ગુજરાતમાં એવો વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, આ રીતે શાળામાંથી બાળકોને બચાવાયા

PC: vtvgujarati.com

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. પાટણમાં તો એટલો જોરદાર વરસાદ પડ્યો કે, કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાટણમાં ભારે વરસાદ અને રસ્તા પર પાણી ભરાવા સામે ઝઝૂમી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાવાને કારણે એક સ્કુલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા માટે સ્થાનિક પ્રશાસને ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો. પ્રશાસનના લોકો ટ્રેક્ટર લઈને એ શાળાએ પહોંચ્યા જ્યાં ભારે વરસાદને કારણે બાળકો અટવાઈ ગયા હતા.

દરમિયાન, હવામાન વિભાગ (IMD)એ શનિવારે કહ્યું કે, આગામી કેટલાક દિવસો સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદ પાડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેઘાલય અને આસામમાં રવિવારે ભારે વરસાદ પડી શકે છે. મીડિયા સાથે વાત કરતાં હવામાનશાસ્ત્રી સોમા સેન રોયે કહ્યું કે, આગામી 24 કલાકમાં દેશના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. સંબંધિત અધિકારીઓને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી પણ બહાર પાડી છે. લોકોને સતર્ક રહેવા પણ કહેવામાં આવ્યું છે. IMDએ શનિવારે ખેડૂતોને ઘઉં અને અન્ય રવિ પાકની લણણી થોડા દિવસો માટે મુલતવી રાખવાની સલાહ આપી હતી. જો કે, કેટલાક રાજ્યોમાં, સરસવ અને ચણા જેવા પાકની શક્ય તેટલી વહેલી તકે લણણી કરવાની અને પાકને સુરક્ષિત સ્થળોએ સંગ્રહિત કરવાની પણ સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 માર્ચે UP, ઉત્તરાખંડ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત દેશના ઘણા ભાગોમાં તોફાન, પાણી અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની ઊંચી ટેકરીઓમાં હિમવર્ષા જોવા મળી છે. જ્યારે, આ રાજ્યોના નીચાણવાળા વિસ્તારોમાં કરા અને વરસાદને કારણે, ઠંડી પાછી ફરી છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, ઔલી, મુનસ્યારી અને ધારચુલાની ઊંચી ટેકરીઓ પર બરફ પડ્યો હતો. કમોસમી હિમવર્ષાને કારણે સફરજન અને આલૂના પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી બે દિવસ સુધી વાતાવરણ આવું જ રહેશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ અને કરા પણ પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp