બરોડા ડેરીના 3 કેન્દ્રો બહાર દૂધની કેરેટોની ચોરી, પોલીસે એક આરોપીની કરી ધરપકડ

PC: divyabhaskar.co.in

સોના-ચાંદી, ઘરેણા અને રોકડ રકમની ચોરી થઈ, એવું તો તમે સાંભળ્યું હશે, પણ તમે દૂધની ચોરી થઈ હોવાનું ક્યાંરેય સાંભળ્યું છે? તેનો જવાબ હશે નહીં. પરંતું આવી એક ઘટના વડોદરામાં બની છે. વડોદરામાં બરોડા ડેરીના દૂધના 3 કેન્દ્રો પર દૂધ ભરેલી કેરેટ્સની ચોરીની ઘટના સામે આવી છે, જેમાં 16 હજાર 888 રૂપિયાની કિંમતની અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ દૂધની થેલીઓની ચોરી થઈ છે. દૂધના 3 કેન્દ્રો પર દૂધના કેરેટની ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે, જેમાં એક વ્યક્તિ દૂધની થેલીઓ સ્કૂટરમાં મૂકતો દેખાય છે.

આ દૂધના 3 કેન્દ્રો પર એક જ વ્યક્તિ દૂધના કેન્દ્રો પર ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. દૂધ કેન્દ્રમાં દૂધની ચોરી કરનારા આરોપી મોહમ્મદ કૈફ દરબારની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનના PI એમ.કે. ગુર્જરે જણાવ્યું કે, પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું કે, રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે દૂધની ચોરી કરી હતી અને તે દૂધ ચોરી કરીને છૂટકમાં વેચી દેતો હતો. વડોદરાના ભાયલી રોડ ઉપર અક્ષર ઉપવનમાં રહેતા મુકેશ બાલાભાઈ મકવાણાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે હું સણા-ભાયલી રોડ પર આનંદ વિલા કોમ્પ્લેક્સમાં શ્રીજી ફરસાણ નામની દુકાન અને બરોડા ડેરીનું કેન્દ્ર ચલાવું છું. અમારા બરોડા ડેરીના કેન્દ્ર પર રોજ સવારે 6:00 વાગ્યે બરોડા ડેરીથી દૂધ ભરેલી કેરેટ્સ દૂધના ટેમ્પાવાળા આવીને મૂકી જાય છે અને હું સવારે 8 વાગ્યે દુકાને જાઉં છું અને દુકાનની બહાર મૂકેલા દૂધની કેરેટ ચેક કરી લઉ છું, પરંતુ 28 જૂનના રોજ હંમેશાંની જેમ ટેમ્પાવાળો દૂધની કેરેટ મૂકીને ગયો હતો. ત્યારબાદ હું સવારે 8 વાગ્યે દુકાન પર ગયો હતો.

તેણે આગળ જણાવ્યું કે, મેં દૂધની કેરેટ ચેક કરતા અમૂલ ગોલ્ડની 4 કેરેટ અને અમૂલ શક્તિની 4 કેરેટ ઓછી હતી. જ્યારે બરોડા ડેરીનો ટેમ્પો ખાલી કેરેટ પાછો લેવા આવ્યો, ત્યારે તેને મેં દૂધની ઓછી કેરેટ બાબતે પૂછ્યું હતું, જેથી તેણે જણાવ્યું હતું કે મેં તો ઓર્ડર પ્રમાણે પૂરેપૂરી કેરેટ તમારા કેન્દ્ર પર મૂકી હતી. જેથી મને ખાતરી થઈ હતી કે દૂધની કેરેટની ચોરી થઈ છે. અમૂલ ગોલ્ડના એક કેરેટનો ભાવ 748 રૂપિયા છે અને અમૂલ શક્તિના એક કેરેટનો ભાવ 678 રૂપિયા છે. આમ, કુલ 2,892 રૂપિયાની અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓ અને 1,356 રૂપિયાની અમૂલ શક્તિ દૂધની થેલીઓની ચોરી થઈ હતી.

આ આખી ઘટના દૂધના કેન્દ્રના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં એક ચોર દૂધની કેરેટ ચોરતો નજરે પડી રહ્યો છે. એ સિવાય ઓલ્ડ પાદરા રોડ પર રહેતા બહાદુર ખડગ બીષ્ટ ઓલ્ડ પાદરા રોડ પર રાજલક્ષ્મી કોમ્પ્લેક્સની સામે ખુલ્લામાં બરોડા ડેરીનું કેન્દ્ર ચલાવે છે. તેમને ત્યાંથી 27 જૂનના રોજ અમૂલ ગોલ્ડની 4 કેરેટ અને અમૂલ શક્તિની 2 કેરેટની ચોરી થઈ હતી. આમ, કુલ 2,92 રૂપિયાની અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓ અને 1,356 રૂપિયાની અમૂલ શક્તિ દૂધ થેલીઓની ચોરી થઈ હતી. આ અખી ઘટના કેન્દ્રના CCTVમાં કેદ થઈ ગઈ હતી. વાસણા-ભાયલી રોડ પર જે તસ્કરે દૂધની કેરેટની ચોરી કરી હતી, તે ચોર જ દૂધની કેરેટની ચોરી કરતો દેખાયો હતો.

બીજી તરફ, વડોદરાના ગોત્રી વિસ્તારના અમિતનગરમાં રહેતા ગણપતભાઇ હિરાભાઈ રાઠવા (ઉંમર 56 વર્ષ) સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે 28 જૂનના રોજ બરોડા ડેરીમાંથી દૂધની 18 કેરેટ મગાવી હતી. બરોડા ડેરીની દૂધની ગાડી વહેલી સવારે 5:00 વાગ્યે અલ્કાપુરી સ્થિત કોંકણ બિલ્ડિંગ પાસે મારા કેન્દ્ર પર દૂધની કેરેટ મૂકીને ગઈ હતી અને હું સવારે 6 વાગ્યે દૂધ કેન્દ્ર પર પહોંચ્યો હતો. એ સમયે દૂધની 5 કેરેટ ખાલી હતી. મેં તપાસ કરતા દૂધની થેલીઓ મળી આવી નહોતી.

મારા દૂધ કેન્દ્ર પરથી 3,072 કિંમતની અમૂલ ગોલ્ડ દૂધની 96 થેલી અને 696 રૂપિયાની કિંમતની અમૂલ શક્તિ દૂધની 24 થેલીની ચોરી થઈ હતી. આમ, કુલ 3,798 રૂપિયાના દૂધની ચોરી થઈ હતી. ત્યારબાદ 4 જુલાઇના રોજ ફરીથી અમારા દૂધના કેન્દ્ર પરથી ચોરી થઈ હતી, જેમાં મારા દૂધ કેન્દ્ર પરથી 3,840 કિંમતની અમૂલ ગોલ્ડ દૂધની 120 થેલી અને 696 રૂપિયાની કિંમતની અમૂલ શક્તિ દૂધની 24 થેલીની ચોરી થઈ હતી. આમ, કુલ 4,594 રૂપિયાના દૂધની ચોરી થઈ હતી. આમ બે વખતની મળીને કુલ 8,392 રૂપિયાની દૂધની થેલીઓની ચોરી થઈ હતી.

ફરિયાદી મુકેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે મારે ત્યાં રોજ દૂધ વહેલી સવારે આવી જાય છે અને હું 8:00 વાગ્યે કેન્દ્ર પર પહોંચું છું. ક્યારેય આવી ઘટના બની નહોતી. પહેલી વખત આ પ્રકારે દૂધની ચોરી થઈ છે. દૂધની કેરેટની ચોરી થતા હવે દૂધનો ટેમ્પાવાળો પરત આવે ત્યારે હું દૂધ લઉં છું. દૂધનો ટેમ્પો પરત 8:30 વાગ્યે આવતો હોવાથી દૂધના ધંધામાં પણ અસર પહોંચી છે. મારે દૂધ આવવાની રાહ જોઇને બેસી રહેવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp