પાટીદાર યુવતી NRI સાથે લગ્ન કરી ફસાઇ, પતિએ 1 કરોડની માગણી કરી, નણંદ USમાં બેસી..
દીકરીને NRI સાથે પરણાવવાની ઘણા પરિવારોની ઘેલછા હોય છે, પરંતુ ગાંધીનગરની એક યુવતીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે આંખ ખોલનારો છે. એક યુવતીએ તેના પતિ, સાસુ સહિત સાસરીયાના 6 લોકો સામે પોલીસ ફરિયાદ કરી છે. ગુજરાતની પાટીદાર યુવતી સાથે લગ્ન કરીને અમેરિકા પરત ચાલ્યા ગયેલા પતિએ યુવતીને કહ્યું હતું કે, તારે અમેરિકા આવવું હોય તો 1 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રૂપિયા નહીં આપે તો અમે છુટાછેડા આપી દઇશું.
ગાંધીનગરમાં રહેતી અને હોમિયોપેથીના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી એક યુવતીની જિંદગી NRI પરિવારને કારણે રોળાઇ ગઇ છે. વાત એમ બની હતી કે અમેરિકામાં રહેતા એક યુવકે ગાંધીનગરની યુવતીને લગ્ન માટે દરખાસ્ત મુકી હતી, પરંતુ તે વખતે છેલ્લું સેમેસ્ટર હોવાને કારણે યુવતીએ કહ્યું હતું કે, અત્યારે મને લગ્નની કોઇ ઉતાવળ નથી. એ સમયે તો વાત ત્યાં અટકી ગઇ હતી.
એ પછી અમેરિકામાં રહેતા NRI યુવકે પાટીદાર વિવાહ એપ પર યુવતીનો બાયોડેટા જોયો. એ જોઇને તે સીધો અમેરિકાથી ગુજરાત દોડી આવ્યો હતો. યુવકનો પરિવાર સરગાસણ વિસ્તારમાં રહે છે. યુવક તેની માતા અને સંબંધીઓને લઇને યુવતીના ઘરે ગયો અને લગ્નની ફરી દરખાસ્ત મુકી હતી. આ વખતે યુવતીએ ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને લગ્ન માટે હા પાડી દીધી હતી.
તે વખતે યુવકે કહેલું કે મારા અમેરિકામાં લગ્ન થયા હતા અને છુટાછેડા થઇ ગયા છે. મારી બહેનને અમેરિકા જવાનું હોવાથી લગ્ન જલ્દી કરવા પડશે. અમેરિકા જવાનું હોવાથી યુવતીનો પરિવાર પણ તૈયાર થઇ ગયો. હિંદુ વિધી પ્રમાણે બંને લગ્ન કરી દેવામાં આવ્યા અને હનીમુન માટે યુવક અને યુવતી ગોવા ગયા હતા. એ પછી યુવક અમેરિકા ચાલ્યો ગયો હતો અને યુવતીને કહ્યુ કે અમેરિકા જઇને સ્પાઉસ વિઝા ફાઇલ મુકીશું, પછી તને અમેરિકા બોલાવીશું.
થોડા દિવસો સુધી તો યુવક અને યુવતી વ્હોટેસ કોલ અને ચેટ કરતા હતા, યુવતી સરગાસણ વિસ્તારમાં સાસરામાં રહેતી હતી. આ દરમિયાન યુવકની બહેને એક વખત એવું કહ્યું હતું કે, તુ ગમાર છે, હાલના આધુનિક સમય પ્રમાણે તને રહેતા આવડતું નથી. પરંતુ યુવતીએ એ સમયે વાત કાને ધરી નહોતી.
4 મહિના પછી યુવકે યુવતીનો કોલ રિસીવ કરવાનું બંધ કરી દિધા હતા.5 દિવસ પછી પતિએ વ્હોટસેપ કોલ કરીને કહ્યુ કે, તારા પિતાએ દહેજમાં કશું આપ્યું નથી, એટલે અમેરિકા આવવાનો ખર્ચ તારે ઉઠાવવો પડશે. અહીંયા ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપ લેવા માટે મેં 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે તે તારે આપવો પડશે. આ સાંભળીને યુવતીને આંચકો લાગ્યો હતો અને તેણે પોતાની સાસુને વાત કરી હતી. તો સાસુએ પણ યુવકના સમર્થનમાં કહ્યું કે અમેરિકા કંઇ મફતમાં થોડા જવાય છે, એક કરોડનો ખર્ચ થાય છે.
એ પછી સાસુએ એક દિવસ યુવતીના પરિવારને ચીમકી આપી કે અમેરિકામાં સ્પાઉસ વિઝાની ફાઇલ વિડ્રો કરી લીધી છે, એટલે છુટાછેડા આપી દો, નહીંતર જોવા જેવી થશે. યુવતીને ખ્યાલ આવી ગયો કે પૈસા પડાવવા માટે આ લોકોએ આખું તરકટ રચ્યું છે એટલે તેણે પોલીસ મથકમાં પતિ, સાસુ સહિત સાસરાના 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp