રાજકોટ: બાગેશ્વર બાબા પાસેથી પત્રકારને 13 હજાર પાછા મળી ગયા, ફરિયાદ પાછી ખેંચી

PC: trishulnews.com

રાજકોટના એક પત્રકારે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે હિપ્નોટાઇઝ કરીને 13,000 રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે પત્રકારે પોલીસ કમિશ્નરને અરજી પણ કરી હતી, પરંતુ જાણવા મળેલી માહિતી મુજબ આ પત્રકારને બાબા બાગેશ્વર તરફથી 13,000 રૂપિયા પાછા મળી ગયા છે એટલે તેમણે ફરિયાદ પાછી ખેંચી લીધી છે. પત્રકારે આરોપ મુક્યો હતો કે બાબાએ મારું ખિસ્સું ખાલી કરાવી દીધું હતું. આ ફરિયાદ પછી ભારે હોબાળો મચી ગયો હતો.

ગુજરાતની 10 દિવસની મુલાકાતે આવેલા  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરત, અમદાવાદમાં કાર્યક્રમ પુરો થયા પછી 1લી અને 2જી જૂને રાજકોટના રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો. બાબાના દિવ્ય દરબારમાં અનેક શ્રધ્ધાળુઓ જોડાયા હતા.

રાજકોટના પત્રકાર હેમલ વિઠ્ઠલાણીએ પોલીસ કમિશ્નરને કરેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે 1લી જૂને રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર ભરાયો હતો અને ધીરેન્દ્ર શાસ્ત્રી વક્તા તરીકે હતા. તે વખતે ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રધ્ધાળુઓના પ્રશ્નોન નિકાલ કરી રહ્યા હતા. એ સમયે જામનગરથી એક શ્રધ્ધાળુ આવ્યા હતા અને બાબા પાસે મંદિર માટે 13,000ના દાનની માંગ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મને હિપ્નોટાઇસ કરીને મારું ગજવું ખાલી કરાવી દીધું હતું અને શ્રધ્ધાળુંને 13,000 આપ્યા હતા. હેમલ વિઠલાણીએ ફરિયાદમાં કહ્યું હતું કે, મને એમ કે બાબા મને પછી બોલાવીને પૈસા પાછા આપી દેશે, પરંતુ એવું કશું બન્યું નહિં. બીજા કોઇ શ્રધ્ધાળુ સાથે આવું ન બને અને મારા પૈસા પરત મળે તેવી વિનંતી છે એવી હેમલ વિઠ્ઠલાણીએ અરજી કરી હતી.

આ બાબતે વિવાદ વકરતા આખરે આયોજકોએ પત્રકાર હેમલ વિઠ્ઠલાણીને 13,000 રૂપિયા આપી દીધા હતા અને પત્રકારે અરજી પાછી ખેંચી લીધી છે.

આ ઘટના વિશે સમિતિના સભ્ય ભક્તિ પ્રસાદ સ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, માત્ર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને બદનામ કરવાના આશયથી કમિશ્નરને અરજી કરવામાં આવી હતી. સ્વામીએ કહ્યું કે, રાજકોટ રેસકોર્સ મેદાન પર યોજાયેલા દિવ્ય દરબારમાં 1 લાખથી વધારે લોકો બાબાના દર્શન માટે આવ્યા હતા, તેમાંથી માત્ર એક જ વ્યકિત હિપ્નોટાઇસ થયો?  આ માત્ર બાબાનું નામ ખરાબ કરવાનું કાવતરું છે અને અમે કાયદાકીય પગલાં લેવા કે નહીં તે વિશે વિચારીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp