Video:‘આ બધુ સળગાવવા વાળા તમે જ છો’, રિવાબાએ MP પૂનમ માડમને તતડાવ્યા, મેયરને..

PC: gujaratsamachar.com

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા મેયર અને સાંસદને ખખડાવી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે ભારે હંગામો મચી ગયો છે અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

ગુજરાત ભાજપમાં અત્યારે બાર સાંધેને તેર તુટે તેવો ઘાટ થઇ રહ્યો છે. પત્રિકા કાંડને કારણે ગુજરાતના રાજકારણમાં હંગામો ચાલે છે તેવા સમયે જામનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.

જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાની એક જાહેર કાર્યક્રમમાં મેયર સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી, તેમાં જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમ વચ્ચે પડ્યા તો રિવાબાએ તેમને પણ તતડાવી નાંખ્યા અને કહ્યું કે, 'સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો'. રિવાબાએ મેયરને કહ્યું હતું કે તમારી ઔકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા. ભાજપનો ફરી એકવાર આતંરિક જૂથવાદ સામે આવ્યો છે અને આના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ જામનગરના લાખોટા તળાવ ખાતે મહાનગર પાલિકા દ્રારા ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. એ દરમિયાન જામનગર મહાનગર પાલિકાના મેયર બીનાબેન કોઠારી અને રિવાબા જાડેજા વચ્ચે કોઇ બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઇ હતી. રિવાબા જાડેજાએ મેયરને કહ્યુ કે, તમારી ઔકાતમાં રહેજો, વધારે સ્માર્ટ ન બનતા. તો મેયરે પણ સામે રિવાબાને કહ્યું હતું કે ઔકાતમાં રહો એટલે?, ડોળા કાઢીને વાત ન કરો, તમે શહેરના એક મેયર સાથે વાત કરી રહ્યા છો.

આ વિવાદ વણસી રહ્યો હતો એટલે ભાજપના સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરીને રિવાબાને કહ્યું કે, મેયર તમારાથી મોટા છે. તો રિવાબા પૂનમ માડમ સામે  પણ ભડકી ગયા અને તેમણે તતડાવીને કહ્યું હતું કે, 'સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો'.

રિવાબા જાડેડાના મેયર અને સાંસદ સાથેની બબાલના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગાંધીનગર અને દિલ્હી સુધી વાત પહોંચી છે.લોકસભા 2024ની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ઉભી થયેલી યાદવા સ્થળી નેતાઓ માટે ચિંતાનો વિષય બની છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતાના નિવેદનમાં કહ્યું કે, જામનગરની ઘટનાની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp