મોરબી નગરપાલિકાએ SIT દ્વારા જપ્ત દસ્તાવેજો પરત કરવાની કરી માંગ, જાણો કારણ

PC: firstindianews.com

SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો તેમને પરત કરવા મોરબી નગરપાલિકાએ સરકારને અપીલ કરી છે. નગરપાલિકાએ કહ્યું છે કે, તેમને સરકારની કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોની જરૂર છે. જણાવી દઈએ કે, મોરબી નગરપાલિકાને કારણ બતાવો નોટિસ બહાર પાડતી વખતે ગુજરાત સરકારે પૂછ્યું છે કે, દુર્ઘટનાને કારણે તેની ફરજ પૂરી ન કરવા બદલ મોરબી નગરપાલિકાનું વિસર્જન કેમ ન કરવું જોઈએ? પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ દસ્તાવેજો સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા SIT પાસે છે અને મોરબી પાલિકા પાસે એક પણ દસ્તાવેજ નથી.

ગુજરાત સરકારે ગયા અઠવાડિયે મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવી છે અને 25 જાન્યુઆરી સુધીમાં લેખિત જવાબ માંગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. આ બ્રિજ બ્રિટિશ કાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને પાલિકા સાથેના કરાર હેઠળ ઓરેવા ગ્રુપ તેની જાળવણી અને સંચાલન કરી રહ્યું હતું. મોરબી નગરપાલિકાના 52 સભ્યોએ સોમવારે એક બેઠક યોજી હતી અને સરકારને SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો તેમને પરત કરવા માંગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો, જેથી તેઓ સરકારની કારણદર્શક નોટિસનો જવાબ આપી શકે.

સરકાર દ્વારા મોકલવામાં આવેલી કારણ બતાવો નોટિસમાં શહેરી વિકાસ વિભાગે કહ્યું છે કે, બ્રિજનું સંચાલન કરવા માટેનો કોન્ટ્રાક્ટ 2017માં જ સમાપ્ત થઈ ગયો હતો. આ પછી 2018-2020 વચ્ચે ઓરેવા ગ્રુપ દ્વારા બ્રિજની ખરાબ હાલત અંગે મોરબી નગરપાલિકાને અનેક પત્રો લખ્યા હતા અને પુલ પર કોઈ મોટી દુર્ઘટના થઈ શકે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી. તેમ છતાં પાલિકાએ કોઈ પગલું ભર્યું ન હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે મોરબી બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે. PILમાં સરકારે મોરબી નગરપાલિકાને વિખેરી નાંખવાની વાત કરી છે. આ કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના 4 કર્મચારીઓની ધરપકડ કરી છે. તેમાંથી બે કંપની મેનેજર છે અને બે ટિકિટ ક્લાર્ક છે. ગુજરાત કોર્ટે ગયા અઠવાડિયે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સામે પણ વોરંટ બહાર પાડ્યું છે. FIRમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ પણ નોંધાયેલું છે. જયસુખ પટેલે મોરબીની સેશન્સ કોર્ટમાં 20 જાન્યુઆરીએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp