ઉત્તર ગુજરાતના ગૌશાળા સંચાલકોએ હજારો પશુઓને રસ્તા પર ખુલ્લા છોડી દીધા, જાણો કારણ

PC: divyabhaskar.co.in

ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવા માટે માલધારી સમાજે એક દિવસની દુધની હડતાળ પાડી અને સરકારે કાયદો પાછી ખેંચી લીધો હતો એ વાતની શ્યાહી હજુ સુકાઇ નથી ત્યાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ હવે સરકાર સામે મોર્ચો માંડ્યો છે અને તેમના હજારો પશુઓને રસ્તા પર છોડી દીધા છે. કારણ એવું છે કે રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે 6 મહિના પહેલાં 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી સરકારે આ સહાય ચુકવી નથી એટલે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ગુસ્સે ભરાયા છે. ગુજરાતની ડીસા અને બનાસકાંઠામાં આ ઘટનાને કારણે અફડાતફડીનો માહોલ છે અને પોલીસ પશુઓને શહેર તરફ આવતા રોકવાનો પ્રયાસ કરી રહી છે.

સરકારને આખરી ચેતવણીના ભાગરૂપે શુક્રવારે ડીસા અને બનાસકાંઠામાં પશુઓ રસ્તા પર દોડી આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી અને પશુઓને રોકવા માટે રસ્તા પર બેરીકેડ્સ મુકી દેવામાં આવ્યા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ સરકારે જાહેર કરેલી સહાય ચૂકવવા વિનંતી કરી હતી, છેલ્લે ગુજરાત બંધનું એલાન આપીને 24 કલાકમાં સહાય ચૂકવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું અને જો સહાય ન ચૂકવાશે તો તમામ ઢોરોને છોડી દેવામાં આવશે તેવી ચિમકી પણ આપી હતી. પરંતુ સરકારના પેટનું પાણી હાલ્યું નહી. એટલે શુક્રવારે સવારે બધા ઢોરોને રસ્તા પર છોડી દેવાયા.

ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનો આક્રોશ એટલો હતો કે રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ઘેરાવ કરી લીધો હતો અને તેમને કારમાંથી ઉતરવા દીધા નહોતા. પોલીસે મહામુસીબતે મંત્રીને બહાર કાઢ્યા હતા.

ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ એવી યોજના બનાવી હતી કે ઢોરોને રસ્તા પર તો છોડી દીધા હતા, પરંતુ કેટલાંક ઢોરોને સરકારી કચેરીમાં પણ મોકલી આપ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કુલ 160 જેટલી ગૌશાળાઓમાં 80,000 જેટલાં પશુઓ આશ્રય લઈ રહ્યાં છે અને આ તમામ પશુઓને સરકારી કચેરીઓમાં છોડી દેવાની ચીમકીને પગલે પોલીસ એલર્ટમોડમાં આવી ગઈ છે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એ માટે ડીસાની ગૌશાળા અને પાંજરાપોળ આગળ પણ બેરિકેડ્સ ગોઠવી દેવાયાં છે. પણ પશુઓની સંખ્યા એટલી વધારે છે કે પોલીસ પણ કઇ કરી શકે તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp