સુરત: દલાલ 3 વેપારી પાસે હીરા લઈ આવ્યો પછી પોલીસને કહે ચોરાઈ ગયા પણ એ જ...

PC: news18.com

હીરા દલાલીનો ધંધો કરતા એક યુવકે પોલીસને એવી સરસ સ્ટોરી સંભળાવી હતી કે હું હીરા લઇને આવતો હતો ત્યારે સુરતના વૈશાલી 3 રસ્તા પાસે બાઇક પર આવેલા બે જણાએ મને અટકાવીને ચપ્પુ બતાવ્યો હતો અને કહ્યું હતું કે તારી પાસે જે કઇ હોય તે આપી દે. ડરના માર્યા મારી પાસે જે 3 હીરાના વેપારીઓના 97 કેરેટ હીરા આપી દેવા પડયા હતા. લૂંટારા ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે આ યુવકનો કારચો ઉંધો પાડી દીધો હતો.

સુરતમાં હીરાનો ધંધો કરતા એક યુવકને લૂંટનો કારસો રચીને 3 વેપારીઓના હીરા પચાવી પાડવાનું ભારે પડી ગયું હતું. પોલીસને પહેલેથી જ શંકા ગઇ હતી અને કડક પુછપરછ કરી તો યુવકે સાચી હકિકત જણાવી દીધી હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને મૂળ માલિકોને હીરા પરત કરી દીધા હતા.

કાપોદ્રા વિસ્તારમા રહેતો હાર્દિક દેસાઇ નામનો યુવાન હીરાનો ધંધો કરે છે. 26 ઓકટોબરે હાર્દિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને કહ્યું હતું કે તે હીરાદલાલીનું કામ કરે છે અને તે મહિધરપરા હીરાબજારમાંથી 97.32 કેરેટ હીરા જે 3 વેપારીઓ પાસેથી લીધા હતા તે મીની હીરાબજારમાં સેફમાં મુકવા જતો હતો ત્યારે વૈશાલી 3 રસ્તા પાસે બાઇક પર આવેલા બે લોકોએ મને આંતરી લીધો હતો અને ચપ્પુ બતાવીને હીરા લૂંટીને ફરાર થઇ ગયા છે. હાર્દિકે કહ્યું હતું કે 15થી 20 લાખ રૂપિયાના હીરા હતા.

વરાછા પોલીસને હાર્દિકની વાત પર પહેલા જ શંકા ગઇ હતી, પરંતુ પોલીસે તપાસ શરૂ કરી. મહિધરપરા હીરાબજારથી માંડીને વરાછા મેઇનરોડ સુધીના 25 જેટલા CCTV પોલીસે તપાસ્યા હતા. પરંતુ પોલીસને લૂંટના કોઇ CCTV ફુટેજ દેખાયા નહીં.

એ પછી પોલીસે હાર્દિક દેસાઇને પોતાની સ્ટાઇલમાં પુછપરછ કરી તો તે પોપટની જેમ બધું બોલી ગયો હતો. હાર્દિક દેસાઇએ પોલીસને કહ્યું કે તેના માથા પર દેવું થઇ ગયું હતું તેથી તે આ હીરા પોતાની પાસે રાખવા માંગતો હતો અને ખોટી રીતે લૂંટની ફરિયાદનો કારસો રચ્યો હતો.

હાર્દિકે મયુર ગોયાણી પાસે 59.38 કેરેટ હીરા, કલ્પીત મહેતા પાસેથી 35.96 કેરેટ હીરા અને નિલેશ ભડીયાદરા પાસેથી 1.98 કેરેટ હીરા દલાલી માટે લીધા હતા. પોલીસે હાર્દિક પાસેથી હીરા જપ્ત કરીને મૂળ માલિકને પરત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp