વડોદરાઃમારા પતિને નપુંસકતા છે, સારવાર નથી કરાવતા, એરફોર્સ ઓફિસરની પત્નીની ફરિયાદ
ગુજરાતના વડોદરા શહેરમાં એરફોર્સના અધિકારી પર તેની પત્નીએ મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. પત્નીનો આરોપ છે કે પતિ પોતાની નપુંસકતા છુપાવવા માટે આવું કરી રહ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે એરફોર્સ અધિકારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
ગુજરાતના વડોદરામાં પતિ-પત્નીના સંબંધોને લઈને એક હાઈપ્રોફાઈલ કિસ્સો સામે આવ્યો છે. એરફોર્સ અધિકારીની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે, તેનો પતિ નપુંસક છે. લગ્ન પહેલા અને લગ્ન પછી પણ પતિએ તેની સાથે જુઠ્ઠુ બોલીને તેની નપુંસકતા છુપાવી હતી. પત્નીનો આરોપ છે કે આટલું જ નહીં, પતિએ પોતાની નપુંસકતા છુપાવવા માટે તેને ઘરમાંથી ભગાડી મુકવા માટે મારપીટનો સહારો લીધો હતો.
વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કવિતા મહેતા (નામ બદલેલ છે)એ જણાવ્યું હતું કે, મારા પતિ વડોદરા એરફોર્સ બેઝ પર સ્ક્વોડ્રન લીડર છે અને તેઓ નપુંસકતાથી પીડાઈ રહ્યા છે, જે વાત તેમણે લગ્ન પહેલા છુપાવી હતી અને લગ્ન પછી પણ છુપાવી રાખવાની કોશિશ કરે છે. આ સમસ્યાને ઉકેલવા માટે તેઓ યોગ્ય સારવાર કરાવતા નથી. વડોદરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે એરફોર્સ અધિકારી સામે ગુનો નોંધ્યો છે.
પત્નીનો આરોપ છે કે, પતિ વારંવાર તેનું શારીરિક શોષણ કરતો હતો. જેમાં 15 ફેબ્રુઆરીના રોજ તેની સાથે મારપીટ પણ કરી હતી, તેણે પોતાના લગ્ન જીવનને બચાવવા માટે ફોજદારી ફરિયાદ નોંધાવવાને બદલે ફક્ત પોલીસની મદદ માંગી હતી. બુધવારે જ્યારે તેણે તેને ફરીથી માર માર્યો, ત્યારે તેણે ફરિયાદ નોંધાવી. પત્નીનો આરોપ છે કે, તેણે મજબૂરીમાં આવીને આ પગલું ભર્યું છે.
પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના 2018માં એરેન્જ્ડ મેરેજ થયા હતા, પરંતુ જ્યારથી તેઓ વડોદરા આવ્યા છે, ત્યારથી તેને હેરાન કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં મહિલાને હેરાન કરવા, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાની કલમો લગાવી છે. વડોદરા પોલીસે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp