મંતરી આપવાના બહાને નાગાબાવાએ નજર ચૂકવી સોનાની વિંટીની જગ્યાએ રુદ્રાક્ષ આપી દીધા

અમદાવાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાગાબાવાના વેશમાં આવેલા ગઠિયાએ એક વ્યક્તિની સોનાની વિંટી નજર ચૂકવીને પડાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અમદાવાદના સાયન્સ સિટી રોડ પરની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક વ્યક્તિના પરિવારની તમામ વિગતો જણાવીને નાગાબાવાના વેશમાં આવેલા ગઠિયાએ તેની પાસે સોનાની વિંટી મંતરી આપવા માટે માગી હતી. વિંટી આપ્યા બાદ નાગાબાવાના વેશમાં આવેલા ગઠિયાએ તેના પર મંત્ર ચાલુ કર્યા હતા અને પછી વ્યક્તિને વિંટીની જગ્યાએ રુદ્રાક્ષ પધરાવી દીધી અે ભાગી ગયો હતો. વ્યક્તિ મૂળ કાલોલનો વતની છે, પરંતુ તેના ભાઇને બ્રેન હેમરેજ થતા તે થોડા દિવસ માટે અમદાવાદમાં રહેવા માટે આવ્યો હતો.
કાલોલમાં આવેલા વિહાન બંગ્લોઝમાં રહેતા વ્યક્તિ મહેશભાઇ ત્રિવેદીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ત્રણ નાગાબાવા વિરૂદ્ધ ફ્રોડ કરવાની ફરિયાદ કરી છે. મહેશભાઇ ત્રિવેદી કલોલ રેલવે સ્ટેશન પર ખાવા-પીવાનો સ્ટોલ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મહેશભાઇના મોટાભાઇ રમેશભાઇ ત્રિવેદી પોતાના પરિવાર સાથે સાયન્સ સિટીમાં આવેલા દત્ત એવન્યૂમાં રહે છે. થોડા દિવસ અગાઉ રમેશભાઇ સાતેજથી તેમના ઘરે એક્ટિવા લઇને જતા હતા, ત્યારે તેમનું એક્ટિવા સ્લીપ થઇ ગઇ હતી. એક્ટિવા સ્લીપ થતા રમેશભાઇ જમીન પર પટકાયા હતા. જ્યાં તેને બ્રેન હેમરેજ થયું હતું. હાલમાં રમેશભાઇ ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ છે. જેમની દેખરેખ રાખવા માટે મહેશભાઇ કલોલથી આવ્યો છે.
હાલમાં મહેશભાઇ તેના ભાઇના ઘરે રોકાયો છે. જ્યાં ગઇ કાલે નાગાબાવાના વેશમાં આવેલા ગઠિયાઓએ સોનાનો ઘરેણાં પડાવીને લઇ ગયા હતા. ગઇકાલે સવારે મહેશભાઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં પક્ષીઓને દાણા નાખવા માટે ગયો હતો. પક્ષીઓને દાણા નાખીને મહેશભાઇ પાછો ઘર તરફ જઇ રહ્યો હતો, ત્યારે એક કાર આવીને ઉભી રહી, જેમાં નાગાબાવાના વેશમાં ગઠિયા બેઠા હતા. તેમણે મહેશભાઇને પૂછ્યું હતું કે, શિવ મંદિર ક્યાં આવ્યું છે. અમદાવાદથી અજાણ મહેશભાઇએ નાગાબાવાને જવાબ આપ્યો હતો કે, મને ખબર નથી. ત્યારબાદ કથિત નાગાબાવાએ મહેશભાઇને કહ્યું હતું કે, 51 પગલા આગળ ચાલીને આવો.
નાગાબાવાની વાત માનીને મહેશભાઇ 51 પગલા ચાલીને ગયા હતા, ત્યારે નાગાબાવાએ કહ્યું હતું કે, તમારે બે દીકરા છે. જેમાં એકનું નામ ત્રણ અક્ષરનું છે. નાગાબાવાએ કહેલી વાત સાચી હોવાથી મહેશભાઇને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો. નાગાબાવાએ મહેશભાઇ પાસે સોનાની વિંટી માગી હતી અને તેને મંતરીને પરત આપવાની વાત કરી હતી. મહેશભાઇના ઘરની હકીકત કહેતા તેને નાગાબાવા પર ભરોસો બેસી ગયો હતો. જેથી તેણે સોનાની વિંટી કાઢીને આપી દીધી હતી.
નાગાબાવાના વેશમાં આવેલા ગઠિયાના હાથમાં વિંટી આવતાની સાથે તેમણે પોતાની દાઢીમાં ભરાવી હતી અને મંત્ર બોલવા લાગ્યો હતો.મહેશભાઇ તેને જોઇ રહ્યો ત્યારે નાગાબાવાએ દાઢીમાંથી કંઇક કાઢીને મહેશભાઇના હાથમાં મૂકીને મુઠ્ઠી વાળી દીધી હતી. નાગાબાવાએ કહ્યું હતું કે, જઇને પછી જ મુઠ્ઠી ખોલજો, અને પછી તે કાર લઇને નીકળી ગયો હતો. તેઓ જતા રહ્યા બાદ મહેશબાઇએ મુઠ્ઠી ખોલીને જોયું તો તે સોનાની વિંટી નહીં, રુદ્રાક્ષ હતું.
મહેશભાઇની નજર ચૂકવીને નાગાબાવાના વેશમાં આવેલા ગઠિયાએ 65 હજારની સોનાની વિટી ચોરી લીધી હતી અને બાદમાં રુદ્રાક્ષ આપીને ભાગી ગયો હતો. બોડકદેવ પોલીસે આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. આખા શરીર પર ભભૂતી લગાવી હતી. મહેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો અને તેની બાજુમાં 30 વર્ષની ઉંમરનો એક યુવક બેઠો હતો. જેના શરીર પર કપડા નહોતા અને આખા શરીર પર ભભૂતી લગાવી હતી. યુવકે પોતાની ઓળખ નાગાબાવા તરીકેની આપી હતી અને નજર ચૂકવીને દાગીના પડાવી લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp