ગુજરાતઃ MBBSની સ્ટુડન્ટે ફી ભરવા માટે માગી મદદ, 200 અધિકારીએ આપ્યો દિવસનો પગાર

PC: indianexpress.com

ગુજરાતના ભરૂચમાં DM અને જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓએ માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત જિલ્લા વહીવટીતંત્રના 200થી વધુ કર્મચારીઓએ MBBSની વિદ્યાર્થિની અલિયાબાનુ પટેલને તેની બીજા સેમેસ્ટરની રૂ. 4 લાખની ફી ચૂકવવામાં મદદ કરવા માટે એક દિવસનો પગાર દાનમાં આપ્યો છે. 

આલિયાબાનુએ ગત વર્ષે ધોરણ 12માં 79.80 ટકા મેળવ્યા બાદ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. અલીબાનુના પિતા અંધ છે, જેના કારણે તે અભ્યાસ ચાલુ રાખવા માટે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે, તેણે તાજેતરમાં PM નરેન્દ્ર મોદી, CM ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખીને મદદ માંગી હતી, કારણકે, ગયા વર્ષના એક કાર્યક્રમમાં વિદ્યાર્થીનીને અને તેના પિતાને PM નરેન્દ્ર મોદી તરફથી મદદની ખાતરી આપવામાં આવી હતી.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, PM નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 12 મેના રોજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટેના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના એક દૃષ્ટિહીન પિતા અયુબ પટેલ સાથે વાતચીત કરી હતી. તેઓ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાના લાભાર્થીઓમાંના એક હતા. ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'ઉત્કર્ષ પહેલ' કાર્યક્રમમાં અયુબ પટેલ તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે હાજર રહ્યા હતા. તે સમયે અય્યુબે PM નરેન્દ્ર મોદીને ગ્લુકોમાને કારણે આંખો ગુમાવવાની વાત કહી હતી. 

જ્યારે PM નરેન્દ્ર મોદી તેમના પરિવાર અને બાળકો વિશે વાત કરી રહ્યા હતા, સંયોગથી તે જ દિવસે તેમના ધોરણ 12નું પરિણામ જાહેર થયું હતું, પટેલે PM નરેન્દ્ર મોદી સાથે તેમની મોટી દીકરી આલિયાબાનુ વિશે વાત કરી. PM નરેન્દ્ર મોદીએ આલિયા બાનુ સાથે પણ વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા. આ દરમિયાન જ્યારે તેના કરિયર વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થિનીએ PM નરેન્દ્ર મોદીને કહ્યું કે, તેના પિતાની આંખોની રોશની ગુમાવવાથી તેનું ડૉક્ટર બનવાનું સપનું છે. આના પર PM નરેન્દ્ર મોદીએ અયુબ પટેલને કહ્યું હતું કે, જો તેમની પુત્રીને અભ્યાસ ચાલુ રાખવામાં કોઈ સમસ્યા આવે તો તેઓ તેમનો સંપર્ક કરી શકે છે. 

આલિયાબાનુ પટેલે કહ્યું, 'મારે નેત્ર ચિકિત્સક બનવું છે. મારા પિતા નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, અને અમને યાદ છે કે, PM નરેન્દ્ર મોદીએ અમને કહ્યું હતું કે, તેઓ અમને મદદ કરવા તૈયાર છે, તેથી, અમે તેમને અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને નાણાકીય મદદ માંગી. હું PM નરેન્દ્ર મોદી અને જિલ્લા કલેક્ટરનો તેમના સમર્થન માટે ખૂબ આભારી છું.' 

આલિયાબાનુના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, 'મેં મિત્રો, સંબંધીઓ અને અન્ય લોકો પાસેથી પૈસા ઉછીના લઈને આલિયાના અભ્યાસ માટે પ્રથમ સેમેસ્ટરની ફી અને અન્ય ખર્ચ માટે રૂ. 7.70 લાખ ચૂકવ્યા છે. મેં ખાનગી બેંકમાંથી 5 લાખ રૂપિયાની લોન પણ લીધી હતી. મને વર્લ્ડ ભરૂચ વ્હોરા ફેડરેશન તરફથી 1 લાખ રૂપિયા પણ મળ્યા.' 

તેમણે વધુમાં કહ્યું કે, 'પ્રથમ સેમેસ્ટર મેમાં સમાપ્ત થાય છે અને અમારે બીજા સેમેસ્ટરની ફી જૂન પહેલા જમા કરાવવી પડશે. મેં PM નરેન્દ્ર મોદી, CM ભુપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને મારી પુત્રીની ફી ભરવા માટે આર્થિક મદદની વિનંતી કરી છે. મેં જાન્યુઆરીમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શિષ્યવૃત્તિ યોજનાના લાભ માટે અરજી કરી હતી અને હજુ પણ તેની રાહ જોઈ રહ્યો છું.' અય્યુબ ભરૂચમાં એક દુકાન ધરાવે છે, જે તે દર મહિને 10,000 રૂપિયામાં ભાડેથી આપેલી છે. 

પત્ર મળ્યા પછી, DM સુમેરાએ તેમના સાથીદારોને મદદ કરવા માટે અપીલ કરી, તેમણે ઉમેર્યું, 'ભરૂચ મહેસૂલ વિભાગના 200થી વધુ અધિકારીઓએ આ ઉમદા હેતુ માટે તેમનો એક દિવસનો પગાર દાનમાં આપ્યો. આ રકમ એક બેંકમાં જમા કરાવવામાં આવી હતી.' મદદની રકમનો ચેક શનિવારે આલિયા બાનુને સોંપવામાં આવ્યો હતો. સુમેરાએ જણાવ્યું હતું કે, 'અમે આવી વ્યવસ્થા કરવાનું પણ વિચારી રહ્યા છીએ જેથી અયુબ ભાઈ આવનારા વર્ષોમાં તેમની પુત્રીની ફી જમા કરાવી શકે.' 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp