સાહેબ બચાવવાના ઉપાયો કરો, મોતની આગાહી નહીં, આરોગ્ય મંત્રીને શોભા આપતું નથી

PC: navajivan.in

ચક્રવાતી વાવાઝોડુ બિપરજોય ગમે ત્યારે ગુજરાત પર ત્રાટકી શકે છે. બિપરજોય વાવાઝોડાને લીધે જાનહાનિ પણ થઈ શકે છે. ઢોર-ઢાંખરો સહિત માણસોના જીવને પણ મોટું જોખમ રહેલુ છે. ગુજરાતના માથે મોતનું તાંડવ તોળાઈ રહ્યું છે. વિનાશક વાવાઝોડુ મોતને નોતરી શકે છે. એવું અમે કહી રહ્યા નથી, પરંતુ ગુજરાત સરકારે પોતે આ વાતને સ્વીકારી છે કે આ વિનાશક વાવાઝોડાના કારણે મોત થઇ શકે છે. ગુજરાત સરકારના મંત્રીએ પોતે એવી વાત સ્વીકારી છે કે, વાવાઝોડાને કારણે મોત થઈ શકે છે.

સરકારના આ નિવેદનને કારણે લોકોમાં ભય જાવા મળી રહ્યો છે. વાવાઝોડુ આવતા પહેલાં જ સરકારનું આ પ્રકારનું નિવેદે અનેક તર્ક-વિતર્ક ખડા કર્યા છે. સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે, શું ગુજરાત સરકાર વિપરિત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે ખરી? બિપરજોય વાવાઝોડુ ખુબ જ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. પવનની ગતિ અને વાવાઝોડાનો વ્યાપ ખૂબ જ વધારે છે. હવામાન વિભાગ અને નિષ્ણાતો પણ બિપરજોયને તાઉતે કરતા પણ ખતરનાક ગણાવે છે. જેના કારણે ગુજરાતના માથે મોટું સંકટ મંડરાઇ રહ્યું છે.

જોકે, આવી પરિસ્થિતિમાં સરકારે દરેકને સાચવવાના હોય છે. આવી પરિસ્થિતિમાં સરકારે દરેકનું રક્ષણ કરવાનું હોય છે. તેના બદલે હાલમાં ગુજરાત સરકારના એક મંત્રીના નિવેદનના કારણે હાહાકાર મચી ગયો છે. આ નિવેદન આપ્યું છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે. ગુજરાત સરકારે બિપરજોય વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને સરકારના વિવિધ મંત્રીઓને જુદા-જુદા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની સાચવણીને જવાબદારી સોંપી છે. જેમાં રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાની જવાબદારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સોંપાઇ છે.

ઋષિકેશ પટેલે કચ્છમાં પત્રકારો સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડાથી ઓછામાં ઓછા માણસો અને ઢોરનું મૃત્યુ થાય એ માટે તૈયારી કરી છે. પશુ કે માણસો, એક પણ મૃત્યુ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. મોટા નુકસાનની સંભાવના છે. 9 જિલ્લામાં મંત્રીઓ સહિતની ટીમો મુકાઈ છે. સરકાર પોતાના તમામ વિભાગોના અધિકારીઓ સાથે કામે લાગી છે. વાવાઝોડુ આવશે તેનો અને તેના પછી આવનારી મુશ્કેલી માટેનો એક્શન પ્લાન તૈયાર છે. લોકોએ પણ પોતાના પરિવારને બચાવવા પ્રયાસ કરવાનો છે. વાવાઝોડા દરમિયાન લોકો પોતાની, પોતાના બાળકોની અને પોતાના માતા-પિતાનો જીવ બચાવે.

સ્થળાંતર માટે લોકો સરકારને સહકાર આપે. વાવાઝોડાની તીવ્રતા, પવની તીવ્રતા દર વખત કરતા ખુબ વધારે છે. અરે મંત્રી સાહેબ... જીવડાવવા અને મારવાવાળો તો ઉપર બેઠો છે તમારે તો બચાવવાના ઉપાય કરવાના હોય, અગાઉથી મોતની આગાહીઓ ન કરો, એ તમને શોભા આપતું નથી. આ નિવેદનનો અર્થ શું સમજવો એ પણ એક મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે. વાવાઝોડાની અસરના કારણે ભૂજમાં દીવાલ પડવાને કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે.

આ જગ્યાએ સર્જાઇ શકે છે તારાજી:

આ વખત પણ બિપરજોય વાવાઝોડાથી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને કચ્છ વિસ્તારોમાં તારાજી સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે. તાઉતે વખતે પણ હવામાન વિભાગ દ્વારા વેરાવળ, જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. આ વખત પણ ઘણાં બંદરો પર 10 નંબરનું સિગ્નલ લાગાવવામાં આવ્યું છે. કાચા મકાનો સંપૂર્ણ ધરાશાયી થઈ શકે છે અને પાકા મકાનોને પણ નુકસાન થઈ શકે. આ ઉપરાંત કોઈ પણ ઉડતી વસ્તુ ઉપર મોટું જોખમ. હોર્ડિંગ બોર્ડ, છાપરા ધસી પડી શકે છે.

વીજળી અને મોબાઈલ ટાવર ધરાશાયી થઈ શકે છે. વીજ પૂરવઠો ખોરવાઈ શકે. કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠાવાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થાય. ઊભા પાક, છોડવાઓ, વૃક્ષો પડી શકે. હોડી વગેરે દરિયામાં તણાઈ શકે છે. દરિયાના પાણી જમીન પર ધસીને વસ્તુ, વ્યક્તિને ખેંચી જઈ શકે છે. ભારે વરસાદથી જળબંબાકાર થઈ શકે છે. કચ્છ સિવાય, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ જેવા જિલ્લાઓ પર પણ જોખમ મંડરાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp