દારૂબંધીના લીરેલીરા- ST ડેપોની ઓફિસમાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એક ST ડેપોની ઓફિસમાં કર્મચારીઓ બિન્દાસ્ત દારૂની મહેફિલ માણી રહ્યા છે અને જાણે એવું કહેતા હોય એમ લાગે છે કે દારૂબંધીની ઐસી કી તૈસી.દારૂબંધી માટે સરકાર કડક પગલાંની જાહેરાત કરી રહી છે, પરંતુ શરાબીઓને કોઇ ફરક પડતો નથી.
વાત છે છોટા ઉદેપુરની એક ST બસ ડેપોની. છોટા ઉદેપુર સરહદી જિલ્લો છે અને અહીંથી ઘણી વખત વિદેશી દારૂ પોલીસ પકડે છે. પરંતુ એક વીડિયો વાયરલ થયો એની પરથી એવું લાગે છે કે કેટલોક દારૂ જિલ્લામાં પગપેસારો પણ કરી દે છે.
છોટા ઉદેપુરના બોડેલી ST ડેપોમાં મોડી રાત્રે ડેપોમાં કામ કરતા કર્મચારીઓ ઓફિસમાં જ બેસીને બિન્દાસ્ત દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક કર્મચારી એવું બોલી રહ્યો છે કે, આપણને તો આ પહેલેથી જ પીવાની આદત છે, પણ ખાતા ખાતા પીવાની મજા નથી આવતી.
વીડિયોમાં દેખાય છે કે ચેર પર એક ના વ્યક્તિ ખાખી કલરનું પેન્ટ પહેરીને દારૂનો ગ્લાસ ભરીને પીતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તેને સાથ આપવા બીજો એક વ્યક્તિ કંઇક ખાતો હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા રોજ દારૂ પકડાય છે. દરરોજ હજારો બોટલ દારૂ છોટા ઉદેપુર પોલીસ ઝડપે છે. તેમ છતાં સરકારી કર્મચારી કચેરીમાં બેસીને બેફીકર રીતે કોઈના ડર વગર દારૂની મહેફિલ માણે છે.
આ બાબતે ઇન્ચાર્જ ડેપો મેનેજર એ. એચ. ચૌહાણે કહ્યુ હતું કે, ગુરુવારે બોડેલી ST ડેપોમાં કર્મચારીઓ દારૂ પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આના અનુસંધાનમાં જે તે કર્મચારીઓ વિરુદ્ધ પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવી છે. ઉપરી અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી છે. ચૌહાણે કહ્યું કે, હાલ તો વીડિયોમાં 3 કર્મચારીઓ દેખાય છે. જેમાં 1નો ચહેરો દેખાતો નથી પણ તેની તપાસ કરીને કુલ 3 કર્મચારીઓ સામે ગંભીર પગલાં લેવા માટે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.
પોલીસ ગુરુવારે મોડી રાત્રે બોડેલી સ્ટેશન પહોંચી હતી અને દારૂ પીનારા કર્મચારીઓને ઉંચકી ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp