ધારણા છે. હવામાન વિભાગઈ કરેલી આગાહી મુજબ 15 જાન્યુઆરીએ તાપમાનમાં હજુ વધુ ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં હાડકાં ધ્રુજાવી દેનારી ઠંડી પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. કચ્છમાં ઠંડીનું મોજુ ફરી વળવાની શક્યતા રહેલી છે.

5 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ઠંડા પવનને કારણે ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. બર્ફીલા પવનોને કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. ઠંડા પવનોને કારણે રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો નીચે ઉતરી ગયો છે, અને લોકો ઠંડીના કારણે ધ્રુજવા લાગ્યા છે.

ગુજરાતમાં હાડકાં ધ્રુજાવી દેતી ઠંડી પડી રહી છે. કચ્છ જિલ્લાનું નલિયા આજે પણ સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. નલિયામાં પારો ચાર ડિગ્રી નોંધાયો હતો. ગાંધીનગરમાં પારો 8 ડિગ્રી નોંધાયો હતો. ભુજ અને ડીસામાં પારો 9 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી કડકડતી ઠંડી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમાપ્ત થયા બાદ રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે. ભારે ઠંડો પવન અને અસહ્ય ઠંડીના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હતો. બજારોમાં પણ શાંતિ છવાઈ ગઈ હતી. દિવસ દરમિયાન લોકો સ્વેટરમાં લપેટી રહ્યા હતા.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 9 ડિગ્રીની આસપાસ રહેશે. રાજ્યમાં પાંચ દિવસ સુધી રાત્રિના તાપમાનમાં ઘટાડો થશે. સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો નીચે ઉતરશે. ભુજ અને કચ્છમાં ઠંડીનું મોજું વધી જવાની શક્યતા રહેલી છે.

જ્યારે સમગ્ર દેશની વાત કરીએ તો, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન મધ્યપ્રદેશના ઉત્તરીય ભાગમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp