ગારિયાધારમાં પૂર્વ સરપંચના દીકરાના ત્રાસથી રવિનાએ જીવ ટુંકાવ્યો, બ્લેકમેલ કરતો..

PC: divyabhaskar.co.in

પાગલ પ્રેમીઓ દ્વારા દીકરીઓને બ્લેકમેઇલિંગ કરવાના હેરાન કરવાના કિસ્સાઓ સમાજમાં હવે વધવા લાગ્યા છે. સુરતના પાસોદરામાં ગત વર્ષના ફેબ્રુઆરી મહિનામાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવાને જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી નાખી હતી. ત્યારે હાલમાં જ યુવતીને હેરાન કરવાના એક મહિનામાં બે કિસ્સા ભાવનગર જિલ્લામાં સામે આવ્યા છે. ગત ડિસેમ્બર મહિનામાં લુખ્ખાં તત્ત્વોના ત્રાસથી મોટાસુરકા ગામે ઝેરી દવા પીઇને સગીર દીકરી હિમાંશી જસાણી પાણીના ટાંકામાં કૂદી ગઈ હતી. આખા ગુજરાતમાં આ બનાવના પડઘા પડ્યા હતા. છેક મુખ્યમંત્રી સુધી પાટીદાર આગેવાનોએ આ કેસમાં રજૂઆતો કરી હતી, આથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને આ ઘટનામાં ત્રણ યુવકોની ધરપકડ કરી હતી.

આ ઘટના બન્યાના એક મહિનામાં જ રવિના નામની ગારિયાધારના ઠસા ગામની 27 વર્ષીય યુવતીએ સચિન વોરા નામના યુવકના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાય પોતાનું જીવન ટુકાવી લીધું છે. જો કે, આ ઘટના બાદ આ યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઘરની અગાશી પર ઝેરની બોટલ ઘા કરી જઈ તેને મરી જવા માટે મજબૂર કરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, મૃતક યુવતીના પિતા રામજીભાઈએ આ અંગે જણાવ્યું હતું કે મારી દીકરીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. તે ખેતીકામ અને ઘરકામ કરતી હતી. જ્યારે ગામના પૂર્વ સરપંચનો દીકરો મારી દીકરી રવિનાને હેરાન કરતો હતો. તેણે મારી દીકરીને ફસાવીને ફોટા પડાવી લીધા હતા અને હેરાન કરતો હતો ઘરના સભ્યોને પણ તે પરેશાન કરતો રહેતો હતો. ધમકીઓ આપી મારી દીકરીને બ્લેકમેઈલ કરતો હતો. આથી તેના પિતાને હું વારંવાર કહેતો હતો કે, તમે તમારા દીકરાને સમજાવો. જો કે, તે થોડા સમય સુધી તો બંધ થઈ ગયો હતો, પરંતુ સચિને મારી દીકરીને થોડો સમય પસાર થયા બાદ ફરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ આ બાબતે તેના પિતા પણ ફોનમાં એવું કહેતા હતા કે, મારા દીકરાનું જે કરવું હોય તે કરી નાખજો, પરંતુ જ્યારે તેમને રૂબરૂ મળીએ ત્યારે તેઓ કહેતા કે મારા છોકરાને કોઈ કંઈ કરે તો તેને ખબર પાડી દઉં.

યુવતીના પિતાએ વધુમાં કહ્યું કે, આપણે આની પોલીસ ફરિયાદ કરી દઈએ તેવું ગામના બે પાંચ લોકોએ મળીને વિચાર્યું હતું કે, અને આમ કરીએ એ પહેલા જ આ ઘટના બની ગઈ. તેમણે કહ્યું કે મેં આ અંગે સચિનને કહ્યું હતું કે આપણે આવું બધું ના કરાય, તો તે કહેતો કે હવેથી હું રવિનાને પરેશાન નહીં કરું. પણ તેની પછી એ જ સ્થિતિ આવી જતી હતી. તે રવિનાને સતત પરેશાન કરતો રહેતો હતો. અમે તેના કુટુંબીજનોને પણ આ અંગે વાત કરી, પછી તેના ઘરે જઈને કહ્યું તો તેના ઘરના લોકો કહેતા કે હવે આવું નહીં થાય. ગીતાજીના સમ ખાધા છે અમારા છોકરાએ, હવે એવું નહીં બને.

યુવતીના પિતાએ કહ્યું કે, મેં સચિનને આ અંગે કીધું હતું કે, તું આ બધું ભૂલી જા આપણા જૂના સંબંધો છે, ત્યારે તે કહેતો હતો કે, હા ભૂલી જઈશ પણ પછી એનામાં કોઈ બદલાવ આવતો નહીં હતો. એકાદ વર્ષથી સચિન સુરત હતો, પણ તે દિવાળીએ ગામડે આવ્યો હતો. રામજીભાઈને તેમની દીકરીએ મેસેજ પણ બતાવ્યા હતા કે તે તેને કેવા મેસેજ કરે છે, તે મેસેજમાં ગાળો લખતો હતો. દીકરીએ અમને ક્યારેય એવું લાગવા જ દીધું નહીં કે તે આવું પગલું ભરી લેશે. તેણે ઓચિંતું પગલું ભરી લીધું.

રામજીભાઈએ કહ્યું કે, રવિનાએ આવું પગલું ભરી લીધું છે એ અંગે અમને અમે સવારમાં જાગ્યા ત્યારે ખબર પડી. સચિનને પોલીસે પકડી લીધો છે અને હાલ તે જેલમાં છે. અમારી એક જ ઇચ્છા છે કે, અમારી રવિના સાથે જેવું થયું એવું કોઈપણ સમાજની દીકરી હોય તેની સાથે થાય નહીં આથી એવી સજા કરવામાં આવે કે આવું કરતાં પહેલા લોકો સો વાર વિચારે. અમને સરકાર અને ન્યાયતંત્ર ન્યાય આપે.

ઠસાના સરપંચ ભરતભાઈ અકબરીએ જણાવ્યું કે, સચિનના પિતા તો 10 વર્ષ ગામના સરપંચ રહી ચૂક્યા છે. તેમના પરિવારના એક બે લોકો સુરતથી ત્રણ ચાર કાર લઈને આવ્યા હતા અને આ દીકરીના પિતાને કહ્યું હતું કે બોલ તારે શું કરવું છે? દીકરીના પિતાએ જ આ વાત મને કહી હતી.

અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવનાર યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટ તેણે લખ્યું છે કે,

હું રવિના કાનાણી લખું છું કે હું આ આત્મહત્યા કરું ઇ મારા ઘરના કોઈ દબાણથી નથી કરતી. સચિન વોરા મને હેરાન કરે છે એ હિસાબે કરું છું. મને અને મારા ઘરનાને બ્લેકમેઈલ કરે છે. પેલા મારે જે કંઈ હતું એ મેં ના પાડી દીધી હતી, મારે હવે તારી જોડે પૂરું, પછી મને ફોટાથી બ્લેકમેઈલ કરતો હતો અને ખરાબ મેસેજ કરતો, ધમકી આપતો હતો. મને ના દેવાની ગાળો દેતો હતો, પછી મારા બધા ઘરનાને ખબર પડી પછી બે મહિનાથી બધાને સમજાવીએ છીએ. તેના ઘરના પણ કોઈ માનતા નથી અને મને બ્લેકમેઈલ કરે છે. તે રોજ ફોન અને મેસેજ કરે છે. હવે એ મારા ઘરના બધાના ફોનમાં ફોટા મોકલે છે.

અમારા બન્નેના ફોટાથી બ્લેકમેઈલ કરે છે. મારા ભાઈના ફોનમાં ફોટા મોકલે છે. આ બધું સચિન વોરા કરે છે, એના લીધે હું આત્મહત્યા કરું છું. એમાં મારા ઘરનાનો કોઈ દોષ નથી, તેણે મારી જોડે આવું વર્તન કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું, તેના પપ્પા અને કેશુભાઈ બન્ને મને પૂછવા આવ્યા હતા કે તારી ઈચ્છા છે તો મેં ના પાડી હતી કે મારી લગ્ન કરવાની કોઈ ઇચ્છા નથી. મારા પપ્પાએ વારંવાર સમજાવ્યા બધાને તોપણ સમજવા તૈયાર નથી. સચિનના લેપટોપ, ફોન અને પેનડ્રાઇવમાં મારા વીડિયો, ફોટો એવું બધું છે. આ વસ્તુ બધાને મોકલી મને બ્લેકમેઈલ કરે છે. આ મારી જુબાની છે, તો આ બધી વસ્તુ મારા ગયા પછી હટાવી દેજો એટલે મારા ઘરના લોકોને કોઈ તકલીફ ના થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp