સુરતનો હેડ કોન્સ્ટેબલ વાંસદામાં 15 લાખની નકલી નોટ સાથે પકડાયો,કચ્છથી નોટ લાવતા

PC: sandesh.com

દક્ષિણ ગુજરાતના વાંસદામાં 15 લાખ રૂપિયાની બનાવટી નોટો સાથે સુરતના હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. વાડ જ જ્યારે ચીભડાં ગળે તો શું થાય? કાયદાની રખેવાની જેને જવાબદારી સોંપવામાં આવી હતી તેવા સુરતના હેડ કોન્સ્ટેબલે ખાખીને લજવી છે. પોલીસે 37,42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વાંસદા પોલીસને એવી બાતમી મળી હતી કે 2 કારમાં સવાર થઇને કેટલાંક લોકો સુરતથી અનાવલ થઇને 500 રૂપિયાના દરની નકલી નોટો સાથે ભીનારથી વાંસદા આવી રહ્યા છે. પોલીસે બાતમીને આધારે ઝાળ બિછાવી હતી અને બંને કારને અટકાવી હતી. કારમાં કુલ 5 જણા હતા જેમની પાસેથી 500ની 2994 નકલી નોટ અને 6 અસલી નોટ મળી આવી હતી. પોલીસે 15 લાખની નકલી નોટ સહિત કુલ 37.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જેમની ધરપકડ કરી તેમાંથી સુરતનો હેડ કોન્સ્ટેબલ પણ હતો અને પોલીસને તેની પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે.

સુરતના હેડ કોન્સ્ટેબલને જ્યારે પિસ્તોલ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યુ હતું કે નોટની ડીલ વખતે જો ઝગડો થાય તો સલામતી માટે પિસ્તોલ સાથે રાખી હતી.

15 લાખ રૂપિયાની નકલી નોટ સાથે પકડાયેલા 5માંથી 3 સુરતના અને 2 બારડોલીના છે. જેમાં જેનિશ પટેલ ( બારડોલી), પ્રકાશ કામલે (બારડોલી), શ્રવણ પટેલ (બારડોલી) રાહુલ શર્મા (સુરત) અને યોગેશ યુવરાજ સામુદ્રે (સુરત)નો સમાવેશ થાય છે. આમા યોગેશ સામુદ્રે સુરત પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

વાસંદા પોલીસે જ્યારે ભીનાર ચાર રસ્તા પાસે કારને અટકાવીને પુછપરછ કરી તો આરોપીઓ બનાવટી નોટ મુદ્દે કોઇ જવાબ આપી શક્યા નહોતા. પરંતુ બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે મોટી રકમ મળવાની લાલચે કારસ્તાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ સુરત પોલીસનો હેડ કોન્સ્ટેબલ યોગેશને આશારામ કેસમાં એક મહિલા સાક્ષીની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. યોગેશ તેની ટોળકી સાથે લોકોને શિકાર બનાવતો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે આ ટોળકી કચ્છથી નકલી નોટ અથવા ચિલ્ડ્રન બેંક નોટસ લાવતી હતી અને નોટોની થપ્પીમાં ભેળવી દીધી હતી. ફાયનલ ડીલ વખતે યોગેશ પહોંચી જતો હતો, પરંતુ પોલીસે આ વખતે તેનો દાવ ઉંધો પાડી દીધો હતો.

પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે આ ટોળકીએ કોને કોને શિકાર બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp