ગીર રેન્જના અમરેલીમાં કૂવામાં પડી જતા સિંહ-સિંહણનું મોત, વન વિભાગે તપાસ ચાલુ કરી

PC: tv9hindi.com

ગુજરાતના ગીર વિસ્તારને અડીને આવેલા અમરેલીમાં એક સિંહ અને એક સિંહણનું કૂવામાં પડી જતાં મોત થયું હતું. સિંહ અને સિંહણની ઉંમર 5 થી 9 વર્ષની વચ્ચે હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અમરેલી જિલ્લાના ગીર ફોરેસ્ટ ડિવિઝનમાં ખુલ્લા કૂવામાં પડી જતાં એક સિંહ અને એક સિંહણનું મોત થયું હતું. વન અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. ગીર પૂર્વ ઝોનના નાયબ વન સંરક્ષક (DCF) રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સિંહ અને સિંહણ પાંચથી નવ વર્ષની ઉંમરના હશે અને તે વિસ્તારમાં ફરતા હતા, ત્યારે શુક્રવારે સવારે ખાંભા તાલુકાના કોટડા ગામમાં એક ખેડૂતના ખુલ્લા કૂવા પાસે આવ્યા હતા અને તેમાં પડી ગયા હતા. ખેડૂતે આ કૂવો ખેતરમાં પાણીની જરૂરિયાત હોવાથી  સિંચાઈ માટે આ કૂવો બનાવ્યો છે.

ખાંભા તાલુકાના કોટડા ગામે શુક્રવારે સવારે એક સિંહ અને એક સિંહણ ખુલ્લા કુવામાં પડી ગયા હતા. આ અંગે ખેડૂતે વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ખેડૂતને ઘટનાની જાણ થતાં તરત જ તેણે અમને જાણ કરી હતી. જો કે વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં તો સિંહ અને સિંહણનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા સિંહ સિંહણના મૃતદેહોને કૂવામાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, 2007-08થી, ગીર પૂર્વ વિભાગમાં ઓછામાં ઓછા 11,748 કૂવાઓને પાળા બાંધીને સુરક્ષિત કરવામાં આવ્યા છે, જેથી કરીને પશુઓને તેમાં પડતા અટકાવી શકાય, જો કે આ વિસ્તારમાં હજુ પણ કેટલાક કુવાઓ એવા છે જેના પાળા બનાવવામાં આવ્યા નથી અને તેના કારણે તેમાં પશુઓ પડી જવાની શક્યતા વધી ગઈ છે. તેમણે કહ્યું કે, અમરેલીમાં 8,962 અને ગીર સોમનાથમાં 2,782 કૂવાઓને પાળા બાંધીને સુરક્ષિત કરી લેવામાં આવ્યા છે. જે કુવાઓને પાળા બાંધ્યા નથી તે કુવાઓને વહેલી તકે સુરક્ષિત કરવામાં આવશે. આ અંગે ખેડૂતોને સૂચના પણ આપવામાં આવશે. સિંહ અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભામાં આપેલા જવાબમાં તત્કાલિન વન મંત્રી કિરીટ સિંહ રાણાએ ગયા વર્ષે માર્ચમાં કહ્યું હતું કે, ડિસેમ્બર 2021 સુધીના બે વર્ષમાં કુલ 283 સિંહોના મોત થયા છે. તેમાંથી 21 મૃત્યુ અકુદરતી હતા, જેમાં કુવામાં પડી જવા અને ટ્રેન અને વાહનોની અડફેટે આવવાનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp