લગ્ન કરી દુલ્હન મંડપથી TET-2ની પરીક્ષા આપવા ગઈ, વર-જાનૈયાઓએ મંડપમાં જ રાહ જોઈ
ગુજરાતમાં રવિવાવરે TET-2ની પરીક્ષા લેવાઇ હતી. મહેસાણા જિલ્લાના ખેરાલુની યુવતીની એક પ્રેરણાત્મક વાત સામે આવી છે. આ યુવતીના લગ્ન સવારે થયા હતા. ત્યારબાદ તેણે TET-2ની પરીક્ષા આપી હતી અને પછી તેની વિદાય કરવામાં આવી હતી. ઠાકોર સમાજે છોકરીઓના વિકાસમાં ભાગીદાર બનવા માટે અનોખી પહેલ કરી છે. કન્યાના પતિ સહિત સાસરીયા પક્ષ પણ કન્યા પરીક્ષા આપીને આવે ત્યાં સુધી મંડપમાં જ તેની રાહ જોઇ હતી. આ બાબતને એ ગામના લોકો અને આખા રાજ્યના લોકો વખાણી રહ્યા છે.
ઠાકોર નૈના મહેન્દ્રસિંહે B.sc, B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે. નૈનાના લગ્ન અને પરીક્ષા એક દિવસે જ હતા. જો કે, પરિવાર અને સમાજના સહકાર સાથે સવારે કન્યાના લગ્ન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને પરીક્ષા માટે મોકલવામાં આવી હતી. લગ્નના મંડપથી કન્યાને ખેરાલુથી અમદાવાદ પરીક્ષા આપવા માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન મંડપમાં જ વરરાજા, જાનૈયાઓએ કન્યાની રાહ જોઈ હતી.
આ અનોખી પહેલ બાબતે યુવતી નૈનાબેને જણાવ્યું કે, આજે મારી અમદાવાદમાં TET-2નું ગણિત-વિજ્ઞાનનું પેપર હતું. આજે મારે બે પરીક્ષા હોય તેમ લાગતું હતું, એક જીવનની અને એક હું ભણી છું તેની પરીક્ષા. આ બંને પરીક્ષા આપવામાં હું સફળ થઇ છું. તેથી આજે હું ખૂબ ખુશ છું. અમારા સમાજની દીકરીઓને હું કહેવા માગીશ કે, તે પોતાનો અભ્યાસ પૂરો કરે અને આગળ વધે. આ પરીક્ષા આપવામાં મને મારી ફેમિલીનો સપોર્ટ સૌથી વધારે હોય છે.
તો યુવતીના પિતાએ જણાવ્યું કે, 'અમે નૈનાના લગ્નનું મૂહુર્ત TETની તારીખ આવે તે પહેલા જ કઢાવી લીધું હતું. આ પરીક્ષાનું કોલલેટર અઠવાડિયા અગાઉ જ નીકળ્યું હતું. ત્યારે નૈના માટે લગ્ન અને પરીક્ષા આપવી બંને જરૂરી હતી એટલે અમે યોગ્ય મૂર્હુતે લગ્ન પણ થઈ જાય અને પરીક્ષા પણ આપી શકે તેવું આયોજન કર્યું હતું. અમારી છોકરી ભણવામાં પહેલાથી જ ખૂબ જ હોશિયાર હતી.
તેણે B.sc અને B.edમાં સારી ટકાવારી પણ લાવી છે. ત્યારે તેને TET-2 પરીક્ષા અપાવવી ખૂબ જરૂરી હતી, જેને લઈ પહેલા લગ્નનવિધિ પતાવીને પરીક્ષા આપવા માટે મોકલી દીધી હતી અને પરીક્ષા આપ્યા બાદ તેને વિદાય આપવામાં આવી હતી. આ બાબતે નૈનાના માતા જશોદાબેને જણાવ્યુ કે, 'મારી દીકરીએ પરીક્ષા આપી તે સારું કહેવાય નહીં તો બધાને એમ હોય કે, મારા લગ્ન છે એટલે પરીક્ષા નહીં આપું. પરીક્ષા આપી તે ખૂબ મહત્ત્વનું છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp