26th January selfie contest

લોકસભા 2024ની ચૂંટણી માટે પાટીલનો ડેડલી ‘પ્લાન’ ગુજરાતમાં ભાજપ રમશે આ નવી ગેમ

PC: jansad.com

લોકસભા 2024ની ચૂંટણી સત્તાધારી પાર્ટી ભાજપ માટે ખાસ્સી મહત્ત્વની માનવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગાતાર ત્રીજી વખત જીત મેળવીને જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીની હરોળમાં આવી શકે છે.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં PM મોદીની કડક સલાહ અને 2024 માટેનો રોડમેપ ક્લિયર કર્યા બાદ પાર્ટીએ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. PM મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં વિપક્ષને ઘૂંટણિયે લાવ્યા બાદ ભાજપે હવે ડેડલી પ્લાન બનાવ્યો છે. રાજ્ય કારોબારીમાં ગુજરાતની જીતના હીરો તરીકે ઉભરેલા સી.આર.પાટીલે ગુજરાતની 26 બેઠકો જીતવાનો લક્ષ્‍યાંક રાખ્યો હતો, સાથે સાથે એમ પણ કહ્યું હતું કે આ બેઠકો અત્યાર સુધીની સૌથી મોટી જીત હોવી જોઈએ.

તો એક દિવસ પહેલા આવેલા ઇન્ડિયા ટુડે માટે  C- વોટરે કરેલા સર્વેમાં NDAને 543 બેઠકોમાંથી 298 સીટ મળવાનું કહ્યું છે, ભાજપ પોતાના દમ પર 284 બેઠકો મળશે એમ પણ કહેવાયું છે. 

પાર્ટીની કોશિશ છે કે લોકસભાની બધી 26 બેઠકો પર મજબુત વ્યૂહરચનાની સાથે જીત મેળવવામાં આવે અને વિપક્ષના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ જાય. એના માટે ભાજપે અત્યારથી  તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટી દરેક સીટ મોટા માર્જિનથી જીતવા માંગે છે. ભાજપે વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. આ બંને લોકસભામાં સી આર પાટીલે સૌથી વધારે માર્જિનથી જીત મેળવી હતી.

2024 લોકસભાની ચૂંટણી PM મોદી માટે મહત્ત્વની છે. તેઓ આ ચૂંટણીમાં ઇતિહાસ બનાવી શકે છે. એવામાં ભાજપની કોશિશ છે કે જ્યારે ત્રીજી વખત ફરી સત્તામાં આવવાની સંભાવના છે તો એને ઇતિહાસ બનાવવામાં આવે.

ભાજપ તરફથી અટલ બિહારી વાજપેયી 3 વખત પ્રધાનમંત્રી બન્યા હતા, પરંતુ તેઓ બધું મળીને 6 વર્ષ જ PM રહ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં એક પણ ચૂંટણી હાર્યા નથી. ગુજરાત ભાજપ PM મોદીના મિશનમાં કોઇ પણ પ્રકારની લાપરવાહી વર્તવા માંગતી નથી.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના ચૂંટણી સમીકરણની વાત કરીએ તો,2019ની ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 64.51 ટકા મતદાન થયું હતું. ભાજપને 62.21 મત મળ્યા હતા. કોંગ્રેસ 32.11 ટકા વોટ મેળવી શકી અને એકપણ સીટ જીતી શકી નહોતી. 2019માં ભાજપ પોતાનો વોટ શેર વધારવામાં સફળ રહ્યો હતો. 2014માં આ આંકડો 59.1 ટકા હતો. કોંગ્રેસને 32.9 ટકા અને અન્યને 8 ટકા વોટ મળ્યા હતા. ભાજપ 2024ની ચૂંટણીમાં જીત અને હાર વચ્ચેનો તફાવત વધારવા માંગે છે. આ પાટીલની યોજના છે. 2009માં ભાજપ પાસે 14 બેઠકો હતી જ્યારે કોંગ્રેસ પાસે 12 બેઠકો હતી. ભાજપ અને કોંગ્રેસનો વોટ શેર અનુક્રમે 47.37 અને 43.86 ટકા હતો.

ભાજપના વ્યૂહરચનાકારોને આશા છે કે આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસના વોટ શેરમાં ઘટાડો કરશે. પાર્ટી આનો ફાયદો ઉઠાવી શકે છે. કોંગ્રેસને 2019માં 32.11 ટકા વોટ મળ્યા હતા. આવી સ્થિતિમાં, જો આ મતોનું વિભાજન થાય છે, તો કોઈ શંકા નથી કે પક્ષ તમામ વિપક્ષી ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ શકે.

પાર્ટીને એવી આશા છે કે વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પાર્ટીનો વોટ શેર 70 ટકા સુધી પહોંચી શકે. જાણકારોનું કહેવું છે કે રિપોર્ટને આધારે ભાજપ 26 બેઠકોમાંથી 10થી 12 સાંસદોની ટિકીટ કાપી શકે છે અને નવા ચહેરાંને સ્થાન આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp