ગુજરાતઃ ભાજપના કાર્યકરોને બે લોકોએ એટલા માર્યા કે એકનું મોત, વીડિયો વાયરલ

વડોદરામાં વાહન પાર્કિંગની જૂની અદાવતમાં અસામાજિક તત્ત્વોએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સક્રિય કાર્યકર્તા સચિન ઠક્કર પર 2 દિવસ અગાઉ રાતના સમયે હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન ખાનગી હૉસ્પિટલમાં તેનું મોત થઇ ગયું છે. હત્યારાઓએ સચિન ઠક્કર અને પ્રિતેશ ઠક્કરને લાકડીઓથી માર માર્યો હતો તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બે લોકો લાકડીઓથી નિર્દયતાપૂર્વક બંનેને માર મારતા નજરે પડી રહ્યા છે. ગોત્રી પોલીસે ત્રણેય આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને વીડિયોની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
#વડોદરા: ભાજપના કાર્યકરોને માર માર્યાનો LIVE વીડિયો
— Sanjay ᗪєsai 🇮🇳 (@sanjay_desai_26) July 28, 2023
વાહન પાર્કિંગની અદાવતમાં સચિન ઠક્કર-પ્રિતેશ ઠક્કરને 2 શખસે બેરહમીપૂર્વક લાકડીથી ફટકાર્યા
સારવાર દરમિયાન સચિન ઠક્કરનું મોત
કાર(GJ-06-PJ-3068)માં આવેલા બે-ત્રણ અજાણ્યા શખસ આવ્યા હતા.#Vadodara #Gujarat #GujaratiNews #Murder pic.twitter.com/PN9fCcWOwP
વડોદરાના દિવાળીપુરા સૂક્રુતિનગરમાં રહેતા રીમાબેન સચિનભાઈ ઠક્કરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 25 જુલાઈની રાત્રે 11:45 વાગ્યા સુધી મારો પતિ સચિન ઘરે આવ્યો નહોતો, જેથી મેં તેને ફોન કર્યો હતો, ત્યારે તેનો ફોન પોલીસકર્મીએ ઉપાડ્યો હતો અને મને જણાવ્યું હતું કે તમે ગોત્રી જનરલ હૉસ્પિટલમાં આવો. સચિન અને પ્રિતેશને કોઈએ માર માર્યો છે, જેથી તેમને માથામાં ઈજા થઈ છે અને હાલમાં ભાનમાં નથી, જેથી હું, મારા સસરા અને મારો દીકરો ગોત્રી જનરલ હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા અને સચિનના મામાના દીકરા પ્રિતેશનો પરિવાર પણ ત્યાં આવ્યો હતો.
મારા પતિને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળતું હતું અને પ્રિતેશને પણ માથામાં ઈજા થઈ હતી અને તેનું પણ લોહી નીકળતું હતું. મારા પતિ ભાનમાં નહોતો અને પ્રિતેશભાઈ પણ અર્ધબેભાન અવસ્થામાં હતા. તેને પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, હું અને સચિન રાતના 10:30 વાગ્યાની આસપાસ ચકલી સર્કલ પાસે મર્ચ મસાલા રેસ્ટોરાંની ગલીમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં હતા, ત્યારે અગાઉના પાર્કિગ કરવાની બાબતે ઝઘડાની અદાવત રાખી કારમાં (ગાડી નં-GJ 06 PJ 3068)માં આવેલા 2-3 અજાણ્યા લોકો આવ્યા હતા.
આરોપીઓમાંથી એક પાર્થ બાબુલ પરીખ હોવાનું મને વાતચીતમાં જાણવા મળ્યું હતું. તેણે લાકડીથી મારા પતિ સચિન તથા પ્રિતેશને માથાના ભાગે ફટકા માર્યા હતા અને બંનેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે ચીકુવાડી સ્થિત ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે સચિન ઠક્કરનું ખાનગી હૉસ્પિટલમાં મોત થયું છે. ભાજપના કાર્યકર્તા સચિન ઠક્કરનું મોત થતા ગોત્રી પોલીસ હૉસ્પિટલમાં દોડી ગઈ હતી અને બધા સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપી પાર્થ બાબુલ પરીખ (ઉંમર 40 વર્ષ, રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરિભક્તિ કોલોની રેસકોર્સ, વડોદરા), વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી (ઉંમર 33 વર્ષ, રહે. નાગરવાડા સૈયદપુરા વડોદરા) અને વિકાસ લોહાણા (ઉંમર 30 વર્ષ, રહે. વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા) સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગોત્રી પોલીસે વીડિયોની મદદથી ભાજપના કાર્યકર્તા સચિન ઠક્કરની હત્યાના કેસની તપાસ શરૂ કરી છે. પોલીસે રિકવર કરેલા CCTVમાં આરોપી વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી અને વિકાસ લોહાણા બંનેને લાકડીથી માર મારતા નજરે પડે છે અને ત્યારબાદ પાર્થ પરીખ પણ આરોપીઓની સાથે ભાગતો દેખાય છે.
ભાજપના કાર્યકર્તા સચિન ઠક્કર અને પ્રિતેશને અસામાજિક તત્ત્વો સાથે વહન પાર્કિંગ બાબતે ઝઘડો થતા તેણે ગોત્રી પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. જો કે, અરજી બાબતે પોલીસે કોઈ તપાસ ન કરતા સામાજિક તત્ત્વો સચિન ઠક્કર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જો ગોત્રી પોલીસે અરજીની તપાસ કરી હોત તો કદાચ સચિન ઠક્કર જીવતો હોત. અરજીની તપાસ ગોત્રી પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ધુળાભાઈ સોંપવામાં આવી હતી, પરંતુ તેમણે આ અરજી સંબંધે કાયદેસરની કોઈ પણ જાતની કાર્યવાહી કરી નહોતી, જેથી બેદરકારીના કારણે નાયબ પોલીસ કમિશનર, ઝોન-2એ પ્રવીણને સસ્પેન્ડ કર્યો છે અને ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp