અહેમદ પટેલની દીકરી મુમતાઝ સક્રીય રાજકારણમાં આવે તેવી અટકળ,જાણો ગડકરીને કેમ મળ્યા

PC: khabarchhe.com

કોંગ્રેસના એક જમાનાના પાવરફુલ અને દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર રહી ચુકેલા અહેમદ પટેલના દીકરી પણ તેમનો વારસો જાળવવા સક્રીય રાજકારણમાં આવે તેવી અટકળો શરૂ થઇ છે. અહેમદ પટેલ જ્યારે સક્રીય રાજકારણમાં હતા ત્યારે તેમના સંતાનો રાજકારણથી દુર રહ્યા હતા, પરંતુ 2 વર્ષ પહેલાં અહેમદ પટેલના નિધન પછી તેમના દીકરી મુમતાઝ પટેલ હવે જાહેર જીવનમાં  દેખાવા માંડ્યા છે એટલે તેમના રાજકારણમાં જોડાવવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે.તાજેતરમાં મુમતાઝ પટેલે ભરૂચના પ્રશ્નોને લઇને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી હતી જેને લીધે આ અટકળોને વેગ મળ્યો છે.

દિવંગત અહેમદ પટેલ વર્ષ 2004થી 2014 સુધી જયારે કેન્દ્રમાંUPAની સરકાર હતી ત્યારે એક તાકાતવર નેતા કહેવાતા હતા અને ગુજરાતના રાજકારણમાં  તેમનું ખાસ્સુ વર્ચસ્વ હતુ. અહેમદ પટેલ 1993થી 2020 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. કોંગ્રેસમાં સોનિયા ગાંધી, પ્રણવ મુખર્જી અને ડો, મનમોહન સિંહ પછી પાવરફુલ નેતા તરીકે અહેમદ પટેલ ગણાતા હતા. તેમની એક ખાસિયત એ પણ હતી કે વિરોધ પક્ષના નેતાઓ પણ તેમને માનથી બોલાવતા.

અહેમદ પટેલ જ્યારે રાજકારણમાં સક્રીય હતા ત્યારે તેમણે એવી કોશિશ કરી હતી કે તેમના સંતાનો રાજકારણથી દુર રહે. હવે તેમના નિધન પછી દીકરી મુમતાઝ જાહેરમાં દેખાતા થયા છે. તેઓ કોંગ્રેસના અધિવેશનમાં પણ હાજર રહ્યા હતા. તાજેતરમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ મુમતાઝ જોવા મળ્યા હતા. તાજેતરમાં મુમતાઝ પટેલે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીને નેશનલ હાઇવે 48 પરના ખરોડ ફલાય ઓવર બ્રીજની સમસ્યા વિશે રજૂઆત કરી હતી. મુમતાઝ પટેલે નિતિન ગડકરી સાથેની તસ્વીર તેમના ફેસબુક પેજ પર પણ શેર કરી છે.

મુમતાઝ પટેલે શરૂઆતનું શિક્ષણ ભરૂચમાં લીધું હતું, તે પછી તેઓ દિલ્હી ગયા હતા અને ત્યારબાદ તેમણે વિદેશમાં અભ્યાસ કર્યો હતો. અહેમદ પટેલ જ્યારે બિમાર હતા ત્યારે દીકરી મુમતાઝને બોલાવીને પિતા અહેમદ પટેલે કહ્યુ હતું કે, મેં જે ટ્રસ્ટ ઉભા કર્યા છે તેની જવાબદારી તું સંભાળવાનું શરૂ કર. મુમતાઝ પટેલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, એ પછી હું ગામ ગામ લોકોને મળતી ગઇ તો મને કામ કરવાની ખરેખર મજા આવી.

જો કે મુમતાઝ પટેલે રાજકારણમાં આવવાની હજુ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ જે પ્રમાણે તેમની કામગીરી જોવા મળી રહી છે તે પરથી એવું લાગી રહ્યું છે કે ટુંક સમયમાં મુમતાઝ રાજકારણમાં જોડાવવાની જાહેરાત કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp