સરકારી શાળાના વિદ્યાર્થી એક શબ્દ પણ વાંચી શકતા નથી, IAS ધવલ પટેલનો રિપોર્ટ

PC: india.postsen.com

ગુજરાતના IAS ઓફિસર ધવલ પટેલના રિપોર્ટ પર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. IAS ઓફિસર ધવલ પટેલે દાવો કર્યો છે કે, છોટા ઉદેપુર જિલ્લાની કેટલીક પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ એક પણ શબ્દ વાંચી શકતા નથી અથવા ગણિતની સરળ સમસ્યાઓ હલ કરી શકતા નથી.

અધિકારીએ આ પ્રકારનો દાવો કર્યા પછી રાજ્યના શિક્ષણ વિભાગે તેના અધિકારીઓ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે. ગાંધીનગરમાં ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામના કમિશનર તરીકે ફરજ બજાવતા IAS અધિકારી ધવલ પટેલે આદિવાસી બહુલ છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ અંગે આશ્ચર્ય અને વ્યથા વ્યક્ત કરી હતી. 16 જૂનના રોજ શિક્ષણ વિભાગને મોકલવામાં આવેલા પત્રમાં પટેલે આદિવાસી બાળકોને આપવામાં આવતા શિક્ષણની ખામીઓ ગણાવી, ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે, આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે તો આદિવાસીઓની આગામી પેઢી મજૂર તરીકે જ કામ કરતી રહેશે અને જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકશે નહીં.

રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે 26 જૂને જણાવ્યું હતું કે, તેમણે ધવલ પટેલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે સત્તાવાળાઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ડીંડોર કેબિનેટ મંત્રી તરીકે આદિજાતિ વિકાસ વિભાગનો હવાલો પણ સંભાળી રહ્યા છે. ડીંડોરે ગોધરામાં જણાવ્યું હતું કે, મેં મારા વિભાગના અધિકારીઓને વિગતવાર અહેવાલ આપવા જણાવ્યું છે, જેથી અમે જરૂરી ફેરફારો કરી શકીએ. દૂરના આદિવાસી વિસ્તારોમાં કેટલીક સમસ્યાઓ છે. હું પણ એ જ વિસ્તારનો છું. વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ જાગૃતિનો અભાવ છે. અમે તેઓમાં જાગરૂકતા લાવવાનો પ્રયાસ કરીશું અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં ખામીઓને સુધારીશું.

પટેલ એ IAS અધિકારીઓમાંના એક છે જેમને રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં સમગ્ર શિક્ષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા 'શાલા પ્રવેશોત્સવ' અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા હતા. પટેલની ટિપ્પણીઓ વિશે પૂછતાં, ગુજરાતના શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, IAS અધિકારીઓ સિવાયના વરિષ્ઠ અધિકારીઓને ફિલ્ડમાં મોકલવાનો હેતુ છીંડા શોધવાનો હતો જેથી તેઓને સુધારી શકાય. 16 જૂને શિક્ષણ સચિવ વિનોદ રાવને મોકલેલા પત્રમાં ધવલ પટેલે જણાવ્યું હતું કે, તેમણે 'શાળા પ્રવેશોત્સવ' અભિયાનના ભાગરૂપે 13 અને 14 માર્ચે આદિવાસી બહુલ છોટા ઉદેપુર જિલ્લામાં છ અલગ અલગ સરકારી પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી હતી.

ધવલ પટેલે જણાવ્યું હતું કે છમાંથી પાંચ શાળાઓમાં શિક્ષણનું ખૂબ જ નીચું ધોરણ જોઈને તેમણે તેમાં પોતાને દોષિત હોય એવું લાગ્યું. ટીમલા પ્રાથમિક શાળાની તેમની મુલાકાતને યાદ કરતાં પટેલે પત્રમાં જણાવ્યું હતું કે ધોરણ-8ના વિદ્યાર્થીઓ એક શબ્દના દરેક અક્ષરને અલગથી વાંચતા હતા, કારણ કે તેઓ આખો શબ્દ વાંચી શકતા ન હતા. તેને સાદી ગાણિતિક ગણતરી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. IAS ધવલ પટેલનો રિપોર્ટ લીક થયા બાદ વિપક્ષ આ મુદ્દે પ્રહારો કરી રહ્યો છે. જેથી સરકારના શિક્ષણ મંત્રીએ હવે વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp