સુરત એરપોર્ટ એક્શન કમિટીની માગ, ઝીંગા તળાવને બંધ કરાવો

PC: ndtv.com

સુરત એરપોર્ટ પર 26 ફેબ્રુઆરીએ સુરતથી દિલ્હી જતી ઇન્ડિગોની ફલાઇટ સાથે બર્ડ હીટની ઘટના બનવાને કારણે વિમાનના એન્જિનને ભારે નુકશાન થયું હતું અને આ ફલાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.  આવા જોખમને નિવારવા માટે સુરત એરપોર્ટ એકશન કમિટીએ ઝીંગા તળાવો સંપૂર્ણ બંધ કરી દેવાની માંગ કરી છે. જો કે બર્ડ હીટની ઘટના પછી સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે તાત્કાલિક ઝીંગા તળાવ સામે કાર્યવાહી કરી હતી.સુરતમાં 2014માં એક ફલાઇટ ભેંસ સાથે ટકરાઇ હતી અને વિમાનને ભારે નુકશાન થયું હતું, એ પછી લાંબા સમય સુધી સુરત એરપોર્ટ પર વિમાની સેવા બંધ થઇ ગઇ હતી.

સુરત એરપોર્ટ એકશન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં  સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઝીંગા તળાવને કારણે પક્ષીઓની અવર જવર વધી ગઇ છે. જ્યારે સુરત એરપોર્ટ પરથી ફલાઇટ ટેક ઓફ કે લેન્ડિંગ થાય છે ત્યારે આ વિસ્તારમાં ઉડતા પક્ષીઓ વિમાન સાથે અથડાઇ જાય છે.

ઇઝાવાએ કહ્યુ કે દેશમાં સૌથી વધારે બર્ડ હીટ થતા એરપોર્ટમાં સુરત એરપોર્ટનો નંબર પાંચમો છે. સુરત એરપોર્ટ પર વર્ષ 2019-20માં 14 વખત બર્ડ હીટની ઘટના બની હતી તો વર્ષ 2020-21માં 8 વખત અને વર્ષ 2021-22માં 10 વખત અને 20222-23માં 2 વખત બર્ડ હીટની ઘટના નોંધાઇ છે.

તાજેતરમાં ઇન્ડિગોની ફલાઇટ સાથે બર્ડ હીટની ઘટના બની અને એન્જિન નંબર-2નું ભારે નુકશાન થયું હતું અને વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. સંજય ઇઝાવાએ કહ્યુ કે સુરત એરપોર્ટ એકશન કમિટી વતી અમે વિનંતી કરીએ છીએકે યાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યમાં આવી બર્ડ હીટની ઘટનાને નિવારવા માટે ઝીંગા તળાવને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે.

સુરતમાં વર્ષ 2014માં જેટ એરલાઇન્સની ફલાઇટ સાથે બફેલો હીટની ઘટના બની હતી તે પછી સુરત એરપોર્ટ ઠપ્પ થઇ ગયું હતું. વર્ષો  પછી સુરત એરપોર્ટ ફરી શરૂ થયું છે ત્યારે બર્ડ હીટ જેવી ઘટનાઓને કારણે એરપોર્ટને ફરી બંધ કરવાની નોબત ન  ઉભી થાય તેના માટે ઝીંગા તળાવ સામે એકશન લેવા જરૂરી છે.

જો કે સુરત એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના પછી સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ખજોદ વિસ્તારના ઝીંગાતળાવ સામે કાર્યવાહી કરી હતી.મજૂરા મામલતદારની ટીમે 25 ઝીંગાતળાવો પર જરૂરી માલસામાન જપ્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp