ઊંઝા શહેરમાં પતંગ લૂંટવા જતા કિશોર કુવામાં ખાબક્યો

PC: abplive.com

મહેસાણા ખાતે એક પરિવાર માટે ઉત્તરાયણનો પર્વ જાણે માતમમાં ફેરવાયો હોય તેવો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક ચેતવણીરૂપ ઘટના મહેસાણાના ઊંઝા શહેરમાં બનવા પામી છે. અહીં એક કિશોર પતંગ લૂંટતી વખતે કુવામાં ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણના પર્વમાં પતંગ લૂંટવાની લ્હાયમાં બાળકો દોડ મૂકતાં હોય છે, અને આ કારણોસર ઘણી વખત મોટી દુર્ઘટના પણ સર્જાતી હોય છે. ત્યારે આવા સમયે વાલીઓએ પણ સાવચેત રહેવાની અને પોતાના બાળકોનું ધ્યાન રાખવાની જરૂર છે.

મહેસાણાના ઊંઝા શહેરમાં આવેલ રીંગ રોડ સ્થિત રામનગર રેસિડેન્સી નજીક આ ઘટના બનવા પામી છે. જ્યાં કિશોર પતંગ લૂંટતા સમયે કુવામાં ખાબક્યો હતો. જો કે, કિશોર પતંગ લૂંટવા ગયો હતો તે સમયે તેને ઘાસ વચ્ચે કુવો નહીં દેખાતા તે સીધો કુવામાં પડી ગયો હતો. જો કે, આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કુવામાં પડેલા કિશોરને શોધવાની કવાયત હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણી વખત પતંગ લૂંટવાની લ્હાયમાં મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે.

આ સાથે જ, સુરતમાં પણ પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાયણનો તહેવાર આવતા અનેક દુર્ઘટનાઓ બનવા પામે છે જેમાં વધુ એક ઘટના સુરત શહેરમાં બનવા પામી હતી. જે ઘટનામાં, એક ધાબા પરથી બીજા ધાબા પર જતાં 5મા માળેથી બાળક નીચે પટકાયો હતો અને બાળકનું મોત નિપજ્યું હતું. જો કે, આ ઘટના બનતા બાળકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઉત્તરાયણ પર્વ આવતા પહેલા રાજ્યના અલગ-અલગ શહેરોમાં ચાઈનીઝ દોરીને કારણે ઘણા લોકોએ અકસ્માતનો ભોગ બનવું પડ્યું હોવાના સમાચાર સામે આવ્યા હતા સાથે જ ઘણાએ જીવ ગુમાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આ દોરીને કારણે અમીરગઢમાં પણ એક વ્યક્તિ ઘવાયો હોવાની ઘટના સામે આવી છે. પતંગની દોરી વાગતા અમીરગઢના ધનપુરાની સીમમાં આધેડનું ગળું કપાયું છે. ધનપુરાની સીમમાંથી અમરાભાઇ નામનો વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો તે સમયે તેમને પતંગની દોરી વાગી હતી. પતંગની દોરીને કારણે આધેડ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં 108ની મદદથી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp