જો ગુજરાતમાં કોંગ્રેસ અને AAP એકસાથે લડશે તો ભાજપ ઘણી સીટો ગુમાવશે: સંજય સિંહ

PC: indiatvnews.com

વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A એલાયન્સની રચના વચ્ચે ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે અનેક મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા. સંજય સિંહે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસ અને AAP એકસાથે લડશે તો ભાજપ ઘણી સીટો ગુમાવશે.

ગુજરાતમાં સમીક્ષા બેઠક માટે આવેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે બેઠક પત્યા પછી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને વિપક્ષી ગઠબંધન INDIA સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે તો ભાજપ પોતાના જ ગઢમાં અનેક સીટ ગુમાવશે.

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે ગુજરાતમાં કાર્ચકર્તા સંમેલનમાં કહ્યુ હતું કે ગઠબંધનના નેતાઓ જરૂરી નિર્ણય લેશે, પરંતુ AAP કાર્યકરોને ભાજપ સામે ચૂંટણી જીતવા માટે સખત મહેનત કરવી પડશે.

સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્ર ગૌતમ અદામીને 2.5 લાખ કરોડ રૂપિયા આપવાની ઓફર કરી, પરંતુ ગુજરાતમાં યુવાનોને 50,000થી 1 લાખ રૂપિયા મહિને પગારવાળી નોકરી શોધવા માટે ફાંફા મારવા પડે છે. સંજય સિંહે અમદાવાદમાં નરોડા ખાતા આમ આદમી પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યા પછી તેમની પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી.

સંજય સિંહે કહ્યું કે PM મોદીએ તેમના ઉદ્યોગપતિ મિત્રોની 13 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. સિંહે કહ્યુ કે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જ્યારે વિધાનસભામાં જવાબ માંગ્યો તો સરકારે કહ્યું હતું કે 10,000 સરકારી શાળાઓ બંધ થઇ ગઇ છે, 526 શાળાઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને શિક્ષકોની અછત છે.ગુજરાતમાં શિક્ષણની આવી સ્થિતિ છે.

સિંહે દાવો કર્યો હતો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની જયારે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે દિલ્હી સરકારે બનાવેલી શાળાની મુલાકાત લીધી હતા. સિંહે કહ્યું કે દેશની મોટાભાગની જમા રકમ હિંદુઓની છે. PM મોદી પોતાના ઉદ્યોગપતિ મિત્રો અને નિરવ મોદી મેહુલ ચોકસી જેવા લોકોને લાખો કરોડ રૂપિયાની લોન આપી દે છે, જે લોકો દેશ છોડીને ભાગી ગયા છે. સંજય સિંહે લોકોને અપીલ કરી હતી કે શાળા, રોજગાર અને આરોગ્યની દેખભાળ જેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપજો.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પહેલાવીર ઝંપલાવ્યું હતું અને 5 જેટલી સીટો જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp