બાગેશ્વર બાબાનો દરબાર શરૂ થાય તે પહેલાં લિંબાયતમાં પોસ્ટરો ફાડી નંખાયા
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતાં પધરામણી થઇ ચૂકી છે અને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા એમ 4 શહેરોમાં તેમના દિવ્ય દરબારનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. 10 દિવસના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતના કાર્યક્રમની શરૂઆત સુરતથી થઇ છે અને શુક્રવાર અને શનિવારે લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ પર દિવ્ય દરબાર થવાનો છે.
શુક્રવારે બાબાનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં કોઇ તોફાની તત્ત્વોએ લિંબાયત વિસ્તારમાં દિવ્ય કરબાર કાર્યકમને લગતા પોસ્ટરો ફાડી નાંખતા હોબાળો મચી ગયો હતો.આયોજકો દોડતા થઇ ગયા હતા અને પોસ્ટરો કોણે ફાડ્યા તૈની તપાસ હાથ ધરવામાં આવી છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત પહેલીવાર આવ્યા છે અને તેમના દિવ્ય દરબારના કાર્યક્રમના પોસ્ટરો શહેરમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. બાબા બાગેશ્વરના આગમનનો પહેલા વિરોધ શરૂ થયો હતો, પરંતુ ધીમે ધીમે વિવાદ શાંત પડી ગયો હતો. હવે લિંબાયત વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનથી માત્ર 700 મીટરના અંતરે લાગેલા બેનરો વિરોધીઓ દ્રારા ફાડી નાંખવામાં આવ્યા છે.
લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પર બાબાનો બે દિવસનો કાર્યક્રમ થવાનો છે અને હજારોની સંખ્યામાં લોકો આવવાના છે એ ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, છતા કોઇક બેનરો ફાડી ગયું હતું. આ અટકચળાને કારણે આયોજકોનું ટેન્શન વધી ગયું છે.
આયોજકોના કહેવા મુજબ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં લગભગ દોઢ લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત પીવાનું પાણી, પાર્કિંગ, મોબાઇલ ટોઇલેટ, નીલગીરી ગ્રાઉન્ડમાં વિશાળ સ્ટેજ, 30થી વધારે LED સ્ક્રીન લગાવવામાં આવી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મે, 2023ના દિવસે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી મેદાનમાં તેમનો ‘દરબાર’ યોજશે. બાગેશ્વર સરકારનો ‘દરબાર’ સાંજે શરૂ થશે અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. આ દિવ્ય દરબારમાં પ્રવેશ માટે 22 જેટલા એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે.
સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષા માટે હજારથી વધારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ખાનગી સિક્યોરિટી કંપનીના પણ સુરક્ષા કર્મીઓ સુરક્ષામાં હાજર રહશે.
ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત બાદ અમદાવાદમાં તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. તેઓ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં રોકાશે. જેમાં અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શક્તિચોક ખાતે તેનો ‘દિવ્ય દરબાર’લાગશે. એ પછી રાજકોટ અને વડોદરામાં તેમનો કાર્યક્રમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp