રણુજા જતા 3 કૌટુંબિક ભાઇઓના રોડ અકસ્માતમાં મોત, એક ભાઈના ગયા મહિને જ લગ્ન થયેલા

PC: divyabhaskar.co.in

રાજસ્થાનના બાડમેરમાં એક ગોઝારો અકસ્માત થયો છે. NH-68 પર સ્કોર્પિયો અને અર્ટિગા ગાડીઓ વચ્ચે ભાષણ અકસ્માત થઇ ગયો છે. જેથી ગાડીના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં અર્ટિગા ગાડીમાં સવાર 5માંથી ત્રણ લોકોના મોત થઇ ગયા છે. આ ત્રણેય મૃતકો મહેસાણાના ખેરાલુ તાલુકાના મલાલપુર ગામના રહેવાસી હોવાની જાણકારી મળી રહી છે. આ ત્રણેય કૌટુંબિક ભાઈઓ હતા. જેમાં એક યુવકના તો ગયા મહિને જ લગ્ન થયા હતા. તો 2 પરિવારોએ એકનો એક દીકરો ગુમાવ્યો છે. ત્રણ-ત્રણ યુવકોના મોત થતા ગામમાં શોકનો માહોલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ખેરાલુ તાલુકાના મલાલપુર ગામના વતની સંદીપ બાબુભાઇ ચૌધરી, સૌરભ વિજય ચૌધરી, વિશ્વાસ વિરસંગભાઈ ચૌધરી, ઉદયભાઈ રમેશભાઈ ચૌધરી, હિમાંશુ દેવેન્દ્રભાઈ ચૌધરી અર્ટિગા ગાડીમાં બેસી રણુજા જઇ રહ્યા હતા. જ્યાં બાડમેર નેશનલ હાઇવે નંબર-68 પર ગાડી જતી હતી, એ દરમિયાન લવકુશ વિદ્યાલય પાસે નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો સાથે તેમની અર્ટિગા ગાડી ધડાકાભેર અથડાઈ ગઇ હતી. જેથી ભયંકર અકસ્માત થયો અને બંને ગાડીઓના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બે ગાડીઓમાં સવાર લોકોને ગંભીર ઈજા થઇ હતી. જેમાં અર્ટિગા ગાડીમાં સવાર સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરીના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. તેમજ હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીને સારવાર માટે સચોર ખસેડવામાં આવ્યા હતા. એ સિવાય સ્કોર્પિયો ગાડીમાં સવાર 8 લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ રાજસ્થાનના બાડમેરના સ્થાનિક લોકો ત્યાં આવી જતા બંને ગાડીઓમાં રહેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં અર્ટિગા ગાડીના આગળના ભાગના કૂરચેફૂરચા ઊડી જતા ડ્રાઇવર ફસાઈ ગયો હતો. તેમજ ગાડીમાં સવાર અન્ય લોકોને સ્થાનિક લોકોએ લોખંડના કોસો અને અન્ય સાધનો વડે દરવાજા તોડી, કાચ ફોડી ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પીકઅપ માર્ફતે તમામને નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.

ગામમાં રહેતા નાગજીભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે 10:00 વાગ્યે યુવકો ગાડીમાં બેસી રણુજા જવા નીકળ્યા હતા અને ત્યાં સાંજે 04:00 વાગ્યે અકસ્માત થયો હતો. મૃતકો કૌટુંબિક ભાઈઓ થાય છે. તેમજ સૌરભ ચૌધરીના ગયા મહિને જ લગ્ન થયા હતા. જ્યારે બે પરિવારે એકના એક દીકરા ગુમાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp