મોરબીઃ દલિતે રાંધેલા ભોજનનો વિદ્યાર્થીઓ બહિષ્કાર કરે છે: કોન્ટ્રાક્ટરનો દાવો

PC: ndtv.com

ગુજરાતના મોરબી જિલ્લાના એક ગામમાં પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના કોન્ટ્રાક્ટરે દાવો કર્યો છે કે, શાળાના OBC સમુદાયના વિદ્યાર્થીઓ દલિતો દ્વારા રાંધવામાં આવતા ભોજનનો બહિષ્કાર કરી રહ્યા છે. દાવો કરતા કોન્ટ્રાક્ટરો દલિત સમુદાયમાંથી આવે છે અને ભોજન તેમના પરિવારના સભ્યો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ગુરુવારે મામલો પ્રકાશમાં આવ્યા બાદ શિક્ષણ અને મહેસૂલ વિભાગના અધિકારીઓએ પ્રાથમિક શાળાના બાળકોના વાલીઓ અને શિક્ષકો સાથે બેઠક યોજી હતી.

મીડિયા અહેવાલોને પગલે મોરબી તાલુકાના બે શિક્ષણ નિરીક્ષકો અને MDM મોરબીના નાયબ મામલતદારની ટીમે શાળાની મુલાકાત લીધી હતી.

અહેવાલ મુજબ, મોરબીના પ્રભારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ભરત વિડજાએ જણાવ્યું હતું કે, 'જિલ્લા કલેકટરે નાયબ મામલતદારને પણ મોકલ્યા હતા. ટીમે MDM કોન્ટ્રાક્ટરની હાજરીમાં શિક્ષકો અને વાલીઓ સાથે બેઠક યોજીને રિપોર્ટ સુપરત કર્યો હતો.'

વિડજાએ કહ્યું કે, ટીમ અને શિક્ષકોએ વાલીઓને તેમના બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતો ખોરાક ખાવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, 'તપાસ સમિતિના અહેવાલ મુજબ, તે જાતિના પૂર્વગ્રહનો મુદ્દો નથી. તે માત્ર એટલું જ છે કે બાળકો શાળામાં મધ્યાહન ભોજન ન લેવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.'

તપાસ સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, શાળામાં લગભગ 153 વિદ્યાર્થીઓ છે અને તેમાંથી 138 ગુરુવારે હાજર હતા. સભ્યએ કહ્યું, 'બાળકો તેમનું લંચબોક્સ સાથે લાવે છે અને શાળામાં મળતાં  મિડ-ડે મીલને બદલે ઘરે બનાવેલું ભોજન પસંદ કરે છે.'

મધ્યાહન ભોજન એ સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપીને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટેની એક સરકારી યોજના છે. સમિતિના સભ્યએ કહ્યું, 'વિદ્યાર્થી માટે શાળામાં પીરસવામાં આવેલું ભોજન ખાવું ફરજિયાત નથી… શાળાના શિક્ષક અને MDM કોન્ટ્રાક્ટરની હાજરીમાં વાલીઓ સાથેની બેઠકમાં, અમે પૂછ્યું કે, શું તેમને ગુણવત્તા અંગે કોઈ ફરિયાદ છે? અને ખોરાકનો જથ્થો... તે બધાએ ના કહ્યું.'

અધિકારીઓએ જણાવ્યું કે ગામમાં OBC (અન્ય પછાત જાતિ) સમુદાયનું વર્ચસ્વ છે, જ્યારે તેમાં પાંચ દલિત પરિવારો પણ છે.

દલિત કોન્ટ્રાક્ટરના પતિના કહેવા પ્રમાણે, 'ઉનાળુ વેકેશન પછી જ્યારે શાળા ફરી ખુલી ત્યારે આચાર્યએ મારી પત્નીને 100 વિદ્યાર્થીઓ માટે ભોજન બનાવવાનું કહ્યું પરંતુ અનુસૂચિત જાતિના માત્ર સાત વિદ્યાર્થીઓ જ ભોજન માટે આવ્યા. બીજા દિવસે પ્રિન્સિપાલે 50 વિદ્યાર્થીઓ માટે ભોજન બનાવવાનું કહ્યું... પરંતુ માત્ર દલિત વિદ્યાર્થીઓએ જ ખાધું.'

તેમણે દાવો કર્યો હતો કે, થોડા સમય પછી દલિત વિદ્યાર્થીઓએ પણ ખાવાનું બંધ કરી દીધું હતું અને કોન્ટ્રાક્ટરને જુલાઈના બીજા અઠવાડિયાથી MDM ફૂડ રાંધવાનું બંધ કરવાની ફરજ પડી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, 'પહેલાં જ્યારે OBC વ્યક્તિ કોન્ટ્રાક્ટર હતી, ત્યારે આવું થતું ન હતું... જ્યારે દલિત મહિલા આપણાં રાષ્ટ્રપતિ હોય ત્યારે શાળામાં આવું વલણ સારું નથી. જેથી મેં મામલતદાર અને પોલીસને ફરિયાદ કરી હતી. તેણે માતા-પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં.'

જોકે, ગામના સરપંચે નકારી કાઢ્યું હતું કે બાળકો એટલે ભોજનનો બહિષ્કાર કરી રહ્યાં છે કે, એક દલિતને રસોઈ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેમણે કહ્યું, 'પહેલાં પણ ઘણા બાળકો શાળામાં ખોરાક ખાતા ન હતા... બાળકો કહે છે કે જો તેઓને ગમશે તો તેઓ લંચ ખાશે, અમે તેમને માત્ર શાળાનો ખોરાક ખાવા માટે દબાણ કરી શકતા નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp