ગુજરાતમાં બાગેશ્વર બાબાનો વિરોધ કરનારી જાથાને વાંધો શું છે, તે શું કરે છે?
મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતની મુલાકાત હજુ ચાલી રહી છે અને સુરત, અમદાવાદ પછી હવે રાજકોટ અને વડોદરામાં તેમનો દિવ્ય દરબાર થવાનો છે. ગુજરાતમાં બાગેશ્વર બાબાનું સ્વાગત પણ થયું અને વિરોધ પણ થયો.બાગેશ્વર ધામના બાબાને‘ભારત જન વિજ્ઞાન જાથા’ની સંસ્થાએ વેધક સવાલો પુછ્યા હતા ત્યારથી લોકોને એ જાણવામાં રસ છે કે આ સંસ્થા શું કરે છે અને કોણ ચલાવે છે? ભારત જન વિજ્ઞાન જાથા’ સંસ્થાના રાજકોટના વડા જયંત પંડયા અને તેમની ટીમ દ્રારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પુછવામાં આવેલા સવાલો ચર્ચાના વિષય બન્યા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાતનો વિરોધ કરીને ભારત જન વિજ્ઞાન જાથાએ કહ્યું હતું કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મના ઓઠા હેઠળના દિવ્ય દરબારો અંધશ્રદ્ધા પ્રેરક, માનવીને અધોગતિના માર્ગે લઈ જનારો અને કાયદાનું હનન કરનારું છે. ત્યારે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા લોકોને આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવે છે. પહેલી જૂનના રોજ રાજકોટમાં અવૈજ્ઞાનિક દિવ્ય દરબાર સામે ધારણા કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે.
લોકોમાં અંધ વિશ્વાસ દુર કરવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુ સાથે આ સંસ્થા શરૂ થયેલી સંસ્થા શરૂઆતમાં સરકારી ફંડ મારફતે પોતાની પ્રવૃતિઓ આગળ વધારતી હતી, પરંતુ એ પછી લોક આંદોલનું સ્વરૂપ ધારણ કરીને જાણીતી બની ગઇ.
પ્રોફેસર યશ પાલ
પ્રોફેસર યશ પાલ, પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લેકર,ડો. નરેન્દ્ર સહગલ જેવા ભારતીય વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિક અભિગમ સમજતા હતા અને એટલે તેમણે અલગ અલગ અભિયાન શરૂ કર્યા હતા.ડો. નરેન્દ્ર સહગલે 1987માં જન વિજ્ઞાન જાથા અને 1992માં'ભારત જન જ્ઞાનવિજ્ઞાન જાથા'ની શરૂઆત કરી હતી. આના માટે ડો. સહગલે જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં લગભગ 50,000 જેટલાં સ્થળોની મુલાકાત લીધી હતી અને શેરી નાટક, લોકમેળા,ગીત, સ્ટેજ દ્રારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરતા હતા.
એડવોકેટ જયંત પંડ્યા (વચ્ચે)
ભારત જન વિજ્ઞાન જાથાના વડા જયંત પંડ્યાએ રાજકોટની શરૂઆત અંગે કહ્યું હતું કે, 20 જૂન 1992ના દિવસે કલેકટરના વડપણ હેઠળ જિલ્લાના અગ્રણીઓ, બુદ્ધિજીવીઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓઅને શિક્ષણવિદોની હાજરીમાં બેઠક મળી હતી અને જિલ્લા કક્ષાના માળખાની જાહેરાત કરવામાં આવી હતી.
આ સંસ્થાના ચેરમેન તરીકે કવિ અને સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્ર મહેતાની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. રાજકોટ શાખાએ અંધશ્રદ્ધા દુર કરવા પર કામ શરૂ કર્યું હતું.
જયંત પંડ્યાએ આગળ કહ્યુ કે જયારે ભુવનેશ્વરમાં સંસ્થાની બેઠક મળી હતી ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી નરસિંહરાવ સરકારે ફંડ પુરુ પાડ્યું હતું, પરંતુ એ પછી ડો. મુરલી મનોહર જોશી માનવ સંસાધન વિકાસ મંત્રી બન્યા અને સંસ્થાને મળતું ફંડ બંધ થઇ ગયું હતું. તે વખતે સરકારે કહેલું કે જનભાગીદારીથી સંસ્થા ચલાવો. સરકારના આ નિર્ણયને કારણે આ પ્રકારના સંગઠનો પડી ભાંગ્યા, પરંતુ રાજકોટનું સંગઠન સ્વંય સેવકો અને લોકફાળાને કારણે ટકી ગયું. 500 જેટલા સ્વંય સેવકો જોડાયેલા હોવાનું કહેવામાં આવે છે.
વિજ્ઞાન ગાથા સંસ્થા ‘ચમત્કારથી ચેતો’ કાર્યક્રમ હેઠળ લોકોને નારિયેળમાંથિ ચૂંદડી કે સોનુ નિકળવું, ચિઠ્ઠી વાંચવી, હાથમાંથી કંકુ ખરવું, આપોઆપ અગ્નિનું પ્રગટ થવું, આગ પર ચાલવું જેવા ચમત્કારોથી ભ્રમિત નહીં થવા લોકોને સમજાવે છે. લોકોને વૈજ્ઞાનિક અભિગમ સમજાવીને કહેવામાં આવે છે કે આ બધું કઇ ચમત્કાર હોતું નથી.આવા ચમત્કારો લોકોને મેદનીમાંથી બોલાવીને તેમને બતાવવામાં આવે છે અને તેની પાછળના સિધ્ધાંતો સમજાવવામાં આવે છે.
વિજ્ઞાન જાથો લોકોને ઘણી બધી બાબતો સમજાવે છે. સંસ્થાનું કહેવું છે કે બિમારીના કિસ્સામાં નિષ્ણાત તબીબોની જ સલાહ લેજો. કહેવાતા બાબા કે ફકીરો પાસે દોડી જતા નહી.
ભારત જન વિજ્ઞાન જાથાએ ઇશ્વર, દેવ, દેવી કે અલ્લાહની વિરોધી સંસ્થા નથી, પરંતુ જે લોકો ધર્મના કપડા પહેરીને લોકોને ગેરમાર્ગે દોરે છે તેમની સામે સંસ્થા વાંધો ઉઠાવે છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp