- Gujarat
- ભાજપ નેતાઓના રાજીનામા પર AAP નેતા મનોજ સોરઠિયાએ જાણો શું કહ્યું?
ભાજપ નેતાઓના રાજીનામા પર AAP નેતા મનોજ સોરઠિયાએ જાણો શું કહ્યું?
ગુજરાતના રાજકારણમાં અત્યારે જબરદસ્ત ગરમાટો છે, ભાજપના નેતાઓના એક પછી એક રાજીનામાને કારણે ભડકો થયેલો છે તેમાં વિરોધ પક્ષોને પણ બોલવાનો મોકો મળી ગયો છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કારમી હાર પછી શાંત થઇ ગયેલા આમ આદમી પાર્ટીના નેતાએ ભાજપ પર નિશાન સાધવાની તક શોધી લીધી છે. આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. સોરઠિયાએ કહ્યું કે ભાજપ સરકાર તમામ ભ્રષ્ટાચારો પર ઢાંક પિછોડો કેમ કરી રહી છે?
ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યું એ પછી વડોદરના પૂર્વ મેયર અને શહેર મહામંત્રી સુનિલ સોલંકીએ પણ રાજીનામું આપ્યું હોવાનું બહાર આવતા ભાજપમાં મોટો આંતરિક બખેડો હોવાનું બહાર આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ ભાજપ પર આરોપ મુકતા કહ્યું કે, ભાજપમાં બુથ કાર્યકરોથી માંડને મોટા નેતાઓ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા હોવાનું અત્યારે લાગી રહ્યું છે. ભાજપના ઘરમાંથી નિકળી રહેલા ધુમાડો એ વાતની સાબિતી છે કે કઇંક રંધાઇ રહ્યું છે.

સોરઠિયાએ કહ્યુ કે, મને એક વાત નથી સમજાતી કે ભાજપ સરકાર ભ્રષ્ટાચારોને કેમ ઢાંકી રહી છે. દોષિતોને સજા કરીને સરકારે કટકીના પૈસા વસુલવા જોઇએ. એક તરફ ભાજપ વિપક્ષ નેતાઓને ખોટા કેસોમાં ફસાવી રહી છે અને પોતાના નેતાઓ સામે કોઇ પગલાં લેતી નથી. ભાજપનું આ બેવડું ધોરણ ગંભીર બાબત છે. ભાજપના આ ડબલ સ્ટાન્ડર્ડને લોકો ઓળખી ગયા છે.
આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના તાજેતરના જે ભ્રષ્ટાચારના કેસો સામે આવ્યા છે, તેમાં પૂર્વ કલેકટર લાંગાનો જમીન કાંડ. ડો. ચુગ આત્મહત્યા કાંડ, જે પત્રિકાઓ ફરતી થઇ છે તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પર પણ આરોપ લાગ્યા છે.

સોરઠીયાએ ભાજપને સવાલ કરતા કહ્યુ હતું કે, આ બધા જે આરોપો લાગી રહ્યા છે તે બધા કેસોની તપાસ કોણ કરશે? ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે ભાજપ સરકાર જે લોકો કાંડ બહાર લાવી રહ્યા છે તેમને જ સાણાસામાં લઇ રહ્યા છે. સોરઠિયાએ કહ્યુ કે, આમ આદમી પાર્ટીની માંગ છે કે, આ તમામ કેસોમાં નિષ્પક્ષ તપાસ થવી જોઇએ અને ભાજપ ભ્રષ્ટ નેતાઓને બચાવવાનું બંધ કરે.

