અમદાવાદનું નામ બદલવાના મુદ્દે ભાજપ પાણીમાં બેસી ગયું, કર્ણાવતી નામ થશે તો આ…

મોટાપાયે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનું અભિયાન ઉપાડનાર ભાજપ પોતે જ હવે પાણીમાં બેસી ગયું છે. ભાજપના નેતાઓ જ હવે નામ બદલવાનું જોખમ હોવાનું કહી રહ્યા છે.હવે અમદાવાદનું નામ બદલવાની માંગણી નહીં કરવામાં આવે.
ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારે ભલે તમામ શહેરોના નામ બદલી નાખ્યા હોય, પરંતુ અમદાવાદનું નામ બદલીને ગુજરાતમાં કર્ણાવતી કરવાની માંગ પૂરી થશે નહીં. અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગ વર્ષોથી ઉઠી રહી છે, હવે ખુદ ભાજપના નેતાઓએ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કેમ નહીં થાય? ભાજપના નેતાઓ કહે છે કે અમદાવાદનું નામ બદલવામાં આવે તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જતો રહેશે.
ભાજપના અમદાવાદના પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને અમદાવાદ પૂર્વના લોકસભા સાંસદ હસમુખ પટેલે કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પુરા થવાની માહિતી આપવાના પ્રસંગે મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ પ્રતિક્રિયા આપી હતી. સાંસદ હસમુખ પટેલે કહ્યું કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગ ભાજપની હતી.1995 અને 2000માં નામ બદલવા માટે પણ અરજી કરી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી. આ પછી, 2005 માં, શહેરે હેરિટેજનો દરજ્જો મેળવવા માટે અરજી કરી હતી. પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાને લઈને સમસ્યા ઊભી થશે. 600 વર્ષ જૂના અમદાવાદને હેરિટેજનો દરજ્જો મળ્યો છે, પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, અમદાવાદમાં લોકોને રોજગારી મળી રહી છે, લોકોએ આ વાત સ્વીકારી લીધી છે એટલે હમણાં કર્ણાવતી કરવાની કોઇ માંગ નથી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તાજેતરમાં અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર કરવાની જાહેરાત કરી હતી. એ પહેલાં તેમણે ઔરંગાબાદ અને ઉસ્માના બાદના નામ પણ બદલી નાંખ્યા હતા. એકનાથ શિંદેએ બાંદ્રા-વર્સોવા સી- લિંકનું નામ પણ બદલીને વીર સાવરકર સેતુ કરી દીધું હતુ.
ગુજરાતના અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ભાજપ પોતે જ ઉઠાવતુ હતું. ભાજપ પોતાના સંગઠનના કાર્યક્રમમાં અમદાવાદને બદલે કર્ણાવતી લખતું હતું. રાષ્ટ્રીય સ્વંય સેવક ના દસ્તાવેજોમાં પણ કર્ણાવતી લખાતું હતું. સંઘની સ્ટુડન્ટ પાંખે ગયા સપ્તાહમાં જ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગ કરી હતી.
વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં સવાલ પુછ્યો હતો કે શું સરકાર અમદાવાદનું નામ બદલવા માંગે છે? ત્યારે સરકારે જવાબ આપ્યો હતો કે છેલ્લાં 2 વર્ષમા સરકાર પાસે આવી કોઇ દરખાસ્ત આવી નથી.
વીર સાવરકરે અમદાવાદ અને મહારાષ્ટ્રના અનેક શહેરના નામ બદલીને ભારત સાથે જોડાયેલા દરિયાના નામ પરથી આપવાનું સુચન કર્યુ હતું. સાવરકરે સૌથી પહેલા કહેલું અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થવું જોઇએ.
અમદાવાદનું નામ બદલવાની સમસ્યા એ છે કે યુનેસ્કોને સબમિટ કરવામાં આવેલા ડોઝિયરમાં કર્ણાવતીનો ક્યાંય ઉલ્લેખ નથી. જો અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો યુનેસ્કોનો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જતો રહેશે. જેના કારણે હિન્દુ સંગઠનો ભલે નામ બદલવાની માંગ ઉઠાવી રહ્યા હોય, પરંતુ ભાજપના નેતાઓને હાલમાં આવી કોઈ ઈચ્છા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp