રાધનપુર હાઇવે પર જીપનું ટાયર ફાટ્યું અને ઉભેલી ટ્રકમાં ઘૂસી ગઈ, 6ના મોત

PC: divyabhaskar.co.in

પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતા 6 લોકોના મોત થઇ ગયા છે, જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતા રોડ પર ઊભેલા ટ્રક સાથે જીભ અથડાઇ ગઇ હતી, જીપમાં સવાર 6 લોકોના મોત થઇ ગયા હતા, તો 12 લોકોને ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે રાધનપુરની રેફરલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણકારી મળતા લોકો અને પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જીપમાં સવાર લોકો રાધનપુરથી વારાહી જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં મોત થયેલા લોકોની ઓળખ સમજુબેન ફુલવાદી, દુદાભાઈ સેજાભાઈ રાઠોડ, રાધાબેન પરમાર, કાજલબેન પરમાર, અમ્રિતાબેન વણઝારા, પિનલ વણઝારાના રૂપમાં થઇ છે.

રાધનપુરના મોટી પીપળી પાસે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઇજાગ્રસ્તોની ઓળખ અંજલીબેન નિતેશભાઈ બણઝાર, ભમરભાઈ કળિયા બણઝાર, સીમાબેન મિતુલભાઈ બણઝાર, મધુબેન બાબુભાઈ ઠાકોર, સરોજબેન દિનેશભાઈ ભીલ, ગાયત્રીબેન મનસુખભાઈ ભીલ, મલિક યાસીન ઝાકીરભાઈ, રોશનબેન ઝાકીરભાઈ મલેક, સીતાબેન જગદીશભાઈ ભીલ, ઝાકીરભાઈ અહેમદભાઈ મલેક, બાબુભાઈ વાઘજીભાઈ ઠાકોરના રૂપમાં થઇ છે.

અકસ્માતની ઘટના બાદ એક સ્થાનિક નાગરિકે ઘટનાસ્થળ પર ઉભા રહી પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. અકસ્માતમાં 6 લોકોના મોત થયા બાદ નાગરિક દ્વારા સવાલ કરાયો હતો કે ધોળે દિવસે આટલા લોકો આ વાહનમાં ભરવામાં આવ્યા, ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કેમ ન કરી? રાધનપુરથી વારાહી વચ્ચે આ પ્રકારના વાહનોમાં લોકોને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવતા હોવાનો અને હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થયો છે. એક રિપોર્ટ મુજબ, આ અકસ્માત એટલો જોરદાર થયો હતો કે, મુસાફરોથી ભરેલી જીપનું કચ્ચરઘાણ નીકળી ગયુ હતુ. પોલીસે સ્થાનિકોની મદદથી ટ્રકમાંથી ફસાયેલા મૃતદેહો પણ બહાર કાઢવાની કવાયત હાથ ધરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp