26th January selfie contest

સાવકી માને દીકરો નહોતો ગમતો તો એને બીજા માળેથી ધક્કો મારી દીધેલો, આટલી સજા થઈ

PC: divyabhaskar.co.in

6 ફેબ્રુઆરી, 2018ના રોજ આશરે આજથી પાંચ વર્ષ પહેલાં એક જઘન્ય ઘટનાએ આખા ગુજરાતને હમચાવી દીધું હતું. જે ઘટનામાં પોતાની સગી દીકરીના મોહમાં એક નિર્દયી માતાએ ઘાતકી રીતે ફૂલ જેવા સાવકા દીકરાને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનામાં ગુનેગાર દ્વારા કરવામાં આવેલી હત્યાની રીત જોઈને બે ઘડી માટે પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી. જે ઘટનાનો 10 જાન્યુઆરી, 2022ના રોજ ત્રણ દિવસ પહેલાં જ ચુકાદો આવ્યો છે. જે અંતર્ગત હત્યાને અંજામ આપનારી હત્યારી માતાને લીંબડી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

આ ઘટના અંગે મૃતક ધ્રુવના પિતા શાંતિલાલ પરમારના જણાવ્યા મુજબ તેમની 'પત્ની જિનલ દીકરા અને દીકરીને રોજ સાંજે ચાર વાગ્યે લેશન કરાવવા ઉપરના રૂમમાં લઈ જતી હતી. પત્નીએ એ દિવસે સાંજે લેશન કરાવ્યા બાદ દીકરીને બહાર મોકલી દીધી. જે બાદ જ્યારે હું ઓફિસથી આવ્યો ત્યારે મારી મમ્મીને મારા નાનાભાઈની બેબીએ આવીને પૂછ્યું કે ધ્રુવ ક્યાં છે? આથી મારી મમ્મીએ કહ્યું કે એ લેશન કરે છે ઉપર રૂમમાં. આથી હું ઉપર તરત જ જોવા માટે ગયો, પણ ત્યાં ધ્રુવ નહીં મળ્યો. આથી આખા ઘર, શેરી અને શહેરમાં હાંફળા-ફાંફળા થઈને અમે દીકરાને શોધ્યો, પણ તે ક્યાંય મળ્યો નહીં. ત્યાર બાદ અમે પોલીસમાં ગયા અને સમગ્ર બાબતે પોલીસને જાણ કરતાં પોલીસે મારા ઘરે આવીને આખું ઘર તપાસ્યું, પણ કંઈ મળ્યું નહીં.

રાત્રે દસ વાગ્યે અમે ધ્રુવની ચંપલ જોઈ ત્યારે અમને શંકા ગઈ. પછી એક મોટી બેગ કે જે ઘરમાં લોક કરીને પડેલી હતી તેના પર મારી નજર પડી. જે અંગે જિનલને પૂછતાં તે ગલ્લાંતલ્લાં કરવા લાગી. આથી મારા ઓફિસના મકવાણાભાઈ અને PB વાઘેલા અને હું રૂમમાં ગયા અને અન્ય કોઈને અંદર નહીં આવવા દીધા. જે બાદ અમે સૂટકેસની તપાસ કરી. આ બેગને ખોલતાં જ મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. મારો લાડલો ધ્રુવ આ બેગમાં નિસ્તેજ થઈને પડ્યો હતો. સૂટકેસમાંથી રાત્રે 10 વાગ્યે મેં મારા દીકરાને બહાર કાઢ્યો અને તરત આ અંગે પોલીસને જાણ કરી. પોલીસ આવી અને જિનલને પકડી ગઈ. અને બીજી તરફ હું મારા દીકરાને લઈને હોસ્પિટલ ગયો, જ્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો.

શાંતિલાલ પરમાર વધુમાં કહે છે કે, 'લેબર કમિશનરની ઓફિસમાં હું નોકરી કરું છું. પહેલા મારા લગ્ન ડિમ્પલ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ અમારે ત્યાં વર્ષ 2011મા પુત્ર ધ્રુવ ઉર્ફે ભદ્રનો જન્મ થયો હતો. બાદમાં બ્રેન હેમરેજને કારણે પત્ની ડિમ્પલનું અકાળે અવસાન થયું. જે કારણોસર દીકરો ધ્રુવ અને હું એકલા પડી ગયા હતા. આથી મારા પાંચ વર્ષના પુત્ર ધ્રુવને માતાનો પ્રેમ મળી રહે એ માટે મેં ફરી વાર લગ્ન કરવાનો નિર્ણય લીધો. અને આ માટે મેં સમાજનો આશરો લીધો, સમાજની લગ્નવિષયક બુક મારી પાસે આવતાં જિનલ નામની યુવતીની મેં લગ્ન માટે બુકમાંથી પસંદગી કરી.

ત્યારબાદ મેં જિનલના પરિવારનો બુકમાંથી નંબર લઈને સંપર્ક કર્યો. બાદમાં અમારા બન્નેના પરિવારો મળ્યા અને વાતચીત કર્યા બાદ અમે લગ્ન કર્યા. જો કે, જિનલે પોતાને પુત્રી હોવાનો બુકમાં કોઈ ઉલ્લેખ કર્યો નહીં હતો. જ્યારે તેને મળવા માટે અમે અમદાવાદ ગયા હતા ત્યારે જ અમને આ વિશે ખબર પડી. જો કે, એ વખતે જિનલ પોતે ભણતી હતી અને ટીચર તરીકે પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી પણ કરતી હતી. અમદાવાદના કાલુપુર ખાતે તેનો પરિવાર રહેતો હતો.'

આ અંગે પોલીસે જિનલની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, તેણે બીજા માળના ધાબાની સીડી પર લઈ જઈને ત્યાંથી ધ્રુવને ધક્કો મારીને પાડ્યો હતો. જે બાદ તે જીવતો હતો, પણ સીડીમાંથી પટકાતાં બેભાન જેવો થઈ ગઈ હતો. ધ્રુવના મોઢામાંથી લોહી નીકળતું હતું, આથી તેને લાગ્યું કે, ધ્રુવ તેની પોલ ખોલી નાખશે, આથી પોતાની ચોરણી (લેગિસ) તેણે ધ્રુવના મોઢે બાંધીને તેને બેગમાં પૂરી દીધો. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનાને અંજામ આપ્યા બાદ જિનલના મોઢા પર એ વખતે અને અત્યારે સજા થઈ તો પણ પસ્તાવો જોવા મળતો નથી. પોલીસે વધુમાં જણાવ્યું કે, તે સમયે આ ઘટનાની અમને જાણ થતાં જ અમે તાત્કાલિક તેને પકડીને નિવેદનો લીધા હતા અને પંચનામું કર્યું હતું. પહેલેથી એનો આવો કોઈ ઇરાદો નહીં હતો. તેને અચાનક ખુન્નસ ચઢી અને તેણે આ કૃત્ય કર્યું. જો કે, આ ઘટનાના તપાસ અધિકારી K.H.ત્રિવેદી હવે રિટાયર્ડ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp