શંકરસિંહ બાપુ અને PM મોદી વચ્ચે એરપોર્ટ પર લાંબી બેઠક, વાઘેલા ભાજપમાં પાછા આવશે?
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા અને રાજકારણમાં બાપુ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એરપોર્ટ પર મુલાકાત કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજકારણના ધૂંરધર બંને નેતાઓની મુલાકાતે અટકળોને વેગ આપ્યો છે કે વાઘેલા ફરી ઘર વાપસી કરી શકે છે. મતલબ કે શંકરસિંહ વાઘેલા ફરી ભાજપમાં આવી શકે છે. જો કે બંને બાહુબલી નેતાઓ વચ્ચે શું ચર્ચા થઇ છે તે વિશે જાણવા મળ્યું નથી. શંકરસિંહે PM મોદીને ગિફટ પણ આપી હતી.
બુધવારે ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઇ રહી હતી અને બંને નેતાઓએ લગભગ 50 મિનિટ સુધી ચર્ચા કરી હતી. શંકરસિંહ વાઘેલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા સ્વ. હીરાબાની સાથેનો ગોલ્ડ ફ્રેમ ફોટો ભેટમાં આપ્યો હતો. એરપોર્ટ પર બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઇ છે તે બહાર નથી આવી હતી, પરંતુ રાજકારણમાં એવી અટકળો શરૂ થઇ છે કે શંકરસિંહ વાઘેલા ભાજપમાં ઘર વાપસી કરે તો આશ્ચર્ય નહીં લાગશે.
1995માં ભાજપ ગુજરાતમાં 121 સીટો પર જીતી ગયું અને મોદીએ વાઘેલાને હઠાવીને કેશુભાઈને મુખ્યમંત્રી બનાવી દીધા. કેશુભાઈની સરકારના 47 ધારાસભ્યોને લઈને શંકરસિંહ વાઘેલા મધ્ય પ્રદેશના ખજૂરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે શંકરસિંહ વાઘેલા તેમના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા સાથે એરપોર્ટ પર પહોંચ્યા હતા. રાજકારણના જાણકારોનું કહેવું છે કે શંકરસિંહ વાઘેલાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક સૂચક છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા શંકરસિંહ બાપુ ભાજપમાં પાછા આવી શકે છે અને આવું કરવું વાઘેલા માટે કોઇ નવી વાત નથી. એમણે અનેક વખતે પક્ષપલટાં કર્યા છે.
શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા 2017માં ભાજપ સાથે જોડાયા હતા તે પછી 2022માં કોંગ્રેસમાં જોડાયા હતા અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી હારી ગયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, જૂના મિત્રની સાથે મુલાકાત થઇ અને ઘણી જૂની યાદો તાજી થઇ. વાઘેલાએ કહ્યું કે મારા પૌત્રના વિવાહ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું અને સાથે તેમની માતા હીરાબાનો સોનાની ફ્રેમ વાળો ફોટો ભેટમાં આપ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં સામેલ થવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ રાજી થયું નહોતું. શંકરસિંહ બાપુ હજુ રાજકારણમાંથી નિવૃત થયા નથી એટલે જાણકારો માની રહ્યા છે કે બાપુ ભાજપમાં પાછા આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp